સમરાંગણ જેવા દૃશ્ર્યો સર્જાયા
શહેરમાં ઢોરપકડ પાર્ટી સાથે ઘર્ષણ યથાવત: રખડતાં ઢોર હોવાની ફરિયાદને આધારે ટીમ ચેકિંગ પર ગઈ હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ મહાનગરપાલિકાઓ દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ વધુ સધન કરવામાં આવી છે. જેને લઈ મનપાની ઢોરપકડ પાર્ટી સાથે ઘર્ષણ થવાની ઘટનાઓ સમયાંતરે સામે આવી રહી છે. ત્યારે ગઈકાલે આવી જ વધુ એક ઘટના રાજકોટમાં સામે આવી હતી. આ ઘટનામાં ગાયત્રીનગર વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલ ટીમ સાથે મહિલાઓએ ઝપાઝપી કરી હતી. આ બનાવનાં લાઈવ દૃશ્ર્યો સામે આવ્યા છે. જોકે, મનપાનાં અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈ મારામારી થઈ નહીં હોવાથી પોલીસ ફરિયાદ કરાઈ નથી.
પ્રાપ્ત વિગત મુજબ મનપાની ઢોરપકડ પાર્ટીએ ગઈકાલે શહેરનાં ભક્તિનગર નજીક આવેલા ગાયત્રીનગર ખાતે રખડતા ઢોર હોવાની ફરિયાદને આધારે ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન સ્થાનિક મહિલાઓએ કર્મચારીઓને આ કામ કરતા રોકવાનો પ્રયાસ કરતા ઘર્ષણ થયું હતું. જોકે, આમ છતાં પોલીસની ઙઈછ બોલાવી ઢોરપકડ પાર્ટીએ એક ગાય કબ્જે કરી હતી. તેમજ આજે સવારે ફરીથી આ વિસ્તારમાં ટીમો ત્રાટકી હતી અને વધુ એક ગાયને કબ્જે લેવામાં આવી હતી.
મહિલાઓએ ટીમ સાથે માથાકૂટ કરી
મનપાનાં અધિકારી જાકાસણીયાએ મીડિયા સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાયત્રીનગર વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ હોવાની ફરિયાદને આધારે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અમારી ટીમો પહોંચે તે પહેલા પશુ માલિકો દ્વારા પશુને ઘરમાં પુરવાનો પ્રયાસ કરાયો હતો. આ સમયે પશુઓને પકડતા કેટલીક મહિલાઓએ અમારી ટીમ સાથે માથાકૂટ કરી હતી. આ મામલો ઉગ્ર બને તે પહેલાં જ પોલીસને બોલાવી લેવામાં આવી હતી. એક પશુ ગઈકાલે તેમજ અન્ય એકને આજે સવારે કબ્જે લેવામાં આવ્યું હતું. જોકે, કોઈપણ પ્રકારની મારામારી કે હાથાપાઈ થઈ ન હોવાથી પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.
- Advertisement -
આ મામલે તટસ્થ તપાસ થવી જોઈએ: વિપુલભાઈ
બીજી તરફ માલધારી પરિવારના વિપુલભાઈએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે સાડા પાંચેક વાગ્યે મનપાની ટીમો અહીં આવી હતી. મારા ઘરે કડીયાકામ ચાલતું હોવાથી બહાર બાંધેલી માત્ર બે ગાય હતી, તેને છોડાવી ગઈ હતી. આ સમયે ઢોરપકડ પાર્ટીનાં કર્મચારીઓએ મારા પત્ની અને કાકા સહિતનાઓ સાથે ગેરવર્તન કર્યું હતું. તેમજ ગાયોને પણ માર માર્યો હતો. મારા કાકીને પણ ડબ્બામાં પુરી દીધા હતા. આ ખરેખર યોગ્ય નથી. અમારી તંત્ર સમક્ષ માંગ છે કે, આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવામાં આવે.