ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.3
પોરબંદર જિલ્લામાં બન્ને વિધાનસભાની સીટ ગત વિધાનસભાની ચુંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીને ગુમાવવાની નોબત આવી હતી. કારણ કે, કોંગ્રેસના કદાવર નેતા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં હતાં અને બાહુબલી નેતા કાંધલ જાડેજા કુતિયાણા વિધાનસભાની સીટ પરથી ઉમેદવારી કરી રહ્યા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં આ બન્ને મોટા ગજાના નેતાઓએ જીત મેળવી હતી. ત્યારે પોરબંદર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ બન્ને સીટો ગુમાવી હતી.
- Advertisement -
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને કોંગ્રેસમાંથી પણ તેઓએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. તેમની સાથે કોંગ્રેસના અનેક કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો છે અને તેઓને પોરબંદર વિધાનસભાની બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. તો બીજી તરફ કુતિયાણા વિધાનસભાના ધારાસભ્ય કાંધલ જાડેજાની પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથેની બેઠક થઈ છે તેઓની સાથે પૂર્વ કેબિનેટ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) પણ બેઠકમાં સામેલ થયા હતા.કાંધલ જાડેજા ભાજપને ટેકો જાહેર કરે તેવી ચર્ચાઓ જાગી છે.