ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ તેમજ દરેક હિન્દુ સંસ્થાઓના કાર્યકર્તાઓએ જુનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જેમાં પશ્ચિમ બંગાળમાં વધી રહેલી હિંસા અને અરાજકતાની પરિસ્થિતિ સામે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વકફ કાયદાનો વિરોધના નામે 11 એપ્રિલે બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ભયાનક હિંસા ફાટી નીકળી હતી. મોટી સંખ્યામાં હિંદુઓના ઘરો અને દુકાનો પર હુમલાઓ કરવામાં આવ્યા, લોકો ઘાયલ થયા અને કેટલીક જગ્યાએ હત્યાની ઘટનાઓ પણ સામે આવી છે. વિહિપના જણાવ્યા અનુસાર, સમગ્ર ઘટના માત્ર કાયદાના વિરોધ માટે નહીં, પણ હિન્દુ સમુદાયને નિશાન બનાવવાનું ષડયંત્ર છે. તેઓએ રાજ્ય સરકાર પર હિંસક તત્વોને ઉશ્કેરવાનો આરોપ મૂક્યો છે અને જણાવ્યું કે તંત્ર મૌન દર્શક બની ગયું છે. ત્યારે બંગાળમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે, બંગાળની હિંસા અંગેએનઆઈએ દ્વારા તપાસ થાય, કાયદો અને વ્યવસ્થાની જવાબદારી કેન્દ્રીય દળોને આપવામાં આવે. બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોને ઓળખીને તાત્કાલિક હાંકી કાઢવામાં આવે. બંગાળ-બાંગ્લાદેશ સરહદે વાયરની સુરક્ષા ફરીથી શરૂ કરવામાં આવે. અંતે, તેઓએ રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારને રાષ્ટ્રની એકતા અને હિન્દુઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી હતી.