આગામી 24 કલાકમાં ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ
ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર : ઉત્તર ભાગમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં દેખાઈ
ખાસ-ખબર સંવાદદાતા
દેશના ઉત્તર ભાગમાં કેટલાક દિવસથી હિમવર્ષા થઈ રહી છે. તેની અસર હેઠળ દેશના તમામ ભાગોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસોથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગરમાં બે દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. સોમવારે સિઝનમાં પ્રથમ વખત અમદાવાદનું લધુત્તમ તાપમાન ઘટીને 14.6 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે 14 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ શકે છે.
આ વર્ષે શિયાળો મોડો શરૂ થયો છે. પરંતુ હવે શિયાળા આવનારા સમયમાં પરચા બતાવો અને જબરદસ્ત ઠંડી પડે તેવી શક્યતાઓ છે. છેલ્લા બે દિવસથી સતત પારો ગગડી રહ્યો છે. જેના કારણે ઠંડી વધી રહી છે. પવનની સરેરાશ ઝડપ પણ 6થી 8 કિ.મી. પ્રતિ કલાક રહેતાં પરોઢે અને મોડી રાત્રે જોરદાર ઠંડીનો અહેસાસ થાય છે. ગુજરાતમાં મોટાભાગના શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. જેમાં ગાંધીનગર, કેશોદમાં 14 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ગત રાત્રિએ અમદાવાદમાં 14.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. સોમવારે રાજ્યમાં અમરેલી-જુનાગઢમાં 14.8, નલિયામાં 15.6, વડોદરામાં 16, રાજકોટમાં 17.3, ભાવનગરમાં 17.5, ડીસામાં 17.6, ભૂજમાં 20.6, સુરતમાં 19.8 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Advertisement -



