પોરબંદર જી.પંચાયતના પૂર્વ પ્રમુખે રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રીને રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મંજુબેન વનરાજભાઈ કારાવદરા દ્વારા રાજ્ય સરકારના જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી તેમજ પોરબંદર જિલ્લાના પ્રભારી કુવરજીભાઈ બાવળીયાને રજૂઆત કરી જણાવ્યું છે કે આ વર્ષ દરમિયાન ચોમાસામાં છેલ્લા બે માસથી વરસાદ ન પડ્યો હોવાના કારણે ચોમાસામાં મગફળી અને અન્ય પાકમાં પાણીની જરૂર પડવાથી ખેડૂતો પાસે જે સિંચાઈ સ્ત્રોત હતા, તેમાં કુવા તળાવ અને વોકળા માંથી ખેડૂતોએ પાણી લઈને હાલ ચોમાસાનો પાક પકવે છે, પાણી પૂરું પાડવાથી કૂવાના તળ નીચે ગયા છે, અને ખાલી થઈ ગયા છે. વર્તુ બે ડેમ માંથી તો ચોમાસાના પાક માટે પાણી છોડવું પડેલ હતું. જેથી વર્તુ ડેમ પણ ઘણો ખાલી થઈ ગયો છે. ધોકડવા ડેમ પહેલેથી જ અડધો ખાલી છે, તેવી જ રીતે વર્તુ ઘણો ખાલી થઈ ગયો છે. અને અન્ય તળાવ ખાલી થવા લાગ્યા છે. જેથી ખેડૂતોને હાલની સિઝન શિયાળુ પાક માટે પાણીની ખૂબ જરૂરિયાત છે. આ પાક માટે પાણી પુરૂ પાડવા સુજલામ સુફલામ યોજના મારફત વગર પેમેન્ટ પોરબંદર વિસ્તારમાં આવેલ ડેમો અને તળાવો ભરવામાં આવે તેવી માંગ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે કરી છે. ખેડૂતોની પરિસ્થિતિ નબળી હોય, ચોમાસાના પાક પકવવા માટે મોટા ખર્ચ થયા છે. આર્થિક રીતે ખેડૂતો નબળા છે, એ જ રીતે પંચાયતોને પણ કોઈ આવક ન હોય, જેથી આ ડેમો તળાવો વગર પેમેન્ટ વહેલી તકે સુજલામ સુફલામ પાઇપલાઇન નર્મદા ડેમમાંથી આવે છે, તેના મારફત આ તળાવો અને ડેમો ભરવામાં આવે તેવી માંગ મંજુબેન કારાવદરાએ કરી છે. જેથી ખેડૂતોને શિયાળુ પાકનું વળતર મળી શકે, જેથી પાણીથી ભરવા જણાવ્યું છે.