પરખ ભટ્ટ
(૧) સંજય રાઉતની ‘હરામખોરી’
રાજ્યસભાના સભ્ય અને મહારાષ્ટ્રની શિવસેના સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો ડાબો હાથ ગણાતાં સંજય રાઉતે ‘ન્યુઝ નેશન’ ચેનલને આપેલી વીડિયો બાઇટમાં કંગના રનૌતને ‘હરામખોર છોકરી’ કહીને ભયંકર વિવાદ જગાવ્યો. મુંબઈને ‘પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર’ કહીને કંગનાએ જે વિવાદ શરૂ કર્યો, એના પ્રતિભાવમાં સંજય રાઉતે કહ્યું કે, એ છોકરીને મુંબઈ આવવા એટલી વાર! આપણી ઝાંસીની રાણી આ સાંભળીને જંગે ચડી. કેન્દ્ર સરકાર પાસેથી ‘વાય પ્લસ’ કેટેગરીની સુરક્ષા મેળવીને ૯ સપ્ટેમ્બરે મહારાષ્ટ્રમાં પગ મૂકી દીધો અને શિવસેનાને મૂળિયામાંથી હચમચાવી પણ દીધી! ક્યાં ગઈ પેલી મિંદડી..? અરે ના.. ના, સંજય રાઉત.. તમને નથી કે’તો હોં કે!
- Advertisement -
(૨) બકરી ડબ્બે!
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પુષ્કળ રેલીઓ યોજીને સી.આર.પાટિલે ફક્ત સરઘસને જ નહીં, કોરોનાને પણ આમંત્રણ આપ્યું હતું. એમના આ સર્કસમાં ઉછળી-ઉછળીને ગરબા લેનારા ઘણા કાર્યકરો અને નેતાઓ તો પહેલેથી જ હોસ્પિટલના બિછાને પડ્યા છે, પરંતુ આજ વખતે પાટિલ ભાઉ પણ ઝડપાયા, હોં કે! બેશરમ અને નિંભર થઈને જેટલી રેલીઓ યોજી, એનો આ પ્રતાપ. સોશિયલ મીડિયા પર એમના માટે લોકોની સહાનુભૂતિના સ્થાને રમૂજ અને ટીખળો વધારે ધ્યાનમાં આવી.
(૩) ટાવર નાંખવા નથી ને જાહેરાતો કર્યે રાખવી છે!
વોડાફોન અને આઇડિયાનું કૉલાબ્રેશન થયાને તો સદીઓ વીતી ગઈ. પરંતુ દેવા હેઠળ દબાયેલી આ જોઇન્ટ કંપનીને થયું કે હવે નક્કર પગલાં ન ઉઠાવ્યા તો ગામમાંથી ઉચાળા ભરવાનો વખત આવશે. હરહંમેશની જેમ ટિપિકલ માર્કેટિંગ રૂલ્સને અનુસરતા એમણે ‘વોડાફોન (V) + આઇડિયા (I) = વી (VI)’ નામે માર્કેટિંગ કેમ્પેઇન શરૂ કર્યુ. પરંતુ આખું અઠવાડિયું સોશિયલ મીડિયા યુઝર્સે તો એમને એક જ સવાલ પૂછ્યો, ‘સાહેબ, બીજુ બધું તો ઠીક, પણ આ પબ્લિસિટીમાં પૈસા નાંખ્યા એના કરતા ટાવર ઉભા કરવામાં પૈસા રોક્યા હોત તો કેવું?’
(૪) રિયા, ઓહ રિયા!
નાર્કોટિક્સ બ્યુરોએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી, એમાં બે પ્રકારના પ્રતિભાવો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા. કેટલાક લોકોએ રાજી થઈને ફટાકડા ફોડ્યા, પિપુડીઓ વગાડી, ભાંગડા નાચ કર્યો. અમુકના મોઢા પડી ગયા. રિયાના સમર્થકોએ સોશિયલ મીડિયા પર ‘#આઇસપોર્ટરિયા’નું કેમ્પેઇન ચલાવ્યું, જે ખાસ કશું ઉકાળી શક્યું નહીં. મીડિયાજગત માટે એક શરમજનક બાબત એ પણ હતી કે, રિયાની આજુબાજુ ઘેરો ઘાલીને માઇક-કેમેરા સાથે રિપોટર્સ જે રીતે મચી પડ્યા હતાં એ કોઈ કાળે યોગ્ય વર્તણૂંક નહોતી.
- Advertisement -
(૫) અક્ષય કુમાર : ખતરોં કે ખિલાડી!
બિયર ગ્રિલ્સ તો યાદ જ હશે? આપણા મોદી દાદા સાથે એમણે ‘મેન વર્સિસ વાઇલ્ડ’માં ખેલ કર્યા, ત્યારબાદ રજનીકાંત પણ એનો ભોગ બન્યા. આજ વખતે ઓરિજિનલ ‘ખતરોં કે ખિલાડી’ ઉર્ફે અક્ષય કુમાર ‘ઇન્ટુ ધ વાઇલ્ડ’માં બિયર ગ્રિલ્સ સાથે જોડાયા. ડિસ્કવરી પ્લસ પર ૧૧ મી સપ્ટેમ્બરે એપિસોડ રીલિઝ થયો ત્યારે ભારતીયોએ ચિચિયારી પાડીને બંનેને વધાવી લીધા. અક્ષય મનમાં ને મનમાં શું કહેતો હશે, ખ્યાલ છે? ‘તેરી આંખે ભૂલભુલૈયા, તેરા જંગલ ભૂલભુલૈયા!’ લોલમલોલ.
(૬) રોનાલ્ડો સાહેબ, માસ્ક ક્યાં?
પોર્ટુગલ અને ક્રોશિયા વચ્ચેના ફૂટબોલ મેચ દરમિયાન સ્ટાર પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સ્ટેડિયમમાં પ્રેક્ષક બનીને રમત નિહાળી રહ્યો હતો, એ સમયે ભાઈ માસ્ક પહેરવાનું ભૂલી ગયા. સ્ટેડિયમના જ સ્ટાફ મેમ્બરે એની પાસે આવીને માસ્ક પહેરવા માટે વિનંતી કરી, એ આખું દ્રશ્ય કેમેરામાં ઝીલાઈ ગયું. જોતજોતામાં વીડિયો વિશ્વભરમાં વાયરલ થયો અને લોકોના મનમાં રોનાલ્ડોએ દાખવેલી નમ્રતા માટે માન ઉપજી ગયું. હાઉ સ્વીટ! કમલેશ મિરાણી, સી.આર.પાટિલ… આ વાંચો છો કે નહીં?