રિડિફની ગુજરાતી વેબ સાઈટ જ્યારે ચાલુ હતી ત્યારે તેમાં કેટલોક ખુબ જ રોચક ક્ધટેન્ટ મુકાતો હતો. આ લેખ એમાંથી જ સાભાર લીધેલા છે.
લેખ માટે મુરબ્બી શ્રી અચ્યુત યાજ્ઞિકનો ઋણસ્વીકાર કરું છું.
- Advertisement -
શાસ્ત્રીય ભાષામાં કહીએ તો ગરબો સંઘનૃત છે અને સાદી ભાષામાં કહીએ તો સમૂહનૃત્ય છે. તાત્ત્વિક રીતે ગરબામાં સિદ્ધ થયો છે ત્રિવેણી સંગમ; ગાયનનો, વાદનનો અને નૃત્યનો. પરિણામે ગુજરાતની કાવ્યપરંપરા, વાદ્યપરંપરા તેમ જ નૃત્યપરંપરાના અવનવા સંયોગથી ગરબાનું અવનવું રૂપ પ્રગટતું રહ્યું છે. વીસમી સદીમાં તો ગુજરાતીના મહાન કવિઓ-ન઼્હાનાલાલ તેમ જ ઉમાશંકરના ગરબાઓ પણ લોકસમસ્તમાં પ્રસરી ચૂક્યા છે, છતાંય લોકહૃદયમાં તો લોકગીતો અને ભક્તકવિઓના ગરબા-ગરબી જ આજે ધબકે છે, ગાજે છે અને ગુજરાતભરને ગજાવે છે.
શક્તિપૂજાની દૃષ્ટિએ, દેવીની ગરબા રૂપે સ્તુતિ કરવાની દૃષ્ટિએ, ભક્તકવિ વલ્લભ-ધોળા સૌથી વધુ વિખ્યાત છે. સત્તરમી સદીની મધ્યમાં આ પરમ ભક્તનો જન્મ દુર્ગાષ્ટમીએ અમદાવાદના નવાપુરામાં થયો. તેઓના જોડકા ભાઈનું નામ ધોળા હતું એટલે વલ્લભ-ધોળા એવી સંજ્ઞા પ્રચલિત થઈ અને બન્ને ભાઈઓનું જોડકુંનામ જ લોકજીભે ચઢી ગયું. આ વલ્લભ ભટ્ટના અનેકાનેક ગરબા લોકપ્રિય બન્યા છે અને છેલ્લાં ત્રણસો વર્ષથી ગુજરાતભરમાં સતત ગવાતા રહ્યા છે. શક્તિને બાળસ્વરૂપે પૂજતા વલ્લભ ભટ્ટે દેવીના સ્થૂળ સ્વરૂપને નહીં પરંતુ સૂક્ષ્મ રૂપને પોતાના ગરબામાં અભિવ્યક્ત કર્ય઼ું છે. તેઓની પ્રસિદ્ધ ગરબી છે:
‘પૃથ્વી એનું પીઠ, ગગન ગહન ચંદરવો,
ચારૂ ચામર વાય, તેજ દીપે છે ગરવો;
અભિષેક જળતત્ત્વ, ચિતિ શક્તિ સચરાચર,
મા, તુજ અકળ મહત્ત્વ, વ્યાપક કહી સુર મુનિવર.’
કથા એવી છે કે વૈલોચન નામના નાગર વણિકે વલ્લભ ભટ્ટને પૂછ્યું કે અહીં દેવીનું સ્થાનક તો દેખાતું નથી તો તમે કોની સ્તુતિ કરો છો? ઉત્તરમાં વલ્લભે ઉપરની ગરબી સંભળાવી. તેઓનો બીજો પ્રસિદ્ધ ગરબો ‘આનંદનો ગરબો’ તરીકે પેઢીએ પેઢીએ ગવાતો રહ્યો છે અને તેની પંક્તિએ પંક્તિએ ભક્તિનો આવેશ છે, ભાવનું ઊંડાણ છે અને શબ્દોનું લાલિત્ય છે. આ ગરબાની થોડીક પંક્તિઓ અહીં પ્રસ્તુત કશરી છે: અનુસંધાન પાના નં. 8
‘જ્યાં જ્યાં જગતી જોઈ, ત્યાં ત્યાં તું તેવી મા,
સમવિત ભ્રમવિત ખોઈ, કહી ન શકું કેવી મા.
ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતિ તું ભવની મા,
આદ્ય મધ્ય અવસાન, આકાશે અવની મા.
અર્થ, ધર્મ ને કામ, મોક્ષ તું મોહ માયા મા,
તમ મનનો વિશ્રામ, ઉર અંદર ધાયા મા.
ઉદે ઉદારણ અસ્ત, આદ્ય અનાદેની મા,
ભાષા ભૂર સમસ્ત, વાક વિવાદેની મા,
હરખ હાસ્ય ઉપહાસ્ય, કાવ્ય કવિત વિત્ત તું મા,
ભાવ ભેદ નિજ ભાષ્ય, ભક્તિ ચિત્ર તું મા.
ગીત નૃત્ય વાજીંત્ર, તાળ તાન માને મા,
વાણી વિવિધ વિચિત્ર, ગુણ અગણિત ગાને મા.
રતિરસ વિલસ વિલાસ, આશ સકળ જગની મા,
તમ તન મન મધ્ય વાસ, મોહ માયા અગ્નિ મા.’
- Advertisement -
વલ્લભ ભટ્ટ પછી ચાર દાયકે જન્મેલા બીજા દેવીભક્ત નાથ ભવાનની વિવિધ રચનાઓ લોકકંઠે રમતી રહી છે. ઉત્તર જીવનમાં તેઓઁએ સંન્યાસ લીધો હતો અને ‘અનુભવાનંદ’ નામની અદ્વૈત્તમાર્ગી લેખે પણ પ્રસિદ્ધ હતા. તેઓનો ‘અંબા આનન’નો ગરબો નાગર જ્ઞાતિમાં પેઢીઓથી ગવાતો આવ્યો છે. જેનું ધ્રુવપદ છે : ‘અંબા આનનકમળ સોહામણું તેનાં શું કહું વાણી વખાણ રે’.
અંબાજીના સોહામણા આનનકમળ એટલે કે મુખકમળનો મહિમા કરનાર નાથ ભવાન ગરબામાં વિશ્વવ્યાપક ચિન્મયી શક્તિનું સ્મરણ કરીને કહે છે, ‘તારું આહ્વાન તે હું શું કરું? તું તો વ્યાપી રહી સર્વત્ર રે.’ ગરબાના અંતની પંક્તિઓમાં નાથ ભવાન સંસારનાં સુખોની યાચના નથી કરતા પરંતુ અંબાજીને વિનવે છે કે દેવીના વાસ્તવ સ્વરૂપને પામવાની શક્તિ તેઓને સાંપડે. અહીં આ ગરબાની કેટલીક પંક્તિઓ ટાંકી છે :
તારું આહ્વાન તે હું શું કરું? તું તો વ્યાપી રહી સર્વત્ર રે,
કરી વિસર્જનના ક્યાં હું મોકલું, સઘળે તું હું ક્યાં લખું પત્ર રે,
અંબા આનન-સોહામણું.
માજીમાં તત્વ ગુણ ત્રણનું, તું તો વ્યાપી રહી સર્વવાસ રે,
સર્વ ઈદ્રિય ને સર્વ દેવતા, અંત:કરણમાં તારો નિવાસ રે.
અંબા આનન-સોહામણું.
સ્થૂળ સૂક્ષ્મ સહુનું મૂળ તું, તું તો આદ્ય મધ્ય ને અંત રે,
સ્થાવર જંગમ સચરાચર વિષે, એમ છો પટ માંહે તંતુ રે.
અંબા આનન-સોહામણું.
કોઈ વેળુની કણિકા ગણે, કોઈ સાહી લહે રે નક્ષત્ર રે,
કોઈ ગણી ન શકે ગુણ તાહરા, ગણે સર્વ તરૂનાં પત્ર રે,
અંબા આનન-સોહામણું.
હું તો દીન થઈ અંબાજી વિનવું, આવ્યો શરણે ભવાનીદાસ રે,
જેમ દર્પણ દેખાડે મા અર્કને, એમ હું માંહે તારો આભાસ રે,
અંબા આનન-સોહામણું.
કોઈ માગે રે મા તમ કને, હુંમાં તો નહિ એવડું જ્ઞાન રે,
જેમ તેમ રે જાણો મા પોતા તણો, નામ રાખ્યું તે નાથભવાન રે,
અંબા આનન-સોહામણું.
ગુજરાતના ધાર્મિક ઇતિહાસમાં દેવીભક્તિની દૃષ્ટિએ વલ્લભ ભટ્ટ અને નાથ ભવાન પછી મહત્ત્વનું નામ છે મીઠુ મહારાજનું. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં સંગીતકલા સાથે કાવ્યકલા જોડીને ગુજરાતી તથા સંસ્કૃતમાં વિવિધ પદો મીઠુ મહારાજે રચ્યા છે. શ્રી શંકરાચાર્યની સૌંદર્યલહરીનો શ્રી લહરી નામે સમશ્લોકી અનુવાદ પણ તેઓએ કર્યો તથા શક્તિવિલાસ લહરી નામે તેર ઉલ્લાસમાં સ્વતંત્ર રચના પણ તેઓએ આપી. પોતાને ‘મુક્તમીઠુ’ નામે ઓળખાવતા મીઠુ મહારાજ શિવના અર્ધનારીશ્વર સ્વરૂપને પોતાના ઈષ્ટદેવતા ગણતા હતા. આ અર્ધનારીશ્વર સ્વરૂપ સાંબ સદાશિવ તરીકે પણ ઓળખાય છે અને ‘સાંબ’ એટલે અંબા અથવા માતાના નિત્ય સંબંધવાળું શિવનું સ્વરૂપ. મીઠુ મહારાજે અંતર-રાસ અને બાહ્ય-રાસનો સંયોગ સાધીને રાસમંડળની સ્થાપના કરી હતી જેમાં અનેક સ્ત્રીપુરુષો જોડાયા હતા. રાસમંડળને લીધે દયારામની જેમ તેઓની પણ સતત લોકનિંદા થઈ. મીઠુ મહારાજની રચનાઓમાં સ્તુતિ શક્તિની છે, સદાશિવની કે અર્ધનારીશ્વરની છે પરંતુ પ્રસ્તુતિ રાસ સ્વરૂપે થઈ છે. તેઓની શિષ્યા જનીબાઈને બાદ કરતાં સ્તુતિ માતાની અને પ્રસ્તુતિ રાસ સ્વરૂપે હોય એવી પરંપરા ગુજરાતમાં લગભગ સમાપ્ત થઈ ગઈ છે.
ગુજરાતની છેલ્લાં ત્રણેક હજાર વર્ષોની સંઘનૃત કે સમૂહનૃત્યની સળંગ પરંપરાનું સ્મરણ કરીએ તો તેને હલ્લીસક, રાસક અને ગરબો એમ ત્રણ પ્રકાર પાડીને સમજી શકીએ. હલ્લીસક એ પુરુષોનું જોમભર્ય઼ું સંઘનૃત્ય હશે એવું કહી શકાય. રાસ કે રાસકનો પ્રકાર મુખ્યત્વે યુગલોના સંઘનૃત્ય સ્વરૂપે વિકસિત થયો છે જ્યારે ગરબામાં કેદ્રસ્થાને નારી રહી છે તથા તેમાં મૂળભૂત રીતે પ્રાચીન ધર્મપરંપરાનું સાતત્ય સચવાયું છે. હલ્લીસક સમૂહનૃત્ય હવે ઇતિહાસનો ભાગ બની ગયું પરંતુ રાસ અને ગરબા એકબીજા સાથે ભાતભાતના સંયોજન સાધીને ગુજરાતની અનેરી અભિવ્યક્તિ બની રહ્યાં છે. આશા છે નારીને કેદ્રમાં રાખીને થતું સંઘનૃત્ય અર્થાત ગરબો ગુજરાતના ઉલ્લાસ અને આનંદને, અભીપ્સા અને આકાંક્ષાને સદા પ્રગટાવતો રહેશે.