કાર્તિક મહેતા
બે ચાર સમાચારો સાથે સાથે આવ્યા છે અને બધા એકબીજા સાથે સંકળાયેલા છે. અમેરિકામાં બર્ફીલા તોફાને તાંડવ કર્યું છે. અમેરિકાના થનાર પ્રમુખ ટ્રમ્પ વળી કેનેડા ને અમેરિકાનો ભાગ દર્શાવતો નકશો ટ્વીટર (હવે એક્સ) ઉપર શેર કરે છે. વળી ભારતમાં એક ઉદ્યોગ ગૃહના વરિષ્ઠ કારભારી બોલ્યા કે ભારતમાં યુવાનોએ અઠવાડિયાના નેવું કલાક કામ કરવું જોઈએ. આ બધા સમાચારો આમ તો સંકળાયેલા લાગે નહિ પણ શાંતિથી જુઓ તો સંકળાયેલા દેખાય છે. વર્ષ 2023-24માં ભારતે ચીનને એક વધુ બાબતે પાછળ છોડી દીધું .વસ્તી બાબતે તો આપણે એમને પાછળ છોડી જ દીધા , પણ ગત વર્ષે ચીન કરતા પણ વધુ વિદ્યાર્થીઓ ભારતથી અમેરિકા ભણવા ગયા. ભારત સહુથી વધુ વિદ્યાર્થીઓ અમેરિકા મોકલતો દેશ બની ગયો. અમેરિકા અને કેનેડા જવા માટે ભારતથી લોકો રીતસર લાઈનો લગાડે છે તે કોઈ ગુપ્ત માહિતી નથી પણ જગજાહેર બાબત છે. અમેરિકા અને કેનેડા જીવવા માટે દુષ્કર પ્રદેશો છે. ત્યાં જીવવું ભારત જેટલું સરળ નથી. ખાસ કરીને દક્ષિણાયન માં (એટલે કે સુર્ય દક્ષિણ તરફ ગતિ કરે ત્યારબાદ, એટલે કે જૂન થી જાન્યુઆરી સુધી) ત્યાં જીવવું ઘણું અઘરું બની જાય છે. પુષ્કળ સ્નો ફોલ, ઠંડી ત્યાં જનજીવન ખોરવી નાખે છે. આમેય ખાસ્સા ઉત્તર અક્ષાસમાં હોવાને લીધે આ બેય દેશોમાં સૂર્યનો પ્રકાશ ત્રાંસો પડે છે. આવા નબળા સૂર્યપ્રકાશ ને લીધે ઘરોમાં હીટર રાખવા એમની જીવન જરૂરિયાત છે. આજે પણ અડધું અમેરિકા ગેસ (કુદરતી ગેસ) દ્વારા પોતાના ઘરોને ગરમ રાખે છે. હજુ પણ ઘણા સ્થળે લાકડા બાળીને ઘરોને ગરમ રાખવાની પ્રથા ચાલે છે. સૂર્યના ત્રાંસા કિરણોને કારણે ત્યાં , ખાસ તો કેનેડામાં, લોકોને અનેક જાતની ખામીઓ આવે છે. લગભગ 1920થી ત્યાં (અમેરિકા અને કેનેડામાં) ખોરાકનું ફોર્તિફિકેશન કરવામાં આવે છે. કેનેડામાં આ કામ મેંડેટરી છે. ફોરતિફિકેશન એટલે ખાદ્ય પદાર્થો જેવાકે દૂધ , અનાજનો લોટ વગેરેમાં ઉપરથી વિટામિન અને ખનીજો વગેરે ઉમેરવા. આમ છતાં ત્યાં લોકોને ખામિજન્ય રોગો ખૂબ વ્યાપક છે. અમેરિકા હ્રદયરોગ , ઓબેસિટી વગેરે અનેક ક્રોનિક (લાંબાગાળાના) રોગોનું કેન્દ્ર છે. આવી પ્રતિકૂળ હાલત હોવા છતાં લોકો ત્યાં જવા ધસારો કરે છે. વળી નવાઈની બાત એ છે કે ત્યાંના શાસકો અને લોકોની પોલિસી રહી છે કે બહારથી આવતા લોકોને આવકારવા. એમને સતત “મેન પાવર” ની જરૂર પડે છે. કેમકે ત્યાંના પ્રતિકૂળ હવામાનમાં રહેલા લોકો લાંબો સમય શ્રમ અને વસ્તી વધારો કરી શકતા નથી.
- Advertisement -
(અપવાદોને બાદ કરતા) . યુરોપમાં પણ સુર્ય કિરણો ત્રાંસા હોવાથી છેક 14મી સદી સુધી યુરોપિયનો સાવ પછાત અવસ્થામાં રહેલા. બ્રિટિશ ટાપુઓ ઉપરથી ગોરાઓ ને અપહરણ કરીને ગુલામ તરીકે લઈ જવામાં આવતા તેનો ઇતિહાસ બહુ ઓછા લોકો જાણે છે. પણ સિલ્ક રૂટ બંધ થતા યુરોપીયનોએ સમંદર ખેડવાનું શરૂ કર્યું અને એમનો સુર્ય ચડ્યો. એમણે એમની ભાષામાં લેટિન શબ્દો ભેળવવા નું શરૂ કર્યું, એમને તડકો મળવા લાગતાં ધીમે ધીમે એમનામાં ખામીઓ દૂર થવા લાગી અને તેઓ એક સ્વસ્થ અને વિજેતા પ્રજા બન્યા. આ પહેલા તેઓ એક બિસ્માર અને ગરીબ પ્રજા હતા. વહાણવટુ કરતા કરતા એમને અમેરિકા નામનો ખન્ડ હાથે લાગ્યો પણ એ પ્રદેશ પણ છેક ઉત્તરમાં હતો અને ત્યાં વસવું પણ પ્રતિકૂળ હતું. ટેકનોલોજીકલ ક્રાંતિ થકી અમેરિકા અને કેનેડાને વસ્વા લાયક પ્રદેશો બનાવવામાં આવ્યા. એમ છતાં હજુ પણ ત્યાં લોકો આવીને વસે એવા ઉજળા સંયોગ નહોતા. પણ વિશ્વયુદ્ધ બાદ અમેરિકાના ભાગ્ય ખુલ્યા. અમેરિકાએ ધીરે ધીરે પોતાના ડોલરને આંતરરાષ્ટ્રીય ચલણ બનાવી દીધું. ચલણ સામે સોનું મૂકવાની પ્રથાને પણ અમેરિકાએ નાબૂદ કરી. પરિણામે હવે જગત આખા ઉપર અમેરિકાનું શાસન આવ્યું. અમેરિકા પાસે રહેલા બેફામ છાપેલા ડોલર નો એમણે ઉપયોગ કરીને ભયાનક ટેકનિકલ ઇન્વેંશન કર્યા. ચંદ્ર્યાત્રા જેવું અશક્ય લાગતું કામ પણ એમણે કર્યું. હવે અમેરિકા અને કેનેડા લોકોને આકર્ષવા લાગ્યા. વિશ્વભરના દેશોમાં અમેરિકાના ફંડિંગ થી ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ બની જેમાંથી તૈયાર થતા લોકો મહદંશે અમેરિકાની સેવા માટે તત્પર રહેતા કેમકે એમને અમેરિકાનો ખણ ખણ તો ડોલર પ્યારો લાગતો. અમેરિકા અને કેનેડા એ એમના મબલખ ડોલર થકી એક કડક અને સુંદર રાજ્ય વ્યવસ્થા પણ સ્થાપિત કરી. પરિણામ આવ્યું એ કે આજે વિશ્વના બાહોશ લોકો હમેશા અમેરિકા જવા આતુર રહે છે. ત્યાંનું હવામાન વગેરે વિષમ હોવા છતાં લોકો ત્યાં અનેક જોખમ ખેડીને પણ વસવા માંગે છે. ભારત સહિત અનેક દેશોમાંથી ત્યાં ભણવા જતા વિદ્યાર્થીઓ છેવટે મોટે ભાગે ત્યાં જ વસી જાય છે. સામે ભારત જેવા દેશો વસવા માટે શ્રેષ્ઠ હોવા છતાં, ભ્રષ્ટાચાર, પ્રદૂષણ, ધાર્મિક ઉન્માદ અને ઓછા શોષ્ણકારી પગારધોરણ ને કારણે બુદ્ધિમાન યુવાનો કેવળ ડોલર અને સ્વચ્છ હવામાન અને સ્વચ્છ વહીવટ થી આકર્ષાઈને અમેરિકા કેનેડા જવા માટે હમેશા તૈયાર રહે છે. આ બુદ્ધિમાન યુવાનો ત્યાં જઇને પેટન્ટ દર્જ કરાવે છે, અનેક સંશોધન કરે છે, ઉચ્ચ પગારો મેળવે છે, અને છેવટે અમેરિકા અને કેનેડા જેવા પ્રતિકૂળ દેશોને પણ રહેવા માટે વધુ લાયક બનાવે છે. જ્યારે આપણા રાજકારણીઓ અને ટુંકી દ્રષ્ટિના લોકો આપણા સુંદર દેશને સતત બદસૂરત બનાવી રહ્યા છે. સૂર્યદેવ એમને સદ્બુદ્ધિ આપે.