અષાઢે વરસતા વરસાદે જગન્નાથજીની ભાવપૂર્વક ભવ્ય ઉજવણી
જૂનાગઢ, પરબધામ, તોરણીયા મજેવડી સહિતના ધર્મસ્થાનોમાં ધાર્મિક કાર્યો
જગન્નાથજીની નગરચર્ચા, હોમહવન, મહાપ્રસાદ સાથે ઉજવણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ શહેર સહીત સોરઠ પંથકમાં આવેલા ધાર્મિક સ્થળો પર આજે અષાઢે વરસતા વરસાદે અષાઢીબીજનું ભવ્ય ઉજવણી જોવા મળી હતી અને સમગ્ર સોરઠ પંથક જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજી ઉઠયો હતો અને ધાર્મિક કાર્યક્રમો સાથે જગન્નાથજી નગરચર્ચાએ નીકળ્યા હતા. જેમાં પરબધામ, તોરણીયા, મજેવડી સહીત જૂનાગઢમાં અષાઢીબીજના પાવન પર્વે યજ્ઞ, મહાપ્રસાદ તેમજ શોભાયાત્રા સાથે લોકમેળાનું આયોજન કરાયું છે. જેમાં ભેસાણન પરબધામ અને તોરણીયા ખાતે ભાવિકો ખુબ મોટી સંખ્યમાં ઉમટી પડ્યા હતા.
શહેરમાં અષાઢી બીજ નિમિત્તે જગન્નાથ મંદિર ખાતે આજે વિવિધ ઉજવણી સવારથી કરવામાં આવી રહી છે. જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા 26 જુનથી કાર્યક્રમની ઉજવણી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં 26 મહીલાઓ દ્વારા જળયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે મહીલાઓ દ્વારા પવિત્ર નદીઓના જળ એકઠા કરી વાજતે ગાજતે મંદિર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ યાત્રા ખરેડશ્વર મહાદેવ મંદિરથી જગન્નાથ મંદિર સુધી વિવિધ સત્સંગ મંડળની 150થી વધુ બહેનો દ્વાર જળયાત્રા કાઢવામાં આવી હતી. તેમજ મહીલાઓ દ્વારા આ જળમાં અસોડીયા પવિત્ર નદીઓના જળ તથા સુગંધી દ્રવ્યો એકઠા કરવામાં આવ્યા હતા. ઉપરાંત એકઠા થયેલ જળથી ભગવાન જગન્નાથજીનું અષાઢીબીજના આજે સવારે અમૃત સ્નાન કરવામાં આવ્યું હતું. અને અમૃત સ્નાથ બાદ ભગવાન જગન્નાથજીને શ્રૃંગાર કરાયો હતો અને મહાઆરતી પણ ઉતારવામાં આવી હતી.જયારે બપોરના સમયે પહિંદ વિધિ બાદ જગન્નાથજી નગરચર્ચા કરવા નીકળ્યા હતા જેમાં રથયાત્રાના રૂટ પર 100 કિલો પ્રસાદના 1 હજાર પેકેટ પ્રસાદીરૂપે ભાવિકોને વિતરણ કર્યા હતા.
ભેસાણ નજીક આવેલ સતદેવીદાસ અમરદેવીદાસ પરબધામ ખાતે અષાઢીબીજના પાવન પર્વે જગ્યાના મહંત કરસનદાસબાપુની નિશ્રામાં અષાઢીબીજની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં લોકમેળાનું આયોજન સાથે યજ્ઞ અને ધાર્મિક કાર્યો સાથે વિશાળ ભોજન શાળામાં ભાવિકોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ગત રોજ ભારે વરસાદના કારણે લોકમેળો બંધ રહ્યો હતો જયારે આજે બીજના દિવસે સવારથી ભાવિકોનો ઘસારો જોવા મળ્યો હતો અને સમાધિ સ્થળે પૂજન અર્ચન સાથે બીજની ઉજવણી કરાઈ હતી.
- Advertisement -
બીજી તરફ તોરણીયા નકલંક ધામના મહંત રાજેન્દ્રદાસ બાપુની નિશ્રમાં અષાઢીબીજની ધામધૂમ પૂર્વક ઉજવણી થાય છે બંને જગ્યા પર સંતવાણી સહીત ધાર્મિક માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. એજ રીતે સંત શુરા, અને સતીઓની પાવનકારી અને ગરવા ગઢ ગિરનારી ગોદમાં વસેલા અને ભક્ત કવિ નરસિંહ મહેતાની પાવનકારી ભૂમિ અને ઐતિહાસિક શહેર જૂનાગઢ તાલુકાના મજેવડી ગામમાં શ્રી સમસ્ત લુહાર જ્ઞાતિ સંત શિરોમણી શ્રી દેવતણખી દાદા અને શ્રી લીરલબાઈ માતાજી ચેતન સમાધિ સ્થાનક મજેવડી તેમજ શ્રી લીરલબાઈ માતાજી (જન્મસ્થળ) અને શ્રી દેવાયત પંડિત (પરચાનું સ્થળ) સ્થિત 114મો અષાઢી બીજ મહોત્સવ અને રથયાત્રા સાથે બીજમહોત્સવ ઉજવણી કરાઈ હતી.