ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.30
મોરબી જિલ્લામાં બીજાની જમીન પચાવી પાડી તેના પર ગેરકાયદે કબ્જો જમાવી દેવાની પ્રવૃત્તિ બેફામ વધી છે ત્યારે ખાનપર ગામની સીમમાં આવેલી આધેડની જમીન પર બે શખ્સોએ ગેરકાયદે રીતે કબ્જો કરી જમીનમાં ઉપજ મેળવી કબ્જો ખાલી નહીં કરી જમીન પચાવી પાડી હોવાથી બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુન્હો દાખલ થયો છે.
મળતી માહિતી મુજબ, મોરબીના એસ.પી. રોડ ફ્લોરા-17 બ્લોક નં-બી/201 માં રહેતા વસંતભાઈ છગનભાઇ રાજકોટીયા (ઉ.વ.49) એ આરોપી પ્રકાશભાઈ તરશીભાઈ જીવાણી તથા કલ્પેશભાઈ તરશીભાઈ જીવાણી બન્ને રહે. ખાનપર તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીની માલીકી ની ખાનપર ગામની સીમના સર્વે નં.34 પૈકી 9 ની જમીનમાં આરોપીઓએ કોઇપણ જાતના આધાર વગર ગેરકાયદે કબ્જો કરી જમીનમાં વાવતેર, ખેતી કરી, આર્થિક ઉપજ મેળવી, જમીનનો અનઅધિકૃત રીતે કબ્જો રાખી જમીન પચાવી પાડી, જમીનનો કબ્જો ખાલી નહી કરી, જમીન પચાવી પાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 ની કલમ 3, 4(1)(3), 5(ગ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.