ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
સોરઠીયા પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત શ્રી શ્રીબાઈ નવરાત્રી મહોત્સવમાં એક અનોખી સેવા ભાવના સાથે ઉજવાયો. સમાજના આ ભાવનાત્મક સંકલ્પ અંતર્ગત, શાંતવન વિકલાંગ વિકાસ મંડળ, જુનાગઢની દિવ્યાંગ દીકરીઓના હાથે દીપ પ્રાગટ્ય કરીને મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પવિત્ર ક્ષણમાં ઉપસ્થિત સૌની આંખોમાં આનંદના અશ્રુ છલકાઈ ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે સમાજના અગ્રણીઓ જેવા કે વિનુભાઈ ચાંડેગરા, વાલજીભાઈ જેઠવા, પી.એ. ટાંક, દિનેશભાઈ સોલંકી અને અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગ દીકરીઓએ દીપ પ્રાગટ્ય બાદ સૌપ્રથમ રાસ રમીને માતાજીની આરાધના કરી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિરસથી ભરાઈ ગયું હતું. દીપ પ્રાગટ્ય બાદ, શ્રીજી ફાર્મના વિશાળ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત જ્ઞાતિજનોએ શ્રીબાઈ માતાજીના ભવ્ય પંડાલના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને રાસની રમઝટ બોલાવી હતી.
આ વર્ષે મહોત્સવ માટે થયેલી અદભૂત સજાવટ, આકર્ષક પંડાલ અને સુવ્યવસ્થિત આયોજનની સૌએ પ્રશંસા કરી હતી. સમાજના યુવા કાર્યકરોના પરિશ્રમ અને મહિલાઓના સહયોગથી આ મહોત્સવની શરૂઆત ભક્તિ, આનંદ અને સેવા ભાવના સાથે થઈ હતી. આ પ્રસંગે સમાજમાં સહઅસ્તિત્વ અને સેવા ભાવનાનો સંદેશ પ્રસરાવ્યો. આયોજનને સફળ બનાવવા ભાવેશભાઈ ખોલીયા, સંજય બુહેચા, કલ્પેશભાઈ જાદવ, અને મુકેશભાઈ પાણખાણીયાએ સહયોગ આપ્યો હતો.