ધાર્મિક અને પ્રવાસન સ્થળો, સમુદ્ર તટ સહિતના વિસ્તારોની સઘન સાફ-સફાઈ સહિતની કામગીરી કરાશે : DDO
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ‘નિર્મળ ગુજરાત’ ના આપેલા વિચારને સ્વચ્છતા એ જ સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અન્વયે આગામી બે મહિના – 8 અઠવાડિયા સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા માટે સફાઈ અભિયાન હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મોરબી જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશને અસરકારક બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા ખાસ આયોજન વિશે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં એક માસ સુધી ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ શરૂૂ કરવામાં આવ્યો હતો.
આગામી 15 ઓક્ટોબરના રોજ આ કાર્યક્રમ પૂર્ણ થાય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા વધુ બે માસ એટલે કે 16 ડિસેમ્બર સુધી ‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ફ્લાય ઓવર, હાઇવે તેમજ હાઇવેના આજુબાજુનો વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, નદી-નાળા, તમામ સરકારી કચેરીઓ વગેરેની સાફ-સફાઈ કરવામાં આવનાર છે. સરકારી કચેરીઓમાં રેકર્ડનું વર્ગીકરણ કરવું તેમજ નાશ કરવા પાત્ર રેકર્ડનો નાશ કરવો વગેરે કામગીરી હાથ ધરવામાં આવનાર છે. મોરબી જિલ્લાના ધાર્મિક અને પ્રવાસન સ્થળો, સમુદ્ર તટ તેમજ સમુદ્ર તટના વિસ્તારોની સાફ-સફાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન માટે રાજ્ય સરકારના કાર્યક્રમ અન્વયે જિલ્લા કક્ષાનો વિગતવાર કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે. આ ઝુંબેશમાં તમામ શહેરીજનો અને ગ્રામજનો જોડાઈને જિલ્લાને સ્વચ્છ બનાવે તે માટે જિલ્લા વિકાસ અધિકારી જાડેજાએ સૌને અપીલ કરી છે.