પિતા પણ 15 દિવસની પેટરનિટી લીવ લઈ શકશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
- Advertisement -
સરોગસીથી માતા બનનારી મહિલાઓ માટે સારા સમાચાર છે. હવે સરકારી મહિલા કર્મચારી સરોગસીથી માતા બનવા પર છ મહિનાની મેટરનિટી લીવ લઈ શકશે. કેન્દ્ર સરકારે આ મામલે 50 વર્ષ જુના નિયમોમાં સંશોધન કર્યું છે. મોદી સરકારે સરોગસી મામલે મહિલા કર્મચારીઓને 6 મહિનાની મેટરનિટી લીવ આપવા માટે નિયમોમાં સુધારા કર્યા છે.
પિતાને પણ પેટરનિટી લીવ આપવા મંજૂરી આપી છે. કેન્દ્રિય સિવિલ સેવા (લીવ) નિયમાવલી 1972માં કરવામાં આવેલા સુધારા અનુસાર, માતા બાળકની સંભાળ રાખવા માટે લીવ લઈ શકશે. તેમજ પિતા પણ 15 દિવસની પેટરનિટી લીવ લઈ શકશે.
બાળક ન થતાં હોય અથવા કોઈ અડચણ હોય તો દંપત્તિ બાળકને જન્મ આપવા માટે અન્ય મહિલાની કૂખ ભાડે લે છે. જેને સરોગસી પ્રેગનન્સી કહે છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી નાટિફિકેશન અનુસાર, સરોગસી મારફત બાળકને જન્મ આપનારી મા અને બાળકને અપનાવનાર દંપત્તિને પણ રજાની જરૂરિયાતને ધ્યાન રાખી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સરોગસીના કિસ્સામાં મેટરનિટી લીવ 180 દિવસ સુધી લઈ શકશે. તેમજ સરોગેટને પણ 180 દિવસ સુધી રજા મળી શકશે.
અત્યારસુધી સરોગસી મારફત બાળકના જન્મની સ્થિતિમાં મહિલા કર્મચારીઓ માટે મેટરનિટી લીવની કોઈ જોગવાઈ ન હતી. હવે નવા નિયમોમાં સરોગસી મારફત બાળકને જન્મ આપનાર માતા-પિતા જો સરકારી કર્મચારી છે, તો તેમણે ડિલિવરીની તારીખથી 6 મહિનાની અંદર 15 દિવસની પેટરનિટી અને 180 દિવસની મેટરનિટી લીવ લેવાની રહેશે.
- Advertisement -
વર્તમાન નિયમો અનુસાર, એક મહિલા અને પુરૂષ કર્મચારી પોતાના સેવાકાળ દરમિયાન વધુમાં વધુ 730 દિવસની ચાઈલ્ડ કેયર લીવ લઈ શકે છે. જેમાં બે બાળકની સંભાળ, શિક્ષણ, અને બીમારી જેવી તમામ બાબતો સામેલ છે.