જૂનાગઢ એલસીબીએ 51 ગુનાનો ભેદઉકેલ્યો : 8.28 લાખનો મુદામાલ કબજે
ખાસ-ખબર સંવાદદાતા
બેંકમાં પૈસા ઉપાડવા આવતા અભણ અને વૃધ્ધ લોકોને વિશ્ર્વાસમાં લઇ એટીએમ કાર્ડ બદલી તેના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા આંતરરાજ્ય ગેંગનાં બે શખ્સને જૂનાગઢ એલસીબીએ ઝડપી લીધા છે અને રૂપિયા 8.28 લાખનો મુદામાલ કબજે કરી રાજયમાં છ અને રાજય બહાર 51 ગુનનો ભેદ ઉકેલ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ચોરી અને છેતરપિંડીનાં ગુનાનાં આરપોને પકડવા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી એલસીબી પીઆઇ એચ.આઇ.ભાટીનાં માર્ગદર્શનમાં એલસીબીની ટીમે કવાયત હાથ ધરી હતી. ત્યારે બેંકમાં પૈસા ઉપાડવા આવતા અભણઅને વૃધ્ધ લોકોને વિશ્ર્વાસમાં લઇને એટીએમ કાર્ડ બદલી કે ચોરી કરી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા આંધ્રપ્રદેશ રાજયની ગેંગનાં બે શખ્સો કારમાં આટા મારે છે. હાલ આ શખ્સો જૂનાગઢનાં ખલીલપુર રોડ પર સિધ્ધી વિનાયક સોસાયટી નજીક ઉભા હોવાની બાતમી મળી હતી. બાતમીનાં આધરે એલસીબીની ટીમ પહોંચી હતી અને આંધ્રપ્રદેશનાં કદીરી તાલુકાનાં તનકલ્લ્ાુ મંડલાનાં કિષ્નામુર્થી રેડ્ડેપ્પા નાગપ્પા સુનપુશેટી બલીજા અને આંધ્રપ્રદેશનાં પીલરનાં મોહન વેંકટરમના ચીન્થલાની અટક કરી હતી. જૂનાગઢ એલસીબીએ રોકડા રૂપિયા 83100, સોનાનાં બિસ્કીટ કિંમત રૂપિયા 75 હજાર, કાર મળી કુલ રૂપિયા 8,28,200નો મુદામાલ કબજે કર્યો હતો. આ બન્નેની પુછપરછ કરતા ગુજરાતનાં છ જિલ્લા અને અન્ય 6 રાજયનાં 51 ગુના કર્યાની કબુલાત આપી હતી. જૂનાગઢ એલસીબીએ 51 અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. તાજેતરમાં જૂનાગઢમાં એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલા વેપારી સાથે છેતરપિંડી થઇ હતી. એટીએમમાં ઉભેલા બે શખ્સોએ મદદનાં બહાને એટીએમ કાર્ડ બદલી લીધું હતું. બાદ વેપારીનાં ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા હતાં. આ અંગે ફરિયાદ નોંધાઇ હતી.