બપોરે 1 વાગ્યા સુધીમાં બંગાળ, છત્તીસગઢ, આસામ, મણિપુરમાં 45%થી વધુ મતદાન
બીજા ચરણમાં 13 રાજ્યમાં 88 બેઠક પર મતદાન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
18મી લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કામાં આજે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરુ થયું, જે સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. બપોરે 1 વાગ્યા સુધી ત્રિપુરામાં સૌથી વધુ 54.47% મતદાન નોંધાયું છે. તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય દળો બંગાળની બે લોકસભા સીટ બાલુરઘાટ અને રાયગંજમાં મહિલાઓને મતદાન કરતા રોકી રહ્યા છે. બાલુરઘાટમાં ભાજપ અને તૃણમૂલ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
આ તબક્કામાં લોકસભા સ્પીકર, 5 કેન્દ્રીય મંત્રી, 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને 3 ફિલ્મ સ્ટાર છે. રાહુલ ગાંધીની વાયનાડ, શશી થરૂરની તિરુવનંતપુરમ અને હેમા માલિની મથુરા બેઠક પરથી મેદાનમાં છે. અગાઉ 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થયું હતું. આજ પછી 5 તબક્કાનું મતદાન 1 જૂન સુધીમાં પૂર્ણ થશે. આ પછી પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. પહેલા આ તબક્કામાં 89 સીટો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ સીટ પર બીએસપી ઉમેદવારના મોત બાદ હવે આ સીટ પર 7 મેના રોજ ચૂંટણી યોજાશે. આઉટર મણિપુરના કેટલાક ભાગોમાં આજે ફરી મતદાન થશે. ચૂંટણી પંચે આ બેઠક પર બે તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. 2019માં બીજેપીએ સૌથી વધુ 50 સીટો જીતી હતી અને બીજા તબક્કામાં એનડીએ સાથીઓએ 8 સીટો જીતી હતી. કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. અન્યને 9 બેઠકો મળી હતી.
- Advertisement -
બંગાળમાં મતદાન દરમિયાન અથડામણ
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન અથડામણનો મામલો સામે આવ્યો છે. બલૂરઘાટના એક મતદાન મથક પર પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારની સામે ’ગો બેક’ના નારા લગાવવામાં આવ્યા હતા. અહીં તૃણમૂલ (TMC)ના કાર્યકર્તાઓએ સુકાંત મજુમદારનો વિરોધ કર્યો છે. તૃણમૂલના કાર્યકરોનો આરોપ છે કે ભાજપ ઉમેદવારે અહીં તણાવ પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે સુકાંત મજુમદારનો આરોપ છે કે ટીએમસીના કાર્યકરોએ તેમના પોલિંગ બૂથ એજન્ટને માર માર્યો હતો. આ ઉપરાંત તેમણે એવો પણ દાવો કર્યો છે કે ટીએમસી કાર્યકર્તાઓ મતદાન કેન્દ્રના 100 મીટરની અંદર તેમની વિરુદ્ધ એકઠા થયા હતા.
1 વાગ્યા સુધીમાં મતદાન
ત્રિપુરા- 54.47%
પશ્ચિમ બંગાળ- 47.29%
છત્તીસગઢ- 53.09%
મણિપુર- 54.26%
મધ્ય પ્રદેશ- 38.96%
કેરળ- 39.26%
રાજસ્થાન- 40.39%
ઉત્તર પ્રદેશ- 35.73%
કર્ણાટક- 38.23%
જમ્મુ-કાશ્મીર- 42.88%
આસામ- 46.31%
બિહાર- 33.80%
મહારાષ્ટ્ર- 31.77%