પ્લાસ્ટિક પ્રતિબંધ સાથે વેપારીઓ સહમત : દૂધની સપ્લાય કેન દ્વારા કરવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર ઇકોસેન્સેટીવ ઝોનમાં આવતા ગિરનાર અને ભવનાથ તળેટીમાં પ્લાસ્ટીક પ્રતિબંધની કડક અમલવારી તંત્ર દ્વારા કરવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા હતા જેને લઇને વેપારીઓ દ્વારા ત્રણ દિવસ સુધી પોતાના વેપાર ધંધા બંધ રાખીને સજ્જડ ભવનાથ તળેટીની દુકાનો બંધ રહી હતી. તંત્ર દ્વારા પણ અનેકવાર મિટીંગો કરી પણ નિષ્ફળ રહી હતી.
જ્યારે પ્લાસ્ટીક પ્રતિબંધ મુદ્દે ગઇકાલે વહિવટી તંત્રના અધિકારી અને વેપારી એસો.ના આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં બંન્ને પક્ષે વાટાઘાટો બાદ અંતે વેપારીઓને તંત્ર દ્વારા સમજણ પૂર્વક સમજાવવામાં આવતા હડતાળ સમેટાઇ હતી અને આજથી વેપારીઓએ ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલી તમામ દુકાનો ખોલી નાખવામાં આવી હતી. તેની સાથે હવે વેપારીઓ પ્લાસ્ટીક ચીજવસ્તુનો ઉપયોગ બંધ કરશે. તેની સાથે પ્લાસ્ટીક બેગમાં વેચાતુ દૂધની જગ્યાએ ટેટ્રા પેકીંગમાં દૂધ સપ્લાય માટે તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ કલેકટર દ્વારા પ્લાસ્ટીક પ્રતિબંધના કારણે દૂધ માટે મેળામાં 40 લિટરના કેન દ્વારા દૂધનું વેંચાણ કરવામાં આવશે. ત્યારે લાખોની સંખ્યામાં આવતા લોકો કેટલાઅંશે પ્લાસ્ટીક પ્રતિબંધના નિયમોને જાળવી રાખશે તેતો હવે મેળો પૂર્ણ થયા બાદ ખબર પડશે.