કલાકારોએ પણ મત આપી લોકશાહીના અવસરમાં સહભાગી થવા કર્યો અનુરોધ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં ચાલી રહેલા ગિરનાર મહોત્સવમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અનુલક્ષીને શાસ્ત્રીય સંગીત અને નૃત્યના આ જલસામાં મતદાન જાગૃતિ માટેનો પ્રેરક સંદેશ આપવામાં આવ્યો હતો. અહીંયા આવેલા કલાકારોએ પણ લોકશાહીના આ મહાપર્વમાં મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી થવા માટે અનુરોધ કર્યો હતો. શહેરના શામળદાસ ગાંધી ટાઉનહોલમાં ગિરનાર મહોત્સવનું 9મું સંસ્કરણ ચાલી રહ્યું છે. જેમાં દેશભરના જાણીતા કલાકારો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે. ત્યારે આ મંચ પર પણ મતદાતા જાગૃતિ માટેનું મેસ્કોટ ’જશક્ષવ’ ને પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. શામળદાસ ગાંધી ટાઉનહોલની બહાર પણ મતદાન જાગૃતિ માટે સેલ્ફી પોઇન્ટ અને જશક્ષવ મેસ્કોટ મૂકવામાં આવ્યું હતું. અહીંયા લોકોએ ઉત્સાહભેર ફોટો લઈ વિધાનસભા ચૂંટણીમાં તા.1લી ડિસેમ્બરે અચૂક મતદાન કરવાનો નિર્ધાર કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-મુંબઈ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ગિરનાર મહોત્સવનું આયોજન કરે છે. જેમાં દેશભરના કલાકારો જૂનાગઢના મહેમાન બને છે અને પોતાની કલાપ્રસ્તુતિ કરે છે.