ભારત જ્યારે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત @ 2047’ના વિઝન સાથે ટેકનોલોજીના ક્ષેત્રે વૈશ્વિક લીડર બનવાના નામે ફેફસાં ફુલાવી રહ્યું છે. ત્યારે નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે આયોજિત ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’માં એક એવી ઘટના બની જેણે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની નૈતિકતા પર સવાલો ઉભા કરી દીધા છે. ગ્રેટર નોઈડાની જાણીતી ગલગોટિયા યુનિવર્સિટી દ્વારા પ્રદર્શિત કરાયેલા ‘ઓરિયન'(Orion) નામના રોબોટ ડોગને આયોજકો દ્વારા પ્રદર્શનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ માત્ર એક પ્રોજેક્ટનો વિવાદ નથી, પરંતુ બૌદ્ધિક સંપદા(Intellectual Property), શૈક્ષણિક પ્રામાણિકતા અને માર્કેટિંગના અતિરેકની ચર્ચા છે. ગલગોટિયાને કારણે ભારત વૈશ્વિક સ્તરે શરમજનક સ્થિતિમાં મુકાયું છે.
ગલગોટિયા યુનિવર્સિટીએ 2.5 લાખ રૂપિયાનો રોબોટ બજારમાંથી ખરીદ્યો જે MADE IN CHINA હતો. તેને પોતાનો રોબોટ દર્શાવીને ભારત મંડપમમાં ન માત્ર પ્રસ્તુત કર્યો પરંતુ 350 કરોડ રૂપિયાની પોતાની AI ECOSYSTEMનો હિસ્સો ગણાવીને રજુ પણ કર્યો. આ એક ખોટા દાવાને કારણે ભારતની હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે નીચા જોવાનો વારો આવ્યો છે.
- Advertisement -
વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
સમિટમાં ગલગોટિયા યુનિવર્સિટીએ એક આકર્ષક સ્ટોલ લગાવ્યો હતો. જ્યાં એક રોબોટિક ડોગ કરતબો બતાવી રહ્યો હતો. યુનિવર્સિટીના પ્રતિનિધિઓ અને સોશિયલ મીડિયા પર શેર કરાયેલા પ્રારંભિક દાવાઓમાં આ રોબોટને ‘ગલગોટિયાના સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા વિકસિત’ અને ‘ભારતીય એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો’ ગણાવવામાં આવ્યો હતો.
જોકે, ટેકનોલોજીના નિષ્ણાતો અને સતર્ક નેટિઝન્સે તરત જ ઓળખી કાઢ્યું કે આ રોબોટ ખરેખર ચીની કંપની ‘Unitree Robotics’નું પ્રસિદ્ધ મોડલ ‘Go2’ છે. આ રોબોટ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર 2,000થી 3,000 ડોલર (આશરે ₹2-3 લાખ)માં સરળતાથી ઉપલબ્ધ છે.
- Advertisement -
‘ભારત મંડપમ’માંથી હકાલપટ્ટી
જ્યારે આ સમાચાર વાયુવેગે ફેલાયા અને સોશિયલ મીડિયા(ખાસ કરીને X) પર ‘ફેક્ટ-ચેક’ થવા લાગ્યા, ત્યારે ભારત સરકારના મંત્રાલયો અને સમિટના આયોજકો પર દબાણ વધ્યું હતું. આરોપ હતો કે, યુનિવર્સિટીએ વિદેશી પ્રોડક્ટ પર પોતાનું લેબલ લગાવીને તેને સ્વદેશી ઇનોવેશન તરીકે રજૂ કર્યું હતું. ત્યાર બાદ આયોજકોએ જણાવ્યું કે, આ સમિટ સાચા ભારતીય ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે છે, નહીં કે ‘રી-બ્રાન્ડેડ’ ચાઈનીઝ પ્રોડક્ટ્સ માટે. ગંભીરતાને જોતા યુનિવર્સિટીને તાત્કાલિક અસરથી સ્ટોલ ખાલી કરવા આદેશ અપાયો.
રાષ્ટ્રીય મીડિયાનું મૌન અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામી
ભારતના અગ્રણી ન્યૂઝ પોર્ટલ્સે આને ‘શૈક્ષણિક છેતરપિંડી’ તરીકે ગણાવી છે. મીડિયા રિપોર્ટ્સમાં હાઇલાઇટ કરવામાં આવ્યું કે કેવી રીતે યુનિવર્સિટીઓ રેન્કિંગ અને માર્કેટિંગની દોડમાં વિદ્યાર્થીઓને ખોટા રસ્તે દોરી રહી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની શરમજનક સ્થિતિ
ચીની ટેક પ્લેટફોર્મ્સ અને આંતરરાષ્ટ્રીય ટેક બ્લોગ્સમાં પણ આ ઘટનાની નોંધ લેવાઈ. Unitreeના યુઝર્સ અને ફેન્સ દ્વારા એવી મજાક ઉડાવવામાં આવી કે, ‘ભારતમાં હવે ચીની રોબોટ્સનું નામ બદલીને ઇનોવેશન તરીકે રજુ કરે છે.’ આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ટેક ઇકોસિસ્ટમની છબીને નુકસાન પહોંચ્યું છે.
સોશિયલ મીડિયા પર ટ્રોલ
આ વિવાદમાં Xની ભુમિકા ખુબ જ મહત્ત્વપુર્ણ રહી હતી. યુનિવર્સિટીના પ્રમોશનલ વીડિયો નીચે સ્પષ્ટ લખાઈને આવ્યું કે આ રોબોટ ચીની બનાવટનો છે. નેટિઝન્સે ગલગોટિયાના CEO ધ્રુવ ગલગોટિયાને ટેગ કરીને તીખા સવાલો પૂછ્યા. જોત જોતામાં આ વિવાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નાક કપાવ્યું હતું. ખાસ કરીને ચીની મીડિયા દ્વારા ભારત અને તેની ટેક્નોલોજીકલ દક્ષતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
નેતાઓની પ્રતિક્રિયા
સત્તાધારી પક્ષના અનેક ટેક-સેવી નેતાઓએ કહ્યું કે ‘મેક ઇન ઇન્ડિયા’ના નામે આવા છેતરામણા પ્રચાર સહન કરવામાં આવશે નહીં. તેમણે પારદર્શિતા પર ભાર મૂક્યો હતો. યુનિવર્સિટી પર કાર્યવાહીનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ વિપક્ષી નેતાઓએ આ ઘટનાને ટાંકીને સરકારની ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ યોજનાઓ પર પ્રહાર કર્યા અને કહ્યું કે પાયાના શિક્ષણ અને સંશોધન(R&D)માં રોકાણ કરવાને બદલે માત્ર હેડલાઇન્સ બનાવવાનું કામ થઈ રહ્યું છે.
શું અગાઉ આવી ઘટનાઓ બની છે?
આ પહેલીવાર નથી જ્યારે કોઈ ભારતીય સંસ્થા કે કંપની ‘રી-બ્રાન્ડિંગ’ના વિવાદમાં ફસાઈ હોય.
Freedom 251(રિંગિંગ બેલ્સ): 2016માં માત્ર ₹251માં સ્માર્ટફોન આપવાનો દાવો કરનારી કંપનીએ વાસ્તવમાં ‘Adcom’ના ચીની ફોન પર વ્હાઇટનર લગાવીને રજૂ કર્યા હતા.
Micromax/Lava(શરૂઆતી તબક્કો): ભારતીય બ્રાન્ડ્સ પર હંમેશા એવો આક્ષેપ થતો રહ્યો છે કે તેઓ ચીનથી તૈયાર ફોન લાવીને માત્ર લોગો બદલે છે.
સાયન્સ કોંગ્રેસ વિવાદો: અગાઉની ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં પણ કેટલાક સંશોધકોએ અવાસ્તવિક દાવાઓ કર્યા હતા, જેનાથી વિજ્ઞાન જગતમાં ભારતની હાંસી ઉડી હતી.
ગલગોટિયા યુનિવર્સિટીનો બચાવ
યુનિવર્સિટીએ પાછળથી બચાવ કર્યો કે, ‘અમે ક્યારેય નથી કહ્યું કે અમે આ રોબોટ શૂન્યથી બનાવ્યો છે. અમે માત્ર તેમાં સોફ્ટવેર મોડિફિકેશન અને લર્નિંગ ટૂલ તરીકે ઉપયોગ કર્યો છે.’ જો કે આ સ્પષ્ટતા ગળે ઉતરે તેમ નથી.
આ અંગે નિષ્ણાતોનો મત છે કે, જો તમારો હેતુ લર્નિંગ હતો, તો ‘ભારત મંડપમ’ જેવા રાષ્ટ્રીય મંચ પર તેને ‘ઇનોવેશન’ તરીકે પ્રોજેક્ટ કરવાની શું જરૂર હતી? ‘ઓરિયન’ નામ આપવું એ જ દર્શાવે છે કે તમે પ્રોડક્ટની અસલી ઓળખ છુપાવવા માંગતા હતા.
શિક્ષણ જગત માટે આ ઘટનાના પાઠ
યુનિવર્સિટી ખોટી ચમક દમક અને ખોટા આંકડાઓ દર્શાવી વિદ્યાર્થીઓને ભ્રમિત કરવાનાં બદલે સંશોધનમાં જ ધ્યાન આપવાની જરૂર છે. ગલગોટિયા યુનિવર્સિટી તેનું ઉત્તમ ઉદાહરણ છે. જે માર્કેટિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચીને વિદ્યાર્થીઓને હથેળીમાં ચાંદ-તારા દેખાડે છે પરંતુ ધરાતલ પર નર્યો અંધકાર હોય છે. આ ઉપરાંત નૈતિકતા જે વિદ્યાર્થીઓને શિખવવાની હોય છે તે પહેલા તો ખાનગી શિક્ષણ સંસ્થાઓએ જ શિખવાની જરૂર છે. આ ઉપરાંત આવી યુનિવર્સિટીઓને છાવરવાના બદલે હવે UGC કે AICTE એ આવી યુનિવર્સિટીઓ સામે એક્શન લેવા જોઈએ જે રાષ્ટ્રીય મંચ પર ભ્રામક માહિતી આપે છે.
ગલગોટિયા યુનિવર્સિટીની આ હકાલપટ્ટી એ તમામ સંસ્થાઓ માટે ચેતવણી છે કે સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં હવે ‘ફેક’ દાવાઓ છુપાવવા અશક્ય છે. ભારતને જો ખરેખર વિશ્વગુરુ બનવું હોય, તો આપણે ‘રી-બ્રાન્ડિંગ’ છોડીને ‘રી-સર્ચ’ પર ધ્યાન આપવું પડશે.




