સોમનાથ બાયપાસ પાસે આવેલી સોસાયટીમાં પાણીમાં ફસાયલા 30 લોકોને પોલીસે રેસ્ક્યુ કરી બહાર કાઢયા
નેશનલ હાઈવે પર વૃક્ષો ધરાશાયી થતા પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં 25 ઇંચ, વેરાવળમાં 23 અને માંગરોળમાં 17 ઇંચ વરસાદ એક સાથે વરસી જતા સમગ્ર વિસ્તાર પાણી પાણી થઇ ગયો છે. ભારે વરસાદના કારણે સર્જાયેલી તારાજી નીચાણવાળા વિસ્તારના મકાનમાં પાણી ઘુસી ગયા છે. નેશનલ હાઇવ પર મોટા વૃક્ષો ધારાશાયી થતા વાહન-વ્યવહારની અવરજવર અટકી ગઇ હતી. કેટલાક સ્થળે પાણીમાં ફસાયેલા લોકોઓને રેસ્ક્યુ કરી પોલીસ દ્વારા સમયસર મદદ કરવામાં આવી હતી.
છેલ્લા બે દિવસ દરમિયાન વરસી રહેલા ભારે વરસાદમાં લોકોના જાનમાલને નુકસાન ઓછુ થાય અને અસરગ્રસ્તોને સમયસર મદદ મળી રહે તે માટે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા, વેરાવળ, અમરાપુર, લોઢવા, મરડીયા, પ્રભાસ પાટણ સહિતના ગામોમાં પોલીસની ટીમ દ્વારા બચાવ કામગીરી કરી છે. ભારે વરસાદ વચ્ચે પોલીસ સ્ટાફ સતત દોડતો રહ્યો હતો અને અસરગ્રસ્ત લોકોની વહારે આવી પ્રસંશનીય કામગીરી કરી છે.
- Advertisement -
સુત્રાપાડાના મોરડીયા ગામે નદી પુલ પર રીપેરીંગનું કામ ચાલુ હોવાથી સુત્રાપાડા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરાવ્યું હતુ. સુત્રાપાડામાં બે દિવસમાં 25 ઇંચ વરસાદના કારણે અમરાપુરથી લોઢવા તરફ જતા માર્ગ પર વૃક્ષો ધરાયાશી થતા નેશનલ હાઇવે બંધ થઇ જતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. વરસતા વરસાદ વચ્ચે પોલીસે ક્રેઇનની મદદથી વૃક્ષોને હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. સોમનાથ બાયપાસ પરની નીચાણવાળા વિસ્તારની સોસાયટીમાં કમ્મર સુધીના પાણી ભરાયા હતા. પાણીમાં ફરાયેલા 30 વ્યક્તિઓને પ્રભાસ પાટણ પોલીસે દોરડાથી રેસ્ક્યુ કરી સલામત સલામત સ્થળે લઇ ગયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન થયેલા અતિ ભારે વરસાદમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા પોલીસ સ્ટાફને સતત માર્ગ દર્શન પુરુ પાડી અસરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ ટીમ મોકલી જરુરી મદદ પુરી પાડી હતી. ગઇકાલે ગીર સોમનાથ જિલ્લાભરની પોલીસ સતત દોડતી રહી હતી. પોલીસની સમયસરની સરાહનીય કામગીરીની સમગ્ર જિલ્લામાં પ્રસંશા થઇ છે.