જવાહર ચાવડા ભાજપ સામે પડતાં ભારે ચર્ચા
કોંગ્રેસ તો ઠીક ભાજપના કેટલાક નેતાઓ પણ અંદરથી ખુશ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
- Advertisement -
ભાજપે ગુજરાતમાં સતામાં રહેતા માટે દર વર્ષે અથવા ચૂંટણીના સમયે ભરતી મેળો યોજે છે અને કોંગ્રેસના નેતાઓને પોતાના સામે કરી લે છે તાજેતરમાં લોકસભાની ચૂંટણી વખતે આ માહોલ જોવા મળ્યો હતો. પરંતુ લોકસભાની ચૂંટણી પુરી થતા જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતાઓ ભાજપ સામે જ શીંગડા ભરાવ્યા છે અને સૌરાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. થોડા મહિના મહેલા સરકારી આગેવાન અને મુળ કોંગ્રેસી જયેશ રાદડીયા ભાજપ સામે પડયા હતા અને ભાજપની નામોશી થઇ હતી. પરંતુ ભાજપ તેમની સામે કશુ જ કરી શકયુ ન હતુ. ત્યારે ફરી એક વખત મુળ કોંગ્રેસી અને ભાજપમાં આવેલા જવાહર ચવાડાએ છેલ્લા કેટલાય દિવસથી ભાજપ સામે બાયો ચઢાવી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા જિલ્લા ભાજપ સામે પડ્યા છે અને ખાસ કરીને જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલને નિશાન બનાવ્યો છે. જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને ખુલ્લા પાડયા છે એટલુ જ નહીં જિલ્લા ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાના પુરાઓ પણ જાહરે કર્યા છે. છેલ્લા ચાર દિવસથી ચાલતી રાજકીય ખેંચતાણથી જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભારે ચર્ચા જાગી છે ત્યારે ભાજપનું એક જુથ મનોમન ખુશ પણ છે. આયાતી નેતાઓ સામે હંમેશા બોલનારા ભાજપના નેતાઓ આ વિવાદથી ખુશ થયા છે તેમજ ચર્ચા પણ કરી રહ્યા છે કે, કોંગ્રેસમાંથી આવેલા આ ભાજપના નેતાઓ હવે ભાજપ માટે ગળાનો ગાળીયો બન્યા છે. કેમ કે, ભાજપ એક શિસ્તબઘ્ધ પાર્ટીની છાપ ધરાવે છે. ત્યારે ખુલ્લેઆમ કોંગ્રેસમાંથી આવેલા ભાજપીઓ ભાજપ સામે મોરચો માંડે છે અને ભાજપની આબરૂના લીરા ઉડાડે છે ત્યારે આ નેતાઓ સામે ભાજપ કશુ કરી શકતી નથી લાંબો સમય ભાજપમાં રહ્યા બાદ ભાજપની કેટલી ચોટીઓ તેમના હાથમાં હોવાની પણ ચર્ચાઓ થઇ રહી છે. ભાજપ પહેલાતો ઘીના ઠામમાં ઘી પાડવાનો પ્રયાસ કરે છે. કોગ્રેસમાંથી આવતા નેતાઓ ભાજપને સમયાંતરે પાઠ ભણાવાવનું ચાલુ રાખે છે.
ભાજપ વર્ષોથી ગુજરાતમાં રાજ કરે છે. તેમજ ગુજરાતમાંથી કેન્દ્ર સુધી ભાજપની સરકાર છે છતા પણ ચૂંટણી વખતે ભાજપને કોંગ્રેસના નેતાઓની જરૂર પડે છે આ નેતાઓ આગળ જતા ભાજપના માથાનો દુ:ખાવો બની જાય છે છતાં પણ ભાજપ આમાંથી બોધપાઠ લેતી નથી અને ભરતી મેળાઓ શરૂ રાખે છે. કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવા માટે ભાજપને જેટલો સમય લાગ્યો નથી એથી ઓછા સમય આ પ્રકારની પ્રક્રિયા ચાલી તો કોંગ્રેસને સત્તામાં આવતા લાગશે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે ખુદ કોંગ્રેસ પાસે હાલ આવા કોઇ નેતા નથી કે, જે આનો લાભ ઉપાડી શકે.
શું બાહુબલી કૉંગ્રેસીઓનું રાજકારણ પુરું કરવાની ચાલ ?
ભાજપ અમુક બેઠકો પર જીતી શકે નહી અથવા જીતવુ મુશ્કેલ હોય છે આવા સંજોગોમાં શું ભાજપ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં ભેળવી તેમનું રાજકારણ ખતમ કરવાની ચાલ રમે છે ? સોરઠની વાત કરીએ તો વેરાવળ બેઠક ઉપર જશાભાઇ બારડનું રાજ હતુ તેમને ભાજપમાં ભેળવી હાલ જશાભાઇને સત્તાથી દૂર કરાયા છે તેમજ વિસાવદર બેઠકમાં હર્ષદ રિબડીયા પાવરફુલ નેતા હતા હાલ હર્ષદ રિબડીયા કયાંય જોવા પણ મળતા નથી ત્યારે જવાહરભાઇ ચાવડાને ભાજપમાં ભેળવી અને ભેળવ્યા બાદ ફરી તેના જ હરીફ ઉમેદવાર અરવિંદ લાડાણીને ભાજપમાં જીતાડી જવાહરભાઇ સામે જ એક બીજો ઉમેદવાર ઉભો કરી દીધો છે. આવા અનેક ઉદાહરણો કોંગ્રેસ પાસે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ સુધરતા નથી અને ભાજપમાં આવવા આતૂર રહે છે.
- Advertisement -
કિરીટ પટેલે ભૂલ સ્વીકારી, કાર્યવાહી કરો: જવાહર ચાવડા
મારા ભાજપ કાર્યાલય સબંધિત પત્રના જવાબમાં કિરીટભાઇ પટેલએ સ્પષ્ટતા કરતા ઇમ્પેકટ ફી ભરવાનોસ્વીકારકરીઅને પોતાની ભૂલ કબુલી છે પરંતુ વ્યક્ગિત તુમાખી અને આડંબરમાં કરેલ ભુલ પાર્ટી પર થોપવાની પેરવી સ્વીકાર્ય નથી. આ સબબ ભરવાનો દંડ કે, શિક્ષાત્મક પગલા માત્ર તેમના પર જ લાગુ પડે છે. આમાં ભાજપનો પાયાનો કાર્યકર કે શીર્ષ નેત્રૃત્વ કોઇપણ રીતે જવાબદાર નથી આ મુદ્દા પરત્વે ઘ્યાન દોરવાનો હેતુ માત્ર પક્ષને કોઇપણ ગેરકાયદેસર કૃત્યમાં જોડાવાથી દૂર રાખવાનો જ હતો અને છે. આપ સહુ મારા તત્કાલીન કલેકટરને લખાયેલા પત્રને ઘ્યાથી વાંચશો તો જણાશે કે મારો હેતુ કોઇપણ સન્માનનીય વ્યક્તિને આ ગેરકાયદેસર કૃત્યથી દુર રાખવાનો જ હતો.