જૂનાગઢમાં નપાણિયા નેતા અને ઇચ્છા વિનાનાં અધિકારીનાં પાપે કરોડો રૂપિયા વેડફાયા
ખેલ મહાકુંભની મહાવાતો વચ્ચે જૂનાગઢનાં યુવા ખેલાડીઓને અન્યાય
16 વર્ષમાં જૂનાગઢને સ્પોર્ટ્સ સંકુલ સુદ્ધાં ન મળ્યું: વિકાસમાં જૂનાગઢની ઘોરઉપેક્ષા
ભલે રાજ્યેમાં વિકાસે હરણફાળ ભરી હોય પરંતુ જૂનાગઢ શહેરનાં વિકાસમાં ઘોરઉપેક્ષા સેવવામાં આવી છે. તેનું એક કારણ છે કે, જૂનાગઢને આજ સુધી નપાણિયા નેતા અને ઇચ્છા વિનાનાં અધિકારીઓ મળ્યાં છે. જૂનાગઢમાં આવતા અધિકારીઓ મોટાભાગે એવું માને છે ક,ે તે પોતે સજામાં અહીં આવ્યાં છે અને જો સારા કોઇ અધિકારી આવી જાય તો નેતાઓને તેને લાંબો સમય ટકવા દેતા નથી. અથવા તો અધિકારી જ અહીંથી ભાગવાની વેતરણમાં રહે છેે. જૂનાગઢ શહેરમાં ગત કોર્પોરેશનની ચૂંટણીમાં લોકોએ ખોબે ખોબે મત ભાજપને આપ્યાં હતાં. પરિણામે 60માંથી 55 બેકઠ ભાજપ પાસે છે. પરંતુ વિકાસ ખાડે ગયો છે. તેનું ઉદાહરણ ગાંધીગ્રામ વિસ્તારમાં બની રહેલું સ્પોટર્સ સંકુલ છે.
- Advertisement -
જૂનાગઢ શહેર અને જિલ્લાનાં યુવા ખેલાડીઓનાં વિકાસ માટે અહીં વર્ષ 2006માં સ્પોટર્સ સંકુલને મંજુરી આપવામાં આવી હતી. સ્પોટર્સ સંકુલનું કામ શરૂ પણ થયું હતુંં. અહીં હોસ્ટેલ, જુદા-જુદા મેદાન પણ બની ગયા હતાં. અચાનક કામ અટકી પડ્યું છે. જાળવણીનાં અભાવે સ્પોટર્સ સંકુલનું મેદાન જંગલમાં ફેરવાઇ ગયું છે. વિશાળ મેદાનમાં વૃક્ષો અને ઘાસ ઉગી નિકળ્યું છે. સંકુલ પાછળ અંદાજે 5.27 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. છેલ્લા 16 વર્ષમાં જૂનાગઢને સ્પોટર્સ સંકુલ ન મળ્યું છે. હાલ માત્ર હોસ્ટેલ શરૂ કરાઇ હતી. મેદાનનો ઉપયોગ થતો નથી. વિશાળ જગ્યા અને વિશાળ સંકુલ શરૂ કરાવવામાં નેતાઓને નિષ્ફળતા મળી છે. બીજી તરફ ખેલ મહાકુભની વાતો કરવામાં આવી રહી છે. અહીં જૂનાગઢમાં ખેલાડીઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
717 લાખની વધુ માંગણી કરાઇ હતી
સ્પોટર્સ સંકુલની દુર્દશા થયા બાદ વધુ 717 લાખની માંગ કરવામાં આવી હતી. નવી સુવિધા માટે આ માંગ કરાઇ હતી.જોકે નવી સુવિધા પહેલા તૈયાર થયેલા મેદાનની જાળવણી જરૂરી છે.
વારે-તહેવારે મુખ્યમંત્રીને મળતાં નેતાઓ રજૂઆત કરે
જૂનાગઢ મહાનગર પાલિકાનાં પદાધિકારીઓ વારંવાર રાજ્યનાં મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર જતા હોય છે. વારે-તહેવારે મુખ્યમંત્રીને મળવા જતાં નેતાઓ સ્પોટર્સ સંકુલને લઇ રજૂઆત કરે અને વહેલી તકે જૂનાગઢનાં યુવા ખેલાડીઓને મેદાન મળે તે જરૂરી બન્યું છે.
- Advertisement -
શું-શું તૈયાર થઇ ગયું હતું?
સ્પોટર્સ સંકુલમાં એથ્લેટીક ટ્રેક, ફૂટબોલ મેદાન,સ્વિમીંગ પુલ, બાસ્કેટબોલ, વોલીબોલ, ખો-ખો મેદાન, ટેનિસ કોર્ટનું કામ પૂર્ણ થઇ ગયું હતું. પરંતુ ખેલાડીઓ ઉપયોગ કરે તે પહેલા વૃક્ષો અને ઘાસ ઉગી નિકળ્યું છે.


