હાલના મહંત હરિગિરી બાપુની મુદત 31 જુલાઈ 25એ પૂર્ણ
મહંત પદ માટે ગુરુ શિષ્ય પરંપરા મુજબ કરવા માંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદ માટે છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હાલ ભવનાથ મંદિરના મહંત હરીગીરી બાપુની મહંત પદ માટેની મુદત તારીખ 31-7-2025ના રોજ પૂર્ણ થાય છે. ત્યારે અગાઉના કલેકટર દ્વારા હરીગીરી બાપુને મહંત પદના ઓર્ડર કાઢવામાં આવ્યા હતા તે હવે રદ કરી ગુરુ શિષ્યની પરંપરા મુજબ ઓર્ડર કરવા બે સંતોએ જિલ્લા કલેકટરને અરજી કરી કરતા ફરી ભવનાથ મંદિરના મહંત પદ માટે વિવાદ સળગ્યો છે. મંદિરના મહંત પદ માટે કૌશિક ગિરી ગુરુમહંત રમેશગિરીના શિષ્યએ કલેકટરમાં લેખિત જાણ કરી ભવનાથ મંદિરના હાલના મહંત હરીગીરીનો જે મહંત પદનો ઓર્ડર છે તે રદ મંદિરમાં ઉતરો ઉત્તર જે ગુરુ શિષ્ય પરંપરા મુજબ મહંતની નિમણૂંક થાય તેવી માંગ કરી છે. જેમાં તેમને લખ્યું છે કે, ભવનાથ મહાદેવ મંદીર કે જે મદદનીશ ચેરીટી કમીશ્નરની કચેરી માં એ/201 નોંધણી ક્રમાંક થી નોંધાયેલ છે. ટ્રસ્ટનાં બંધારણ મુજબ આ ટ્રસ્ટમાં અનુગામી ટ્રસ્ટી અને મેનેજર નીમવા માટેની કાર્ય પધ્ધતીમાં અનુગામી ટ્રસ્ટી અને મેનેજર નીમવાનો નીર્ણય જિલ્લા સમાહર્તા દ્વારા લેવામાં આવે છે. રજીસ્ટ્રેશન નં એ/201નાં પીટીઆર કોલમ 4માં અનુગામી અને મેનેજર નીમવાની રીતમાં દર્શાવેલ લખાણ સમાહર્તા જુનાગઢ મંજુરી આપે તેવા ચેલાની નિમણુંક થાય છે. અને ચેલાનાં અભાવે સમાહર્તા જુનાગઢ પસંદ કરે તે દશનામી સન્યાસી મહંત તરીકે આવેછે. જે બાબત થી આપ સુવીદીત હશો. ઉપરોક્ત તમામ હકીકત ને ધ્યાને લઈ તારીખ 31/07/2025નાં રોજ ભવનાથ મહાદેવ મંદીર ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નં એ/201ના મહંત હરીગીરી ગુરૂ દત્તગીરી નો ગેરબંધારણીય રીતે થયેલ મહંત તરીકે નો ઓર્ડર ની અવધી પુર્ણ થતી હોય, તેઓનો પુન:ઓર્ડર કોઈપણ સંજોગોમાં ન કરવામાં આવે તેવી માંગ કરી છે.
તો બીજી તરફ અનુગામી મહંત ટ્રસ્ટી માટે અન્ય એક સંત અમરગીરી બાપુ દ્વારા પણ દાવો કરવામાં આવેલ છે ત્યારે અમર ગીરી બાપુએ જણાવ્યું હતું કે ગુરુ પરંપરા મુજબ ભવનાથ મંદિરના મહંત પદ માટે કલેકટરને અરજી કરી છે સાથોસાથ અમરગીરી બાપુએ અગાઉના મહંત હરિ ગીરી અને તેના શિષ્યો દ્વારા અહીં અસામાજિક પ્રવૃત્તિ કરાઇ હોવાના પણ આક્ષેપો કર્યા હતા. ભવનાથ મહાદેવ મંદિરના ગુરૂ શિષ્ય પરંપરા પ્રમાણેના આ જગ્યાના સીધી લીટીના કાયદેસર વારસાઈ હકક ધરાવતા વારસદાર શિષ્ય હોવાના લીધે આ જગ્યા પરત મેળવવા માટે ઘણા વર્ષોથી દર વર્ષે આપની કચેરીમાં મહંતની નિમણુંક માટે અરજી અહેવાલ સમયસર કરતા આવીએ છીએ અને નામદાર કોર્ટ કચેરીમાં પણ ન્યાયીક હકક મેળવવા માટે જજુમી રહ્યા છીએ. માટે આપ સાહેબને નમ્ર અરજ છે કે, (ઈવીપી/ભવનાથ/મહંત/નીમણુંક/95/2023, તા. 23/3/2023) હુકમ તાત્કાલીક ધોરણે રદ કરી આ હુકમ પ્રત્યે ફેર-વિચારણા કરશો, કારણ કે, આપ સાહેબની કચેરીએથી નિમણુંક કરેલ હાલના મહંત હરીગીરીજી મહારાજ તેઓને સોપેલ મહંત તરીકેની તમામ ફરજો નિભાવવામાં અને સરકાર તરફથી સોપેલ તમામ ફરજોનું પાલન કરવામાં સંપુર્ણપણે નિષ્ફળ ગયેલા છે અને સરકારની તેમજ આપની કચેરીની અને સદરહું મંદિરની ગરીમાને લાંછન લાગે તેવા કૃત્યો કરી રહ્યા છે. જેના પાકા આધાર પુરાવા આજરોજ અમો આપ સાહેબ સમક્ષ લેખીતમાં રજુ કરી રહ્યા છીએ તેવી માંગ સાથે બે સંતોએ ભવનાથ મંદિરના મહંત પદ માટે પોતાની દાવેદારી કરતા ફરી એકવાર ભવનાથ મંદિરના મહંતનો વિવાદ સળગ્યો છે હવે આગામી 31 જુલાઈ 2025ના રોજ જિલ્લા કલેકટર શું નિર્ણય લે છે તેના પર સમગ્ર સાધુ – સંતોની નજર છે.