લોકોને સારા અને ટકાઉ પેવર રોડ બને તેવી આશા અપેક્ષા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ જિલ્લામાં વરસાદના લીધે ગેરેંટી પિરિયડ અને નોન ગેરેંટી પિરિયડ વાળા પણ રસ્તા તૂટી ફાટી ગયા છે.હાલ વરસાદે વિરામ લેતા અને ચોમાસા ઋતુ પૂર્ણ થવાની છે એ સમયે તંત્ર દ્વારા જિલ્લાના તૂટેલા રસ્તાને થીગડા મારીને ગાડુ ગબડાવવા તંત્ર તૈયારી થયું છે ત્યારે લોકોને સારા અને ટકાઉ પેવર રોડ બને તેવી આશા અપેક્ષા છે.
- Advertisement -
માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 94 રસ્તાઓ પૈકી જરૂરીયાત વાળા રસ્તા પર મેટલપેચ તથા આસ્ફાલ્ટ પેચવર્કની કામગીરી શરુ કરી દેવામાં આવી છે જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારને શહેર સાથે જોડતા વિવિધ માર્ગોને સુગમ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. કલેકટરના સીધા માર્ગદર્શન હેઠળ ડામર પેચવર્ક સહિતની સઘન મરામત શરુ કરાય છે.જેમાં જૂનાગઢ, ખડિયા, મેંદરડા, સાસણ, રવની, છત્રાસા,વંથલી, માણાવદર, બાંટવા, સરાડીયા રોડ સહીત જુદા જુદા ગામોના વિસ્તારોમાં માર્ગો પર પડેલા ખાડાઓમાં ડામર તથા મેટલ પેચવર્ક કરવામાં આવી રહ્યું છે જયારે 94 રસ્તાઓની કુલ 1004.48કિ.મી લંબાઇ પૈકી મેટલપેચની જરૂરીયાત વાળા રસ્તા પર મેટલપેચની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે, આસ્ફાલ્ટ પેચવર્કની જરૂરિયાત વાળી 25.5 કિ.મી. લંબાઇમાં મરામત કામગીરી શરૂ કરવામાં આવેલી છે. જે લંબાઇ પૈકી 10.9 કિ.મી. લંબાઇમાં આસ્ફાલ્ટ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે તેમજ બાકી રહેતી કામગીરી પ્રગતિમાં છે જે ટુંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે.