મનમાં અગાધ શક્તિ વસે છે. દાયકાઓ પહેલાં એક માણસે પોતાનાથી દૂરના અંતરે રહેલા ધાતુના ચમચાને માત્ર મનની શક્તિ વડે વાળી બતાવ્યો હતો.
આપણે મનની એવી કેન્દ્રિત શક્તિની વાત નથી કરવી, સામાન્ય સંજોગોમાં પણ આપણું મન જેવું વિચારે છે એનો પ્રભાવ આપણી ઉપર કે બીજા ઉપર પડતો હોય છે. એટલા માટે જ બૂરાઓની સંગતમાં રહેવાનું બંધ કરવું જોઈએ અને સજ્જનોની સંગતમાં રહેવું જોઈએ.
જે માણસ સતત હિંસાની વાતો કરતો હોય છે, શરાબની વાતો કરતો હોય છે, સેક્સની વાતો કરતો હોય છે, વિવિધ પ્રકારના અપરાધો વિશે વાતો કરતો હોય છે, એની સોબતમાં રહેવાથી આપણું મન પણ એના પ્રભાવમાં આવી જવાની શક્યતા રહે છે. આપણા બધાનો સામાન્યત: એક અનુભવ હશે જ. આપણે કોઈ જગ્યાએ સંકીર્તન કે સત્સંગમાં બેઠા હોઈએ છીએ ત્યારે એટલા સમય પૂરતા આપણા મનમાં બૂરા વિચારો આવતા નથી, માટે જીવનનો મહદ્ હિસ્સો આપણે સારા માણસોની સોબતમાં પસાર કરવો જોઈએ.