રીટર્નીંગ ઓફિસરે સામાન્ય મતદારની જેમ જ પ્રમુખને ટ્રીટ કર્યા: કમલા હારીસ જીતી જશે તેવી આશા દર્શાવી
અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણીમાં તા.5 નવેમ્બરના મુખ્ય મતદાન યોજાનાર છે તે પહેલા જ વિદાય લેતા પ્રમુખ જો બાઇડને અર્લી વોટીંગ સુવિધાનો લાભ ઉઠાવીને તેમના વતન ડેલાવેરમાં ગઇકાલે મતદાન કર્યું હતું. પ્રમુખ મતદાન કરવા માટે લાઇનમાં ઉભા રહ્યા હતા અને ડેમોક્રેટીક પક્ષના ઉમેદવાર અને તેમના ડેપ્યુટી કમલા હારીસ માટે મતદાન કર્યું હોવાનું જાહેર થયું છે. બાઇડન સાથે મતદાન કરવામાં તેમના પત્ની પણ જોડાયા હતા.
- Advertisement -
મતદાન મથક પર લગભગ 100 લોકોની કતાર હતી. બાઇડન તેમાં પોતાના ક્રમ મુજબ જ ઉભા રહ્યા હતા અને પ્રથમ વખત મતદાન કરવા આવેલા યુવાનોે સાથે વાતચીત કરી હતી. બાઇડને પોતાની ઓળખ માટે ડ્રાઇવીંગ લાયસન્સ આપ્યું હતું. 40 મીનીટ સુધી રાહ જોયા બાદ તેઓ મતદાન મથકમાં અંદર ગયા અને ડીજીટલ સિગ્નેચર કરી હતી.
તે સાથે જ રીર્ટનીંગ ઓફિસરે જોસેફ બાઇડન મતદાન કરે છે તેવું જાહેર કર્યું હતું પરંતુ પ્રમુખ તરીકે કોઇ ખાસ ટ્રીટમેન્ટ આપી ન હતી. બાઇડન બાદમાં મત કુટીરમાં જઇને મતદાન કર્યા બાદ બહાર ઉભેલા પત્રકારો સાથેની વાતચીતમાં તેમનો આ અનુભવ ખુબ જ સારો રહ્યો હોવાનું દર્શાવીને આશા વ્યકત કરી હતી કે કમલા હારીસ જીતી જશે.