મહારાષ્ટ્રમાં ભાષાનો ઉગ્ર વિવાદ
ભાષા એ માત્ર શબ્દોનો સમૂહ નથી, એ એક સંસ્કૃતિનું હૃદય છે, ઓળખનું ગૌરવ છે. પરંતુ જ્યારે આ જ ભાષા રાજકારણના રણમેદાનમાં શસ્ત્ર બની જાય ત્યારે તે એકતાના ગીતને બદલે વૈમનસ્યની આગ ભડકાવે છે, વિભાજનનું કારણ બની શકે છે. મહારાષ્ટ્રમાં તાજેતરનો ભાષાકીય વિવાદ, જેમાં શાળાઓમાં હિન્દીને ફરજિયાત કરવાની નીતિ વિરુદ્ધ શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) એ આક્રમક વલણ અપનાવ્યું, એ આ વાતનું જીવંત ઉદાહરણ છે. મહારાષ્ટ્રમાં ખાસ કરીને તાજેતરનો હિન્દીને શાળાઓમાં ફરજિયાત કરવાનાં પ્રસ્તાવનો વિરોધ, એક જટિલ રાજકીય અને સામાજિક મુદ્દો છે. આ વિવાદના મૂળમાં ભાષાકીય અસ્મિતા તેમજ પ્રાદેશિક ગૌરવની આડમાં રાજકીય એજન્ડા ગૂંથાયેલા છે. આ વિવાદના તાણાવાણામાં ભૂતકાળના પડઘા, વર્તમાનની ઉગ્રતા, અને ભવિષ્યની આશંકાઓ ગુંજે છે. આ વિવાદે માત્ર મરાઠી ભાષાના ગૌરવનો પ્રશ્ન ઉભો કર્યો નથી, પરંતુ ભૂતકાળના ભેદભાવના બીજને પણ ફરીથી ઉજાગર કર્યા છે.
- Advertisement -
વિવાદનો ઉદય: હિન્દીનો વિવાદાસ્પદ પ્રવેશ
2025ના પ્રારંભે, મહારાષ્ટ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (ગઊઙ) 2020ના ત્રણ ભાષા ફોમ્ર્યુલા હેઠળ ધોરણ 1થી 5 સુધી હિન્દીને ફરજિયાત વિષય તરીકે લાગુ કરવાનો આદેશ જારી કર્યો. આ નિર્ણયથી મરાઠી અસ્મિતાના ઘડે ઘા લાગ્યો, જાણે કોઈએ મહારાષ્ટ્રના હૃદયમાં પર ઘા કર્યો હોય એમ, શિવસેના (યુબીટી) નેતા ઉદ્ધવ ઠાકરે અને એમએનએસના રાજ ઠાકરે રસ્તા પર ઉતરી આવ્યા. ઉદ્ધવનો સૂર નરમ હતો: મરાઠીનું અપમાન સહન નહીં કરી લેવાય! પણ રાજ ઠાકરેએ તો જાણે રણશીંગુ ફુક્યું કે શાળાઓ હિન્દી ન શીખવે, દુકાનો હિન્દી પુસ્તકો ન વેચે! આ ઉગ્ર દબાણે 29 જૂન, 2025ના રોજ સરકારને નીતિ પાછી ખેંચવા ફરજ પાડી. સરકારની પીછેહઠને રાજ ઠાકરેએ મરાઠી માનુષની એકતાની વિજયગાથા ગણાવી, અને 5 જુલાઈએ મુંબઈમાં મરાઠી વિજય દિવસ રેલીની જાહેરાત કરી છે જે મંચ પર ઉદ્ધવ ઠાકરે જોડાશે અને લગભગ, બે દાયકામાં પ્રથમ વખત ઠાકરે પરિવારના આ બે સૂરમાઓ એકસાથે દેખાશે. આ પુનર્મિલન માત્ર ભાષાકીય ગૌરવની લડાઈ નથી, પણ આગામી ઇખઈ ચૂંટણીઓ માટે રાજકીય ગઠબંધનનો પડઘો પણ હોઈ શકે છે, જે ભાજપની રણનીતિને પડકારે છે. તમિલનાડુના રાજકારણમાં ઉખઊં અને અઈંઅઉખઊં જેવા પક્ષોનું લાંબા ગાળાનું વર્ચસ્વ હોય કે મહારાષ્ટ્રમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું સત્તા ધરી હોય, મોટાભાગના રાજ્યોના રાજકારણમાં, સ્થાનિક અસ્મિતાનું રાજકારણ રાજકીય પક્ષો માટે મુખ્ય રાજકીય હથિયાર રહ્યું છે. આઝાદી પછીથી તમિલનાડુ હિન્દી વિરોધી રહ્યું છે તે જ રીતે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (ખગજ) એ રાજકારણમાં પ્રવેશતાની સાથે જ બિન-મરાઠી લોકો સામે આક્રમક વલણ અપનાવ્યું હતું, જેનો ફાયદો તેને પહેલી ચૂંટણીમાં પણ મળ્યો હતો. અલબત્ત,પાછળથી મરાઠી અને બિન-મરાઠી (મોટાભાગે હિન્દી ભાષી)નું રાજકારણ નબળું પડવા લાગ્યું અને રાજ ઠાકરેનો પક્ષ પણ નબળો પડ્યો. મહારાષ્ટ્રમાં ત્રિભાષી નીતિ લાગુ કરવા માટે, રાજ ઠાકરેની મનસે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (ઞઇઝ)
શિવસેના-મનસે દ્વારા, દુકાનના પાટિયાં મરાઠીમાં લખવાથી માંડીને મરાઠી બોલવાનું દબાણ કરવામાં આવતું હોવાની નાની મોટી ઘટનાઓ બનતી રહી છે
- Advertisement -
એ મરાઠી રાજકારણના મેદાનમાં પોતાને ફરીથી સ્થાપિત કરવાની અને ભાજપ અને તેના સાથીપક્ષોને ઘેરવાની રાજકીય તક દેખાય છે. ફરી મુદ્દા પર આવીએ તો, મહારાષ્ટ્રમાં હિંદી ભાષા વિવાદના પડઘા હજુ તો શમ્યા નહોતા ત્યાં ફરી આ આક્રોશની ચિનગારીએ આગ પકડી. મુંબઈના મીરા રોડમાં એક મારવાડી વેપારી, બાબુલાલ ખીમજી ચૌધરી, મરાઠી ન બોલવાના ‘ગુના!’માં એમએનએસના કાર્યકર્તાઓના ગુસ્સાનો ભોગ બન્યા. એક વાયરલ વીડિયોમાં બાબુલાલે કહ્યું કે, મહારાષ્ટ્રમાં બધી ભાષાઓ બોલાય છે! એ સાથે જ તેની ધોલાઈ થતી નજરે આવે છે. અંધેરીના ડી-માર્ટમાં એક કર્મચારીને પણ આ કારણે જ ઉપરોક્ત પક્ષના કાર્યકરો દ્વારા માર પડ્યો. આ હિંસાના કારણે મીરા-ભાયંદરના વેપારીઓનો રોષ ભભૂકી ઉઠ્યો દુકાનોના શટર બંધ કરી દેવામાં આવ્યા!
વિવાદનું મૂળ: આ સંઘર્ષના મૂળમાં મરાઠી અસ્મિતાનો ધખધખતો અગ્નિ રહેલો છે. મુંબઈ, જે વૈવિધ્યનું વિશ્વનગર છે, ત્યાં ગુજરાતી, મારવાડી, દક્ષિણ ભારતીય, અને ઉત્તર ભારતીય સમુદાયોનું સહઅસ્તિત્વ ખીલે છે. પરંતુ શિવસેના અને એમએનએસે હિન્દીને બહારની ભાષા તરીકે નિશાન બનાવી, મરાઠીભાષાને મહારાષ્ટ્રનો ગૌરવ ધ્વજ બનાવી દીધી! રાજ ઠાકરેનો ઉદ્ગાર, મરાઠીનું અપમાન સહન નહીં,જાણે કોઈ ઐતિહાસિક વલણને ફરી જગાડવામાં આવતું હોય એમ અત્યારે તો કાર્યકર્તાઓમાં ઝનૂન છે. ઇતિહાસમાં જઈએ તો, આ ઉગ્રતાના બીજ ભૂતકાળમાં; 1960ના દાયકામાં રોપાયા. આ વિવાદના મૂળ શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેની નીતિઓમાં રહેલા છે, જેમણે 1966માં “મરાઠી માનુષ”ના હિતોની રક્ષા માટે શિવસેનાની સ્થાપના કરી. તેમનો ઉદ્દેશ મુંબઈમાં મરાઠી લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનો હતો. આ સમયે મુંબઈના આર્થિક વિકાસમાં ગુજરાતી અને દક્ષિણ ભારતીય સમુદાયોનું વર્ચસ્વ હતું એને મુદ્દો બનાવી, મરાઠી યુવાનોની નોકરીઓ અને તકો છીનવાતી હોવાનો આક્ષેપ શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેએ ઉઠાવ્યો. આ આક્ષેપે મરાઠી માનુષના ખ્યાલને જન્મ આપ્યો- જે એક શક્તિશાળી રાજકીય હથિયાર બન્યું. એક એવો ખ્યાલ, જે આજે પણ મહારાષ્ટ્રના રાજકીય આકાશમાં ધગધગે છે. આ ખ્યાલ એક બળવાખોર ચેતના હતી, જે મરાઠી ગૌરવનો દીવો પ્રગટાવતી હતી, પરંતુ સાથે બિન-મરાઠીઓ સામે ભેદભાવની ચિનગારીઓ પણ ચાંપતી હતી.
બાલાસાહેબનું બળવાખોર સ્વપ્ન: 1966માં બાલાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી, જે મરાઠી ગૌરવની બળવાખોર ઓળખ બની. તેમના ‘સામના’ અખબારના ચોટદાર લેખો, અખબારમાં બિન-મરાઠી સમુદાયો, ખાસ કરીને દક્ષિણ ભારતીય અને પછીથી ઉત્તર ભારતીયો, વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા. આ લેખોમાં મરાઠી લોકોને તેમના હક્કો માટે લડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. વળી, બાળાસાહેબના જ્વલંત ભાષણો કે જેમાં તેમણે મરાઠી ગૌરવ અને “બહારના લોકો” દ્વારા થતા કથિત અન્યાયની વાત કરી, આ ભાષણોએ લોકોના મનમાં ઊંડો પડઘો પાડ્યો. તેમના કાર્ટૂનો અને વ્યંગ્યો દ્વારા પણ તેમણે લોકોનું ધ્યાન ખેંચ્યું. ઉપરાંત, શિવસેનાએ નોકરીઓ, આવાસ અને આર્થિક તકો જેવા સ્થાનિક મુદ્દાઓને “મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી”ના રંગમાં રજૂ કરીને લોકોની લાગણીઓને ઉશ્કેરી. સાથોસાથ છત્રપતિ શિવાજી મહારાજ જેવા ઐતિહાસિક મરાઠી નાયકોના પ્રતીકોનો ઉપયોગ કરીને મરાઠી ગૌરવને ઉજાગર કર્યું. આનાથી મરાઠી લોકોમાં એકતા અને આત્મવિશ્વાસની ભાવના જન્મી. આવી વીરત્વભરી આકૃતિને પ્રતીક બનાવીને તેમણે મરાઠી હૃદયોમાં “મરાઠી માનુષ”ના ખ્યાલને જડબેસલાક રોપ્યો, મરાઠી અસ્મિતાનો એવો દીવો પ્રગટાવ્યો કે જે ત્યારપછીની મહારાષ્ટ્રની રાજનીતિમાં હોટકેક તો સાબિત થયો પણ બિન-મરાઠીઓ સામે ભેદભાવની ચિનગારીઓ ચાંપતો ગયો. આ નીતિએ બિન-મરાઠી સમુદાયો, ખાસ કરીને ઉત્તર ભારતીય સ્થળાંતરીઓ, વિરુદ્ધ ભેદભાવને પણ વેગ આપ્યો. બાળાસાહેબની આક્રમક નીતિએ શિવસેનાને મુંબઈ અને થાણેમાં લોકપ્રિય બનાવી, પરંતુ તેની સાથે હિંસા અને વિવાદો પણ જન્મ્યા.
1970ના દાયકામાં, શિવસેનાના કાર્યકર્તાઓએ દક્ષિણ ભારતીયોની ઉડુપી હોટેલ્સ પર હુમલા કર્યા, એવો દાવો કરીને કે તેઓ મરાઠી યુવાનોની તકો ઝુંટવે છે. 2000ના દાયકામાં ઉત્તર ભારતીય સ્થળાંતરીઓ (ખાસ કરીને યુપી-બિહાર) વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી .2008માં, શિવસેનાના કાર્યકર્તાઓએ ઉત્તર ભારતીય રેલવે પરીક્ષાર્થીઓ પર હુમલો કર્યો, આવી ઘટનાઓએ મહારાષ્ટ્રની વૈવિધ્યસભર ઓળખને નુકસાન પહોંચાડ્યું. પરીક્ષાર્થીઓ પરના હુમલાઓની રાષ્ટ્રવ્યાપી આલોચના થઈ. આગળ જતાં, બાળાસાહેબનો આ વારસો એમએનએસે જાળવ્યો. 2025માં, રાજ ઠાકરેએ બેંકોમાં મરાઠીના ઉપયોગ માટે ઝુંબેશ ચલાવી, જેમાં યસ બેંકના કર્મચારીઓને મરાઠી બોલવા દબાણ કરાયું. આ ઉપરાંત, શિવસેના- મનસે દ્વારા, દુકાનના પાટિયાં મરાઠીમાં લખવાથી માંડીને મરાઠી બોલવાનું દબાણ કરવામાં આવતું હોવાની નાની મોટી ઘટનાઓ બનતી રહી છે. ભાજપ અને મહારાષ્ટ્ર: ભૂતકાળથી લઈને હજુ 2019 સુધી ભારતીય જનતા પાર્ટીએ શિવસેનાના મરાઠી માનુષ એજન્ડાને પોતાના રાષ્ટ્રવાદી રથ સાથે જોડ્યો હતો. 1984થી 2019 સુધીના ગઠબંધનથી ભાજપે મુંબઈ અને થાણેના મરાઠી મતદારોનો ટેકો મેળવ્યો. 2019માં ગઠબંધન તૂટ્યું, તો એકનાથ શિંદેના શિવસેના જૂથ સાથે નવો સંબંધ ગૂંથાયો, જેણે 2024ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપને મજબૂતી આપી. આજે, ભાજપ આ વિવાદને હિન્દુત્વના રંગે રંગે છે. ભાજપના એક નેતા નીતિષ રાણેનું કથન, મરાઠી ન બોલવા બદલ હિન્દુને માર્યો, પણ મુસલમાનને મારી જુઓ!
આ કથન હિન્દુત્વની રણનીતિનું ચિત્ર રજૂ કરે છે. આ શબ્દો ભાષાના વિવાદને ધાર્મિક રંગ આપે છે. બીજી બાજુ, ભાજપના નેતાઓ વળી એમ પણ બોલે છે કે, આ મુદ્દે હિંસાનો વિરોધ છે પણ મહારાષ્ટ્રમાં રહેવું હોય તો મરાઠી આવડવું જોઈએ. મરાઠી ગૌરવને ટેકો આપવાની આ નીતિ ભાજપની રાજકીય ચાલાકી દર્શાવે છે, જે મરાઠી મતદારોનો વિશ્વાસ જાળવી રાખે છે, સાથે હિન્દુત્વનો રાગ આલાપે છે. છેલ્લે, બાળાસાહેબનો વારસો એક શક્તિશાળી ચેતના હતી, પરંતુ તેની આગે સૌના હૃદયોને એક કરવાને દૂર કર્યા છે ત્યારે આજે, જ્યારે શિવસેના(ઉદ્ધવ) અને એમએનએસ આ વારસાને આગળ ધપાવે છે, ત્યારે ચિંતાની વાત તો એ છે કે આ ગૌરવની લડાઈ આપણી વચ્ચેની દીવાલોને વધુ મજબુત કરશે. બીજું, મહારાષ્ટ્રમાંથી ગુજરાતી-મારવાડી- ઉતરભારતીય કે દક્ષીણ ભારતીયોને બાદ કરી નાખવામાં આવે તો(જે કદી શક્ય નથી) તેના વિકાસ સામે કેવડા પડકાર છે એ રાજનેતાઓ સમજે જ છે પરંતું ફક્ત વોટબેંક માટે તેનો ઉપયોગ કરે છે. ભાષા એક શસ્ત્ર નહીં, પુલ છે, જે હૃદયોને જોડે છે, પણ મહારાષ્ટ્રમાં એ જ ભાષાના નામ પર ખાડા ખોદાઇ રહ્યાં છે. મહારાષ્ટ્રની વૈવિધ્યસભર ધરતી પર આ ઝેર પ્રસરી રહ્યું છે તેનો અટકાવ જરુરી છે. દુ:ખ તો એ પણ છે કે વાણીને મા સરસ્વતિની કૃપા માનનાર, વિશ્વને ’વસુધૈવ કુટુંકમ’ની વિભાવના આપનારી આ ભૂમિના સંતાનોને, તેમના નેતાઓ આજે અંદરોઅંદર ભાષા નામે લડાવી રહ્યાં છે!