15 હજાર હેકટર વાવેતર માત્ર જૂનાગઢ, ગીર સોમનાથમાં: સૌરાષ્ટ્રમાં દરરોજ એક લાખ જેટલા નાળિયેરની આવક
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર વિશ્વમાં બીજી સપ્ટેમ્બરના રોજ વિશ્ર્વ નાળિયેરી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકારે રાજ્યમાં નાળીયેરીની ખેતી, ઉત્પાદન અને નાળીયેરી સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવા ચાલુ વર્ષે જ ગુજરાત નાળીયેરી વિકાસ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ 2023-24માં કુલ રૂ. 403.30 લાખની જોગવાઇ સાથે નવી યોજના તરીકે આ મિશનને મંજૂરી અપાઈ છે. બખેડૂતોને નાળીયેરી વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના 75 ટકા મહત્તમ રૂ. 37,500 પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જેની ચૂકવણી 2 હપ્તામાં કરવામાં આવશે, 75 ટકા સહાય પ્રથમ હપ્તામાં અને બાકીની 25 ટકા સહાય બીજા હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા5નને પ્રોત્સાહન આપવા માટે ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 5,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ તમામ સહાય ખેડૂત/ખાતા દીઠ 4 હેક્ટરની મર્યાદામાં જ આપવામાં આવશે.
- Advertisement -
ગુજરાત દેશનો સૌથી લાંબો 1600 કિ.મી. જેટલો દરિયાકિનારો ધરાવે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળીયેરીનું ઉત્પાદન વધારે થાય છે. જૂનાગઢમાં રાજયકક્ષાના કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના કરાઇ છે. જેનાથી નાળિયેરના ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. દરિયાકાંઠાના જિલ્લામાં હાલ 45.61 લાખ હેક્ટર જેટલો વિસ્તાર ખેતી લાયક છે, જે જેને ધ્યાને રાખી દરિયાકાંઠાના જિલ્લામાં નાળીયેરીનો વાવેતર વિસ્તાર 26 હજાર હેક્ટરથી વધીને 70 થી 80 હજાર હેક્ટર સુધી પહોંચવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં નાળિયેરી માટેનું માર્કેટ યાર્ડ એક માત્ર મહુવામાં આવેલુ છે. આ યાર્ડમાં દૈનિક એક લાખ જેટલા નાળિયેર આવતી હોવાનું માર્કેટ યાર્ડના ચેરમેનશ્રીએ જણાવ્યુ હતું.
નાળિયેર ઉત્પાદનમાં સમગ્ર વિશ્ર્વમાં ભારત અગ્રણી દેશ છે, વર્ષ 2021-22માં ભારતમાં નાળિયેરનું ઉત્પાદન 1924.7 કરોડ ફળનું હતું
નાળિયેરમાં હાઇબ્રીડ, નોટણ, બોના, વેકસોટોલ, ઓરેંજ, સિંગાપુરી, ફિલિપાઇન્સ, વેટરનરી ટોલ વગેરે જાતો આવે છે. પાકા નાળિયેરની વિશાળ માર્કેટ મહુવામાં હોવાનું કુષિ વૈજ્ઞાનિક ડો.ગંભીરસિંહ વાળાએ જણાવ્યુ હતું. ગુજરાતના 14 જિલ્લામાં દરિયાકિનારો છે. જેમાં માંગરોળ, ચોરવાડ, માળીયા, ગીરસોમનાથ અને પોરબંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં નાળિયેરનું પાકનું ઉત્પાદન મહત્તમ થાય છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન રાજ્ય અને રાજ્ય બહાર નાળીયેરીની માંગ વધી છે, અને સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. તથા નાળિયેરના પ્રોસેસીંગ થકી તેનું મૂલ્યવર્ધન કરતા નાળીયેર પાણીનાં ટેટ્રાપેક/બોટલ, નાળીયેર મિલ્ક પાવડર, નાળીયેરી તેલ, નીરો, કોયર જેવા અનેક નાળીયેરી આધારિત ઉત્પાદનો અને ઉદ્યોગોને પ્રોત્સાહન મળવાની શક્યતાઓ છે.
- Advertisement -
નાળિયેર ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારત અગ્રણી દેશ છે. વર્ષ 2021-22 માં ભારતમાં નાળિયેરનું ઉત્પાદન 1924.7 કરોડ ફળનું હતુ. વૈશ્ર્વિક ઉત્પાદનમાં ભારતનું યોગદાન 31 ટકા છે. દેશમાં પ્રતિ હેકટર દીઠ 9430 ફળ થાય છે. દેશમાં નાળિયેરની ખેતી કુલ 21.10 લાખ હેકટર ક્ષેત્રમાં છે. સમગ્ર ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતર વિસ્તાર 25 હજાર હેકટર છે જેમાંથી 2131 લાખ નટનું ઉત્પાદન થાય છે. જે પૈકી 15 હજાર હેકટર વાવેતર વિસ્તાર તો માત્ર જૂનાગઢ – ગીર સોમનાથમાં જ છે. નાળિયેરની ખેતીમાં સમગ્ર ગુજરાતમાં જૂનાગઢ- ગીર સોમનાથ જિલ્લો પ્રથમ સ્થાને છે. જૂનાગઢ જિલ્લામાં ફળોમાં પ્રથમ કેરી અને પછી નાળિયેરનો પાક સૌથી વધુ થાય છે. જિલ્લામાં નાળિયેરનો 6300 હેકટર વાવેતર વિસ્તાર છે. માંગરોળમાં નાળિયેરી પાક માટેના રોપાઓ રોપ ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવે છે. ગુજરાતમાં પ્રતિ હેકટર નાળિયેરની ઉત્પાદકતા 8542 છે. નાળિયેરના પાક માટે દરિયાકાંઠાના ગરમ અને ભેજવાળા હવામાન તેમજ વધારે વરસાદવાળા વિસ્તારો અગત્યના છે. શાસ્ત્રોમાં પુરાણકાળથી અને લોકજીવનમાં લગ્નગીતોથી માંડી કહેવતોમાં નાળિયેર જોડાયેલું છે. માણસના જન્મથી માંડી લગ્ન અને મરણ સુધી સાથે રહેલા નાળિયેરને શ્રીફળ એટલે લક્ષ્મીજીનું ફળ શુકનવંતુ મનાય છે. આ વૃક્ષના તમામે તમામ ભાગોનો એક યા બીજી રીતે ઉપયોગ થતો હોવાથી તેને કલ્પવૃક્ષ અથવા સ્વર્ગનું વૃક્ષ પણ કહેવાય છે.