પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
અટલ બાજપેયીની ઉપરોક્ત કવિતા ક્ષણ ક્ષણમાં જીવવાનો મહિમા ગાય છે. વાત સાવ પ્રાસંગિક છે. જેવલીન થ્રોમાં પાકના અર્શદ નદીમે આપણા નીરજ ચોપરાને હરાવીને ગોલ્ડ જીત્યો ત્યારે નીરજના માતુશ્રીને પૂછવામાં આવ્યું કે તમને કેવું લાગે છે. તેમણે કહ્યું કે તે નદીમ પણ મારા દીકરા જેવો છે, તેણે મહેનત કરી હશે તો ઓલ્ડ જીત્યો. મૂળ વાત અહીં આવે છે. અત્યારે સોશિયલ મીડિયા પર એને લીધે યુદ્ધ છેડાઈ ગયું છે. એક પક્ષ કહે છે કે ભલે ને નદીમ પાકિસ્તાની હોય છે પણ છે તો એક રમતવીર ને! તો તેને તેની સિદ્ધિ માટે બિરદાવવો જોઈએ. હવે તો આમેય ધીમે ધીમે દુનિયા નાની થતી જાય છે તો દેશ, જાતિ,ધર્મની દીવાલો ભૂલી માણસને માણસની જેમ ટ્રીટ કરો. બીજો પક્ષ એમ કહે છે પાકિસ્તાનના લોકો ક્યારેય આવી ઉદારતા બતાવતા નથી તો શા માટે આપણે હરખપદૂડા થઈને આવું નકામું સૌહાર્દ જતાવવા દોડીએ છીએ?! હિન્દુને આમેય દીર્ઘકાલીન અનુભવ છે ઉપકારનો બદલો અપકાર મળવાનો.
હવે પ્રશ્ન એ થાય કે અત્યારે જે કંઈપણ ઘટનાઓ થાય છે તેને ભૂતકાળને લીધે કેળવેલા દ્રષ્ટિકોણથી જોવાની કે એક ફ્રેશ અપ્રોચ રાખવાનો? હવે તો ફેશન થઇ ગઈ છે કે જીવનને વર્તમાનમાં જીવો એવું કહેવાની. અનાયાસે આ વાત સાથે ઓશો, ઝીંદગી ના મિલેગી દોબારા, દુનિયાભરના કહેવાતા જ્ઞાની કાઉન્સેલરો, ફલાણા કે ઢીંકણા વિચારકો તેમજ ધર્મગુરુઓ યાદ આવી જાય છે. જીવન દરેક ક્ષણ સાથે નૂતન બનતું જાય છે એ વાત સાચી પણ એ જીવન કેટલી હદ સુધી ભૂતકાળથી અલગ હોય છે?
દેવાંગી ભટ્ટની વાસાંસિ જીર્ણાની નવલ વાંચતો હતો. તેમાં નાયિકા એક કટ્ટર નાઝી હોય છે જયારે તેનો પતિ ઉદાર મનનો હોય છે. બંને વચ્ચે તકરાર થાય છે અને તેનો વિષય હોય છે જ્યુ પીપલ એટલે કે યહૂદીઓ. નાયિકાનું કહેવાનું એમ છે કે આ લોકોએ પહેલા વિશ્વયુદ્ધ પછી આપણા દેશને સાવ પાયમાલ કર્યો. ખાય એનું ખોદવાવાળી આ પ્રજાતિનો સફાયો અનિવાર્ય છે. સામે તેનો પતિ કહે છે બધા લોકો સરખા ન હોય. બેશક તેમાં ઘણા મેલી મુરાદવાળા હોય પણ બધાને એક લાકડીએ હાંકવા યોગ્ય નથી. બધાને એક સરખા ગણવાની કટ્ટર વિચારધારાએ જ હિટલરને એ નરસંહાર કરવા પ્રેર્યો હતો તો શા માટે એવું કરવું જોઈએ? અહીં દેખીતી રીતે જ માણસોને એક માણસ તરીકે ટ્રીટ કરવાની વાતનું સમર્થન છે. આ જ વાતને જ થોડા વિશાળ પરોપ્રેક્ષ્યમાં મૂકીએ તો એ કહેવાનું એ જ છે કે જીવનને તાજગીથી, નવા અભિગમથી જીવો. પણ વેઇટ, સિક્કાની એક બીજી બાજુ પણ છે.
વિરામ:
શહેર એક સે, ગાંવ એક સે;
લોગ એક સે, નામ એક સે.
– ઈર્શાદ કામિલ
આ આપણે બહુ મોટો મોટી ડંફાસો મારીએ છીએ, જીવનને નવેસરથી જીવવાની, એકએક પળને માનવાની, જીવન અને માનવ પ્રત્યે નવતર અભિગમ રાખવાની તેમાં કેટલું તથ્ય છે? મોટે ઉપાડે કહો છો કે માણસોને એક લાકડીએ ન હાંકો પણ એ માણસો ખરેખર કેટલા બદલાયા છે? શું અત્યારે આપણને દુર્યોધન જેવા લાલસી, શકુનની જેવા કપટી, શિશુપાલ જેવા ઉદંડ, કંસ જેવા ક્રૂર માણસો નથી મળતા? મહાભારતના સમયથી અત્યાર સુધીમાં માણસોની ફિતરત કેટલી હદ સુધી બદલાઈ છે? શું ક્ષણ ક્ષણ જીવે? ધૂળને ઢેફાં! ફિલ્મોમાં બતાવે એવું જીવવા માટે તગડું બેન્ક બેલેન્સ જોઈએ, સારી જોબ જોઈએ ત્યારે જઈને પૈસા કઈ નથી એવી હુશિયારી કરીને પોતાની ’જાત’ને શોધવા ક્યાંક ફરવા ઉપડી શકીએ! ફ્રેન્કલી કહું તો સાવ દરેક ક્ષણમાં જીવવું શક્ય નથી પણ જે મોનોટનસ સમય છે તેને થાય એટલી સારી રીતે પસાર કરીને અમુક અમૂલ્ય ક્ષણો કે જે જીવનમાં અનાયાસે આવી જવા પામતી હોય છે તેને વેલકમ કરીને જીવી શકાય. બાકી બધું નર્યો બકવાસ છે.
ગમે એટલું કરો જીવનમાં અમુક બાબતો તો રિપીટેટિવ, એકવિધ અને કંટાળાજનક રહેવાની જ. અને સાચું પૂછો તો તેને લીધે જ અમુક કિંમતી ક્ષણોનો ઉપહાર મળે છે તેની કદર થાય છે. જીવનને સમજવામાં અને વર્તમાનને જીવી લેવાની ચર્ચા કરવામાં જેટલો સમય વેડફશુ એટલા સમયમાં તો એક પતંગિયું એક નાનકડું પણ સાર્થક જીવન જીવીને માટીમાં મળી ગયું હશે.
પૂર્ણાહુતિ:
કાલિદાસના કેટલા જાણું નિત્યનૂતન છંદ,
જીવવનો મહિમા ગાઉં પણ જઠર મારુ મંદ;
ગ્રીક લોકોના દેવ પીછાંણુ અપોલોને વિનસ ,
સુષ્ઠુ દેહને પૂજતા મારા હાડકા રહ્યા બસ.
અને ઓલો કાનીયો, કઈ ન જાણે છંદ,
તોયે રાતીરાયણ જેવો કાયમ કરે આનંદ;
શું જીવનને સમજવામાં જીવન કર્યું મેં ધૂળ,
અને તે કાનીયાને અજાણતા જ લાધ્યું મૂળ?
– મકરન્દ દવે
(શીર્ષકપંક્તિ:- શેખાદમ આબુવાલા)