બે મિલ્કતોને મર્જ કર્યા પછી કોઈ વાસ્તુદોષ ઉત્પન્ન થશે કે નહીં તેનું ધ્યાન રાખવામાં ન આવ્યું હોય તો બાજુની મિલ્કત લીધા પછી ઘણા લોકોના જીવનમાં અકલ્પનીય સમસ્યાઓ આવી જતી હોય છે.
પ્રવર્તમાન સમયની અંદર મનુષ્યની જરૂરિયાત તો ધીમે-ધીમે વધી રહી છે અને આ વાત જગ્યાને પણ લાગુ પડે છે. જરા વિસ્તારથી સમજીએ તો આજનો માણસ ધીમે-ધીમે બધી જરૂરિયાતો ઘરની અંદર જ મળી રહે તે માટે પ્રયત્ન કરતો જોવા મળે છે. જરૂરિયાતો જેવી કે હોમ થિયેટર, જીમ, સ્વિમીંગ પુલ, યોગા રૂમ, લાઈબ્રેરી વગેરે અને આ બધી જરૂરિયાતો પૂરી કરવા માટે જ્યારે પોતાના ઘરની સાથે લાગીને એટલે કે અડીને આવેલું બીજો કોઈ ફ્લેટ કે ઘર મળતું હોય તો તે બંનેને મર્જ કરીને એ પોતાના ઘર કે ફ્લેટને વિશાળ બનાવવા માટે પ્રયત્ન કરતો હોય છે. વાસ્તુના સંદર્ભમાં અમે ઘણી વખત જોયું છે કે આવા ફ્લેટ કે ઘરને પોતાના હાલના ઘર સાથે મર્જ કરતાં પહેલાં એટલે કે ભેળવતા પહેલાં ખૂબ કાળજી રાખવી જરૂરી છે.
- Advertisement -
અને ઘણી વખત આવું બાજુનું ઘર કે ફ્લેટ લીધા પછી લોકોને અમે મુશ્કેલીમાં મૂકાતા પણ જોયા છે, કેમકે બંને મિલ્કતોને મર્જ કર્યા પછી કોઈ વાસ્તુદોષ ઉત્પન્ન થશે કે નહીં તેનું ધ્યાન રાખવામાં ન આવ્યું હોય તો બાજુની મિલ્કત લીધા પછી ઘણા લોકોના જીવનમાં અકલ્પનીય સમસ્યાઓ આવી જતી હોય છે. હજુ થોડા દિવસો પહેલાંની જ વાત છે, મારા એક પરમ મિત્ર તેમના એક સંબંધીના ઘરની વાસ્તુ વિઝિટ કરવા માટે છેલ્લા ઘણા અઠવાડિયાથી આગ્રહ કરી રહ્યા હતા, કેમકે તેઓને એવું લાગી રહ્યું હતું કે તેમના આ સંબંધીએ જ્યારથી તેમની બાજુનું ઘર ખરીદ્યું હતું ત્યારથી તેઓ કોઈ ને કોઈ સમસ્યા સતત ભોગવી રહ્યા હતા, પરંતુ કામની વ્યસ્તતા અને સતત પ્રવાસોને કારણે એ સંભવ થઈ રહ્યું ન હતું. પરંતુ રવિવારની રજાનો ઉપયોગ કરી અને અમોએ તે ઘરની મુલાકાત લીધી. ઘરની અંદર ગયા પછી જોયું તો તે ઘરની અંદર તે લોકો છેલ્લી બે પેઢીથી નિવાસ કરી રહ્યા હતા અને બાજુનું ઘર તેમણે છેલ્લાં ત્રણેક વર્ષ પહેલાં ખરીદ્યું હતું અને બંને ઘરને મર્જ કરવા માટે બંને ઘર વચ્ચેની દિવાલ તોડી અને ગેટ ખોલી કાઢ્યો હતો. તેઓ બાજુના ઘરમાં રહેવા નહોતા ગયા પરંતુ જેવી બાઉન્ડ્રી વોલ અને મુખ્ય દરવાજો ખોલતા બંને ઘરોની એનર્જી એકબીજા સાથે મર્જ થઈ ગઈ હતી.
વાતચીત કરતાં જાણવા મળ્યું કે બાજુની મિલ્કત ખરીદ્યા પછી તેઓના જીવનમાં મોટી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. તેઓએ ફકત બંને મિલ્કતો વચ્ચેનો ગેપ ખોલ્યો હતો. બંને ઘરની વિઝિટ કર્યા પછી ધ્યાનમાં આવ્યું કે એક મુખ્ય દરવાજો નૈઋત્ય ખૂણામાં આવી ગયો હતો અને બંને ઘરની સીડી બ્રહ્મસ્થાનમાં આવી ગઈ હતી. નૈઋત્ય ખૂણામાં જ અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક થઈ ગઈ હતી. અગ્નિ ખૂણામાં પાણીનો બોર થઈ ગયો હતો અને આવા મોટા કહી શકાય એવા ઘણા વાસ્તુદોષ બંને ઘરને મર્જ કર્યા પછી જોવા મળતા હતા.
આવો જ અન્ય એક કિસ્સો મને યાદ આવે છે. એક ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક ફેકટરી બહુ સારી રીતે ચાલી રહી હતી, પરંતુ કામ વધતા જગ્યા ટૂંકી પડવા લાગી એટલે માલિકે બાજુની જગ્યા ખરીદી અને બંને ફેકટરીને એકબીજા સાથે ભેળવી દીધી હતી અને જેવી બંને ફેકટરીઓ એટલે કે પ્લોટ મર્જ થયા ત્યારબાદ ફેકટરીમાં સતત સમસ્યાઓ અને અકસ્માતો થવાનું શરૂ થઈ ગયું હતું. કેમકે બંને ફેકટરીઓ મર્જ થયા બાદ ફેકટરીનો આકાર લંબચોરસ ન બનતાં થોડો વાંકો-ચૂંકો આકાર બની રહ્યો હતો અને વાસ્તુની અંદર અગ્નિ ખૂણા તથા નૈઋત્ય ખૂણાની અંદર વાસ્તુદોષ ઉદ્ભવી રહ્યો હતો. જેના પરિણામે કંપનીની ઉત્પાદન ક્ષમતા ઉપર અસર આવી રહી હતી. જે પ્રોડક્ટ (માલ) બની રહ્યો હતો તેની ગુણવત્તામાં ખૂબ ફેરફારો થતાં રિજેકશનનું પ્રમાણ પણ ઘણું વધી ગયું હતું. ફેકટરીના માલિકની તબિયત અચાનક તકલીફ આપવા માંડી હતી અને તેમને એક-બે નાના મોટા વાહન અકસ્માતનો પણ સામનો કરવો પડ્યો હતો. એકાદ વખત નાનકડી ચોરી જેવા પ્રશ્ર્નો પણ ઉદ્ભવ્યા હતા. તેઓ વિચારમાં પડી ગયા કે અત્યાર સુધી આ બધું બરાબર ચાલી રહ્યું હતું. અચાનક એવું તે શું થઈ ગયું કે સરળતાથી ચાલતું જીવન અચાનક ગોટે ચડી ગયું? કોઈ તેમના શુભચિંતકે એ સલાહ આપી કે કદાચ બાજુની ફેકટરી લીધા પછી અને બંને ફેકટરીને ભેગી કર્યા પછી તો આ સમસ્યા નહીં ઉદ્ભવી હોય ને? તેમને પણ આ વાત યોગ્ય લાગી અને અમારી મુલાકાત થઈ. ત્યારબાદ વાસ્તુ અંગે વિસ્તૃત ચર્ચા થઈ. ખાંચા-ખૂંચી અને ખોટી એન્ટ્રીઓ બંધ કરાવી પ્લોટને ફરી પાછા લંબચોરસ બનાવી, વાસ્તુ ફ્રેન્ડલી બધું આયોજન કરતાં ફરી પાછી ગાડી પાટે ચડી ગઈ.
- Advertisement -
ઈશાન ખૂણો કટ થયેલો હોય તેવી મિલ્કતોમાં જ્યારે ઈશાન ખૂણાની મિલ્કત મળી જાય છે ત્યારે તે લોકો ખૂબ જ પ્રગતિ કરે છે
આ ઉપરાંત ધ્યાનમાં રાખવા જેવી બાબતમાં ઘણી વાર લોકો પોતાની ફેકટરી કે કારખાનામાં જરૂરિયાત મુજબ રિનોવેશન કરાવતાં હોય છે. હાલમાં એક ફેકટરીની વિઝિટ દરમિયાન અમોએ જોયું કે ફેકટરી શરૂઆતના તબક્કે બરાબર ચાલતી હતી. તેમની પ્રોડક્ટ પણ મોનોપોલીવાળી હતી. થોડાં વર્ષો પહેલાં પ્રોડકશનમાં સરળતા રહે અને મશીનની મુવમેન્ટ સરળતાથી થઈ જાય એટલે તેઓએ ફેકટરીના એક ભાગનું ફ્લોરિંગ લેવલ એક ફૂટ નીચું ઉતાર્યું હતું. કમનસીબે તે ભાગ નેઋત્ય ખૂણો હતો અને આ ફેરફાર કર્યા બાદ તેઓ સતત આર્થિક માનસિક સમસ્યાઓ ભોગવી રહ્યા હતા. કહેવાનો મતલબ કે જ્યારે ઊર્જાનું સંતુલન સરસ થયેલું હોય અને બધું સરળતાથી ચાલતું હોય ત્યારે સ્ટ્રકચરલ ફેરફાર સમજી વિચારીને કરવા. કેમકે અમારા અનુભવોમાં જોવામાં આવ્યું છે કે જ્યારે મિલ્કતો અલગ-અલગ હોય છે ત્યારની ઊર્જા અલગ હોય છે પરંતુ જ્યારે બંને મર્જ કરવામાં આવે ત્યારે બહુ મોટા પ્રમાણમાં વાસ્તુદોષ ઉદ્ભવે છે કે નહીં તે નિષ્ણાત પાસે ચેક કરાવી લેવું ખૂબ જરૂરી બને છે. જ્યારે તમે બાજુની મિલ્કત તમારી મિલ્કત સાથે મર્જ કરો છો એટલે કે મેળવો છો ત્યારે એ બાબતનું પણ ધ્યાન રાખવું કે બાજુની મિલ્કતનું ફ્લોરિંગ લેવલ અને તેની ઊંચાઈ તમારી મિલ્કત સાથે સુસંગત છે. બાજુની મિલ્કત મેળવ્યા બાદ ફક્ત સમસ્યા જ થાય તેવું પણ નથી. અમુક ઘણા કિસ્સાઓમાં જોયું છે કે ઈશાન ખૂણો કટ થયેલો હોય તેવી મિલ્કતોમાં જ્યારે ઈશાન ખૂણાની મિલ્કત મળી જાય છે ત્યારે તે લોકો ખૂબ જ પ્રગતિ કરતાં પણ જોવા મળેલ છે. આમ બાજુની મિલ્કત મળતી હોય તો તે આપણા માટે વાસ્તુ મુજબ અનુકૂળ છે કે નહીં? તે ચેક કરાવ્યા બાદ ખરીદી કરવી.
બાજુમાં રહેલ મિલ્કત ખરીદ્યા બાદ બંને મિલ્કતોનો આકાર ચોરસ કે લંબચોરસ જ રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
જમીનની નીચેની ઊર્જાઓ પણ વાસ્તવમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તેની અસર ત્યાં રહેતાં લોકો પર શુભ કે અશુભ રહી શકે છે તે ખાસ જોવું. બાજુની મિલ્કત ખરીદતી વખતે દિશાનું પણ ધ્યાન રાખવું. ઉદાહરણરૂપે આપની દક્ષિણમુખી મિલ્કત છે, અને પૂર્વમુખી મિલ્કત આપને મળી રહી છે. નવી મિલ્કત ખરીદ્યા બાદ આકાર લંબચોરસ જ રહે છે અને પૂર્વ દિશાના સાચા પદમાંથી આપ પ્રવેશદ્વાર મેળવી રહ્યા છો તો આવી મિલ્કત લઈ શકાય, પરંતુ આનાથી વિપરિત જો બાજુની મિલ્કત ખરીદ્યા પછી નવો પ્રવેશદ્વાર વાસ્તુ મુજબ યોગ્ય પદમાંથી ન મળતો હોય તો તેવી મિલ્કત ખરીદવી નહીં. નવી મિલ્કત અને જૂની મિલ્કત મર્જ કરતાં પ્લોટ અને બાંધકામનો આકાર અને અનઈવન બનતો હોય તો નવી મિલ્કત ખરીદી કરવી નહીં. નવી મિલ્કત અને જૂની મિલ્કત મર્જ કરતા ગ્રાઉન્ડ ફ્લોરથી ટેરેસ સુધી જતી સીડી એટલે કે સ્ટેરકેસ જો બ્રહ્મસ્થાનમાં આવતી હોય તો નવી મિલ્કત ખરીદી કરવી નહીં.જૂની મિલ્કત અને નવી મિલ્કત મર્જ કરતાં ઈશાન ખૂણો કટ થતો હોય કે નૈઋત્ય ખૂણો કટ થતો હોય તો નવી મિલ્કતને જૂની મિલ્કત સાથે મર્જ કરવી નહીં અથવા તો નવી મિલ્કત ખરીદી કરવી નહીં. જૂની મિલ્કતનો નૈઋત્ય ખૂણો નીચો હોય એટલે કે ફ્લોરિંગ લેવલ નીચું હોય અને નવી મિલ્કતનો ઈશાન ખૂણો ફ્લોરિંગ લેવલમાં ઊંચો હોય તો આવી મિલ્કત લેવી નહીં અને જો આપ આવી મિલ્કત ખરીદો છો તો ઈશાન ખૂણો અને નૈઋત્ય ખૂણાનું ફ્લોરિંગ લેવલ એકસરખું કરો અથવા નૈઋત્ય ખૂણાનું ફ્લોરિંગ લેવલ ઈશાન ખૂણા કરતાં ઊંચું કરો. જૂની મિલ્કત અને બાજુમાં રહેલ નવી મિલ્કત જ્યારે આપ ખરીદો છો અને મર્જ કરો છો ત્યારે આપનું કિચન એટલે કે રસોડું નૈઋત્ય ખૂણામાં અને ઈશાન ખૂણામાં ન રહે તેનું ખાસ ધ્યાન રાખજો. નવી મિલ્કત અને જૂની મિલ્કતને જ્યારે મર્જ કરો છો ત્યારે અગાશીમાં રહેલ ઓવરહેડ વોટર ટેન્ક નૈઋત્ય ખૂણામાં જ રહે તેમ ગોઠવણી કરવી.