ગીર સેન્ચુરીમાં જીપ્સી સંચાલન મુદ્દે ઊંચ કક્ષાએ રજૂઆત સાથે હાઇકોર્ટમાં જવાની ચીમકી
વન વિભાગે દેવળીયા પાર્કમાં 17 ગામનાં સમાવેશનો પરિપત્ર કર્યો: સફારીમાં જીપ્સી ચલાવા મુદ્દે વન વિભાગનું મૌન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સાસણ ગીરમાં ખુલ્લા મને વિહરતા એશિયાટિક સિંહોના દર્શન માટે પ્રતિ વર્ષ લાખો પ્રવસીઓ સિંહ દર્શન કરવા આવે છે ત્યારે સિંહ દર્શન માટે ગીર સેન્ચુરી માં 150 જેટલી જીપ્સી ચાલે છે અને તહેવારોમાં 180 જેટલી સિંહ દર્શન માટે જીપ્સીની ટ્રીપો જોવા મળેછે ત્યારે વન વિભાગ દ્વારા કરંટ બુકીંગ બંધ કર્યું છે માત્ર ઓનલાઇન બુકીંગ કરીને પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે છે ત્યારે ગીર સેન્ચુરી માં ચાલતી જીપ્સી સંચાલન કોના હાથમાં તેવા સવાલો સાસણ સિવાયના અન્ય પાંચ ગામના સરપંચો કરી રહ્યા છે અનેકવાર કોની કોની જીપ્સી ચાલે છે તેવી રજૂઆત કરવામાં આવતા કોઈ બરાબર પ્રત્યુત્તર મળ્યો નથી તેમ જાણવા મળ્યું છે. સાસણ ગીરમાં જીપ્સી સંચાલન મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ઉભો થયો છે.
જેમાં સાસણ સિવાયના અન્ય પાંચ ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા વન વિભાગના ઊંચ કક્ષાએ અનેકવાર રજુઆત કરતા વન વિભાગ સફાળું જાગ્યું હતું અને 17 ગામના લોકોને માત્ર દેવળીયા સફારી પાર્કમાં જીપ્સી ચાલવા મુદ્દે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારે ભાલછેલ, ચીત્રોડ, હરિપુર સહિતના પાંચના લોકો દેવળીયા સાથે સાસણ ગીર સેન્ચુરીમાં જીપ્સી ચાલે અને અન્ય ગામના યુવાનોને રોજીરોટી મળે તેવી માંગ સાથે અડગ છે અને ટૂંક સમયમાં નિવેડો નહિ આવેતો હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની તૈયારીઓ કરી લીધી છે. સાસણ ગીરમાં હાલ જે 150 જેટલી જીપ્સી ચાલે છે તેનું એક એસોસીએશન દ્વારા સંચાલન થાય છે. તેમાં માત્ર સાસણના લોકોનો સમાવેશ છે. ગીરમાં જીપ્સી સંચાલન મુદ્દે વિવાદ ઉભો થતા બે દિવસ પેહલા સાસણ જીપ્સી સંચાલકો દ્વારા કોંગ્રેસ આગેવાન સાથે જૂનાગઢ મુખ્ય પ્રાણી વન સંરક્ષકને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં સાસણમાં વસતા લોકોને તેનો હક છે અને રોજીરોટીનો પ્રશ્ર્ન મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
સાસણ ગીર સફારી જીપ્સી મુદ્દાનો નિવેડો કોણ લાવશે ?
છેલ્લા ઘણા સમયથી ગીર સેન્ચુરીમાં જીપ્સી સંચાલન મુદ્દે ધમાસાણ જોવા મળી રહ્યું છે. ત્યારે સાસણ સિવાયના અન્ય સરપંચો ગ્રામજનોના યુવાનોને રોજીરોટી પ્રશ્ર્ને મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ કરી હતી તેની સાથે વન પર્યાવરણ મંત્રીને પણ લેખિતમાં ફરિયાદ કરી હતી તેના પ્રત્યુત્તરમાં વન વિભાગના અધિકારીઓ યોગ્ય કરવાના આદેશ કર્યા હતા ત્યારે વન વિભાગે માત્ર દેવળીયા સફારી પાર્કમાં જીપ્સી ચલાવા મુદ્દે પરિપત્ર જાહેર કરીને સંતોષ માની લીધો હતો ત્યારે અન્ય ગ્રામ પંચાયતના સભ્યો સાસણ ગીરમાં જીપ્સી ચાલે તેવી માંગ કરી રહ્યાછે ત્યારે અન્ય ગ્રામ પંચાયત સરપંચો દ્વારા ટૂંક સમયમાં કોઈ નિર્ણય નહિ આવે તો નાછૂટકે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી ન્યાયની માંગણી કરવાની ચીમકી ઉચ્ચારી છે.