– PB ફોર્મ ભર્યા બાદ 80+ મતદારો ઘેરથી મત ન આપે તો’ય બૂથ પર વોટિંગની છૂટ નહીં
– પ્રજ્ઞાાચક્ષુઓ માટે અમદાવાદની સંસ્થા મારફત બ્રેઈલ લિપિનાં બેલેટ પેપર્સ પણ છપાવી રખાશે
- Advertisement -
આ વખતે દિવ્યાંગ મતદારોને અને 80 વર્ષથી વધુ વયનાં લોકોને ઘેરબેઠાં મતદાનનો વિકલ્પ પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે, પરંતુ આવા કોઈ મતદાર એક વખત એ માટેનું નિયત ફોર્મ ભરી દે પછી કોઈ કારણવશ ઘેરબેઠાં મતદાન ન કરી શક્યા હોય તો તેમણે પહેલી ડિસેમ્બરે મતદાનનો આગ્રહ છોડી દેવો પડશે, કેમ કે ત્યારે બૂથ પર તેમને વોટિંગ કરવા દેવામાં નહીં આવે.
હાલ સૌરાષ્ટ્ર- ગુજરાતના ઘણાંખરા વિધાનસભા મતવિસ્તારોમાં બૂથ લેવલ ઓફિસરોને આવા મતદારોના ઘેર- ઘેર મોકલવાનું ચાલુ છે. તેમને રૂબરૂમાં પૂછવામાં આવે છે કે વોટિંગ ઘેરથી જ કરવું છે, યા મતદાનમથક પર જઈને મત આપવો છે? જો તેઓ ઘેરબેઠાં મતદાનનો વિકલ્પ પસંદ કરે તો તેમણે નિયત ફોર્મ ભરવાનું રહેશે. બીએલઓ એવાં તમામ ફોમ્ર્સ જે- તે રિટર્નિંગ ઓફિસરને સુપરત કરશે. રિટર્નિંગ ઓફિસર દિવ્યાંગ મતદારોનાં દિવ્યાંગતા સર્ટિફિકેટ વગેરેની ચકાસણી કરીને માન્યતા આપે પછી આવાં મતદારોને પોસ્ટલ બેલેટ ઈશ્યુ કરાશે. તેમણે કયારે મતદાન કરવાનું રહેશે તે વિશે બીએલઓ તેમને એસએમએસ મારફત જાણ કરશે. નિર્ધારિત દિવસે પોલિંગ પાર્ટી (ચૂંટણી કર્મચારી, પોલીસ, ઉમેદવારોના પ્રતિનિધિ વગેરે) તેમના ઘેર પહોંચશે, જ્યાં એ મતદારે મતદાનની ગુપ્તતા જળવાય એ રીતે કોઈ ખૂણાંમાં જઈને વોટિંગ કરવાનું રહેશે. આ સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે.
આ તમામ વ્યવસ્થા તો સુનિશ્ચિત છે જ, બલ્કે ઘેરબેઠાં વોટિંગનું સંમતિપત્રક ભરનાર વ્યક્તિ પછીથી બૂથ પર પણ પહોંચે તો શું, એ ગડમથલ ખાળવા તંત્રએ એમ પણ ઠરાવ્યું છે કે એક વખત આવાં જે મતદારો ફોર્મ નં.12(ડી) ભરી દે તેમનાં નામ સામે તેની નોંધ કરેલી મતદારયાદી જ મતદાન દિને પોલિંગ સ્ટાફને આપવી. બીએલઓ એકથી વધુ વખત તેમનાં ઘેર ગયા હોય ત્યારે કોઈ કારણવશ એ મતદાર મતદાન ન કરી શક્યા હોય, અથવા ત્યારે વોટિંગ કરવાની ના પાડી હોય તો એકંદરે મતદાન બાકી હોવા છતાં તેમને 1 ડિસેમ્બરે બૂથ પર વોટિંગ કરવા નહીં મળે.
- Advertisement -
દિવ્યાંગો પૈકી પ્રજ્ઞાાચક્ષુ મતદારો માટે ઈવીએમમાં એમ્બોઝ લિસ્ટ તો હોય છે, જે ઉપરાંત અમદાવાદનાં અંધજન મંડળ મારફત બ્રેઈલ લિપિમાં મતપત્રકો પણ છપાવાશે, અને કોઈ પ્રજ્ઞાાચક્ષુ મતદાર જો મતદાન માટે સહાયકની મદદ લેવા ન માગતા હોય તો તેમને આવા મતપત્રક પણ અપાશે. રેરેસ્ટ કિસ્સામાં કોઈ દિવ્યાંગજન મતદાન મથક સુધી જાતે પહોંચવામાં બિનસક્ષમ જણાય અને સહાય માગે તો જે- તે રિટર્નિંગ ઓફિસર તેમને બૂથ સુધી લાવવાની અને પરત ઘેર પહોંચાડવાની વાહન વ્યવસ્થા કરી આપવા પણ બંધાયેલા હોવાનું ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલાં અધિકારીઓમાંથી જાણવા મળ્યું છે.
રજા છતાં ફોર્મ સ્વીકારાયા, શનિવારે ચાલુ દિવસ છતાં નહીં ભરી શકાય!
સૌરાષ્ટ્રમાં આજે પણ વિધાનસભા ચૂંટણી માટેના ફોર્મ્સનો ઉપાડ તો ખાસ્સી સંખ્યામાં થયો પરંતુ ઉમેદવારી પત્રકો રજૂ કરવામાં હજુ સુસ્તી વર્તાઈ રહી છે. આ દરમિયાન આજે જાહેર રજા છતાં ફોર્મ સ્વીકારવાનું ચાલુ રખાયું હતું, જ્યારે તા.12 ને શનિવારે ચાલુ દિવસ છતાં ઉમેદવારો ફોર્મ નહીં ભરી શકે.
આજે ગુરૂનાનક જયંતિની રજાનો બાકીની તમામ સરકારી કચેરીઓને લાભ મળ્યો, પણ ચૂંટણીપંચમાં નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની રજા જ રજા ગણાતી હોવાથી ચૂંટણી અધિકારીઓએ કચેરી ચાલુ રાખીને ફોર્મ વિતરણ તથા સ્વાકારવાનું ચાલુ રાખવું પડયું હતું અને રાજકોટ દક્ષિણમાં એક અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું પણ હતું. બીજી તરફ, દિવાળીના બીજા દિવસે (ધોકો) સરકારે આપેલી રજા સામે બીજા શનિવાર- તા.12મીએ કચેરીઓ ચાલુ રાખવા આદેશ કરેલો છે પરંતુ ચૂંટણીપંચે આ વખતે જ એવો સુધારો આણ્યો છે કે બીજા શનિવારે ચૂંટણી કામગીરી કરતી કચેરીઓમાં જાહેર રજા જ ગણાશે. આથી, તા.12મીએ અન્ય તમામ કચેરીઓમાં કામકાજ ચાલુ રહેવાનું હોવા છતાં ઉમેદવારો તે દિવસે ફોર્મ નહીં ભરી શકે. તમામ રાજકીય પક્ષોને તેની જાણ કરી દેવામાં આવી છે. દરમિયાન, આજે જૂનાગઢ જિલ્લામાં 40, મોરબી જિલ્લામાં 48, અમરેલી જિલ્લામાં 19 ફોર્મનો ઉપાડ થયો હતો અને ફોર્મ ભરવામાં ધસારો થવાની નોબત હજુ નથી આવી.