પત્નીનો પાડોશી સાથે પ્રેમ સંબંધ હતો
પ્લમ્બિંગ કામ કરતા પેટમાં સળિયો લાગ્યાની ખોટી LEB ઊભી કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ક્રાઈમ રેટ દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે છેલ્લા થોડા સમયથી એક પછી એક હત્યાની હારમાળા શરૂ થઈ છે. જેમાં આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટના ભારતીનગર શેરી નંબર 6માં રહેતા અને પ્લમ્બિંગનું કામ કરતા યુવાનને પત્નીએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી જવા પામી છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ભારતીનગર શેરી નંબર 6માં રહેતા અને પ્લમ્બીંગનું કામ કરતા ભવાનભાઈ રવજીભાઈ નકુમ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પોતાની પત્ની વનિતા ભવાનભાઈ નકુમનું નામ આપ્યું છે. પોલીસ ફરિયામાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી પોતાની પત્ની વનીતા પુત્ર ધાર્મિક અને દિકરી નેન્સી સાથે ભારતીનગરમાં છેલ્લા દોઢેક માસથી રહે છે. અગાઉ દસેક વર્ષ પહેલા શાસ્ત્રીનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. આ વખતે પત્ની વનીતાને પાડોશમાં રહેતા જગદીશભાઈ સાથે પ્રેમ સબંધ બંધાયો હતો.
પાડોશી યુવાનના પ્રેમમાં પાગલ બનેલી વનીતા 6 વર્ષ પહેલા પતિ-પુત્ર અને પુત્રીને પડતા મુકી પ્રેમી જગદીશ સાથે ભાગી ગઈ હતી. ત્યાર બાદ ફરિયાદી યુવાન પોતાના બાળકો સાથે એકલો રહેતો હતો અને મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દોઢેક માસ પહેલા પત્ની વનીતાનો પતિ ભવાન ઉપર ફોન આવ્યો હતો અને હું ભારતીનગરમાં એકલી રહું છું જગદીશ મને મુકીને જતો રહ્યો છે. તમે બાળકોને લઈ અહીં રહેવા આવતા રહો આપણે સાથે રહેશું. તેવી વાત કરતા પતિ બન્ને બાળકોને લઈ પત્ની સાથે રહેવા જતો રહ્યો હતો. આ દરમિયાન ગત તારીખ 11-9-23ના રાત્રીના નવેક વાગ્યે ભવાનભાઈ જમીને ખાટલા ઉપર સુતા હતા અને પત્ની માળિયામાં રહેલી સુટકેસ નીચે ઉતારી તેમાંથી પ્રેમ લગ્નના કાગળો શોધતી હતી જે નહીં મળી આવતા પતિ ભવનને કહ્યું હતું કે, મારી સુટકેસમાંથી કાગળો કોણે લીધા પરંતુ ભવાને કાગળ વિશે કશું જાણતો નહીં હોવાનું જણાવ્યું હતું. જેના કારણે પત્ની ઉશ્ર્કેરાઈ ગઈ હતી અને કહેવા લાગેલ કે કાગળો આપી દો નહીંતર ધાર્મિકને મારી નાખીશ તેમ કહી પત્નીએ હાથમાં છરી લઈ ધાર્મિકને મારવા દોડી હતી. આ વખતે પતિ ભવાન વચ્ચે આવી જતા રોશે ભરાયેલ પત્નીએ પતિને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ત્યાર બાદ ભવાનભાઈને સારવાર અર્થે સૌપ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં એક માસની સારવાર બાદ ગઈકાલે રાત્રે ભવાનભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યાના ગુનામાં પલ્ટાયો છે.
આ ઘટના અંગે પોલીસે અગાઉ ભવાનભાઈ નકુમની ફરિયાદ પરથી પત્ની વનિતા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જ્યારે એક માસ બાદ યુવાનનું મોત થતા હવે પોલીસે આ બનાવમાં 302ની કલમનો ઉમેરો કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના રામાપીર ચોકડી પાસે આવેલ ભારતીનગરમાં રહેતા અને પ્લમ્બીંગ કામ કરતા ભવાનભાઈ નકુમ ઉ.વ.45 પર એક માસ પહેલા પત્નીએ છરી વડે હુમલો કરી આતરડા બહાર કાઢી નાખ્યા હતા. જે ઘટનાને છુપાવવા માટે યુવાનને સૌ પ્રથમ ઘર પાસે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે યુવાનને ઈન્દિરા સર્કલ પાસે પ્લમ્બીંગ કામ કરતી વખતે પેટમાં સળિયો લાગ્યો હોવાની ખોટી એલીબી ઉભી કરી હતી. પરંતુ ભાનમાં આવેલા ભવાનભાઈએ પોલીસને સત્ય હકીકત જણાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.