અનુભવ છે, ઘરનું બધું કામ પોતે કરી શકીએ એવી ક્ષમતા હોવા છતાં, તે રોજ આપણા માટે આ કામ કરે છે, એટલે આપણે ધીમે ધીમે તેના પર નિર્ભર થઈ જઈએ છીએ. આપણને કામ કરવાનો વાંધો નથી, પરંતુ કમ્ફર્ટઝોનમાં ખલેલ પડવાની બાબત આપણને પરેશાન કરી મૂકે છે. આ નીરવ નિર્ભરતા એક પ્રકારની આધુનિક ગુલામી છે, જ્યાં શરીર નહીં, પરંતુ વિચારો સુવિધાની આદત સાથે બંધાઈ જાય છે, અને થોડો ફેરફાર થતાં જ અનિચ્છા તથા ઝંઝટ લાગે છે. આ સુવિધા મગજને એવું કન્ડિશનિંગ કરવા લાગે છે કે આ કામ હવે મારું નથી, આ તો બીજાને સોંપેલું છે. આપણે જેટલી સુવિધા સ્વીકારીએ, ધીમેધીમે તે એક અધિકાર અને વ્યવસ્થા બની જાય છે, જે ઊંડી નિર્ભરતામાં ફેરવાય છે.
આધુનિક ગુલામી એ એક એવી સ્થિતિ છે જ્યાં વ્યક્તિ શારીરિક રીતે સ્વતંત્ર હોવા છતાં, તેનું મન અને વિચારો સગવડો, આદતો, ટેક્નોલોજી, સુખ-સુવિધા કે સમાજની અપેક્ષાઓને કારણે બંધાયેલા હોય છે. આ ગુલામી દેખીતી સાંકળો કે શારીરિક બંધનોથી નથી, પરંતુ તે મનની ટેવો, બાહ્ય નિર્ભરતા અને સામાજિક દબાણથી ઉદ્ભવે છે.
- Advertisement -
આજના સમયમાં સ્માર્ટફોન વગર રહેવું મુશ્કેલ લાગે, ઈન્ટરનેટની અનુપલબ્ધતામાં અધૂરાપણું અનુભવાય, કે ઘરનાં કામો માટે બીજા પર નિર્ભર રહેવું-આ બધું આધુનિક ગુલામીનાં લક્ષણો છે. ઉદાહરણ તરીકે, ઘણા લોકો માટે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્સ વિના ચલાવવાનો વિચાર પણ અશક્ય લાગે છે, કારણ કે તેઓ ઝડપી અને સરળ વિકલ્પોના આદતી થઈ ગયા છે. એવી જ રીતે, ઓટોમેટિક ગેજેટ્સ જેવા કે વોશિંગ મશીન, ડીશવોશર કે રોબોટિક વેક્યૂમ ક્લીનરની નાની ખામી પણ આપણને અસહાય બનાવી દે છે, કારણ કે આપણે આ સાધનો પર આધાર રાખવાની ટેવ પાડી દીધી છે. આપણે આ સુવિધાઓના એટલા આદતી થઈ જઈએ છીએ કે તેના વિના રૂટિન ખોરવાઈ જાય છે, અને અસ્વસ્થતા કે ગભરામણનો અનુભવ થાય છે. આ ગુલામીનો સૌથી મોટો ખતરો એ છે કે તે આપણી સ્વતંત્ર કાર્યક્ષમતા, નિર્ણય શક્તિ અને આત્મનિર્ભરતાને નબળી પાડે છે.
આ સંદર્ભમાં, સોશિયલ મીડિયાનો નિયમિત બેફામ ઉપયોગ આધુનિક ગુલામીનું એક મુખ્ય સ્વરૂપ છે. રોજ રીલ્સ, ન્યૂઝ ક્લિપ્સ, વાયરલ પોસ્ટ કે ટ્રેનિ્ંડગ વીડિયો જોવાની આદત આપણા મનને રેડીમેડ ઓપિનિયન અને મૂડમાં જકડી લે છે, જેનાથી સ્વતંત્ર વિચારવાની જગ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. ઉદાહરણ તરીકે, સોશિયલ મીડિયા પર લાઈક્સ, કોમેન્ટ્સ કે શેરની ઝંખના આપણને એવી રીતે બાંધી રાખે છે કે આપણે અજાણતાં જ બીજાના મંતવ્યો અને અપેક્ષાઓને અનુસરવા લાગીએ છીએ. જો એક દિવસ સોશિયલ મીડિયા ચૂકી જાય, તો મનમાં ખાલીપણું, ચંચળતા કે કંઈક ખૂટે છે એવી લાગણી ઉદ્ભવે છે.
આ ઉપરાંત, ખાસ કરીને મોટા શહેરોમાં, ઓનલાઈન શોપિંગની સગવડે આપણને એટલા નિર્ભર બનાવ્યા છે કે બજારમાં જઈને ખરીદી કરવાનો વિચાર પણ ઝંઝટભર્યો લાગે છે. હકીકતમાં, આ સુવિધાઓ વિના પણ આપણે સંપૂર્ણ રીતે જીવી શકીએ છીએ, પરંતુ મન આદતો અને તૈયાર મંતવ્યોની ટેવમાં એટલું બંધાઈ જાય છે કે કાર્યક્ષમતા કે વિચારવાની કે સમયસર વસ્તુઓ ઘરભેગી કરવાની આયોજન ક્ષમતા ધીમે ધીમે નિષ્ક્રિય થવા લાગે છે. બીજું, દેખીતી રીતે કિફાયતી લાગતી આ સગવડો, મિમીમમ ઓર્ડરની આડમાં આપણને બહુ મોંઘી પડે છે, ન જોઈતી વસ્તુઓ મંગાવીને નાણાંનો વેડફાટ છે. કોઈ એક વસ્તુની જરૂર છે જેની કિંમત પચાસ રૂપિયા છે પણ મિનિમમ 200/300 રૂપિયાના ઓર્ડર પર જ ફ્રી ડિલિવરી હોય છે એટલે ગ્રાહક દરવખતે એવું જ વિચારશે કે જો ઓછો ઓર્ડર હોય તો 50-60 રૂપિયા ડિલિવરીના ચૂકવવા કરતા બીજી વસ્તુઓ ઉમેરી દઈએ, જે પછીથી કામ આવે. હકીકતમાં આ રીતે ખરીદાયેલી વસ્તુમાંથી ઘણી વસ્તુ બિનઉપયોગી સાબિત થતી હોય અને તેનો ભાર ખિસ્સા પર આવે એ વળી બીજી તકલીફ છે.
- Advertisement -
વધુમાં, આધુનિક ગુલામીનું બીજું એક મહત્ત્વનું પાસું એ છે કે ટેક્નોલોજીએ આપણી માનસિક ક્ષમતાઓને પણ નિર્ભર બનાવી દીધી છે. હજુ દોઢ દાયકા પહેલાં આપણે મોટા મોટા સરવાળા-બાદબાકી, ગાણિતિક ગણતરીઓ મોઢે કરી નાખતા હતા અને હજારો ફોન નંબર યાદ રાખતા હતા. પરંતુ હવે, બે-ચાર સંખ્યાઓનો સરળ સરવાળો પણ આપણાથી થતો નથી, અને બે-ચાર નંબર સિવાય કોઈ ફોન નંબર યાદ રહેતો નથી. આપણું મગજ જાણે આવી કામગીરી કરવાનું જ છોડી દેતું હોય. કેલ્ક્યુલેટર, સ્માર્ટફોન કે ડિજિટલ કોન્ટેક્ટ લિસ્ટ પરની નિર્ભરતાએ આપણી સ્વાભાવિક યાદશક્તિ અને ગણનાની ક્ષમતાને નબળી પાડી છે. આ ઉપરાંત, નેવિગેશન એપ્સ વિના રસ્તો શોધવો મુશ્કેલ લાગે છે, કારણ કે આપણે નકશા વાંચવાની કે દિશાઓ યાદ રાખવાની ક્ષમતા ગુમાવી દીધી છે. એ જ રીતે, હાથે લખવાને બદલે ટાઈપિંગ પર આધાર રાખવાથી આપણી હેન્ડરાઈટિંગ અને લેખનની ઝડપ ઘટી ગઈ છે. નાની-નાની બાબતો માટે ઈન્ટરનેટનો ઉપયોગ, જેમ કે રેસિપી શોધવી, શબ્દનો અર્થ જાણવો કે સામાન્ય જ્ઞાનની માહિતી મેળવવી, આપણી યાદશક્તિ અને સ્વતંત્ર વિચારની ક્ષમતાને નબળી પાડે છે.
આ ઉપરાંત, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સની આદતે આપણને એટલા નિર્ભર બનાવ્યા છે કે એકલા બેસીને પોતાના વિચારો સાથે સમય વિતાવવો કે પુસ્તક વાંચવું પણ મુશ્કેલ લાગે છે. આ બધી નિર્ભરતાઓ આપણા મનને એવી રીતે જકડી લે છે કે આ સાધનો વિના આપણે અસહાય અનુભવીએ છીએ.
ટૂંકમાં, પહેલાના સમયમાં દારૂ વિશે એક સ્લોગન બોલાતું હતું: દારૂડિયો શું દારૂ પીવાનો! દારૂ જ દારૂડિયાને પી જશે… બિલકુલ એવા જ અર્થમાં આજે એમ કહી શકાય કે, આપણે શું સુવિધાઓના સ્વામી બનવાના? સુવિધાઓ જ સ્વામીની બનીને આપણને પોતાના ગુલામ બનાવી દેશે!
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સની આદતે આપણને એટલા નિર્ભર બનાવ્યા છે કે એકલા બેસીને પોતાના વિચારો સાથે સમય વિતાવવો કે પુસ્તક વાંચવું પણ મુશ્કેલ લાગે છે, આ બધી નિર્ભરતાઓ આપણા મનને એવી રીતે જકડી લે છે કે આ સાધનો વિના આપણે અસહાય અનુભવીએ છીએ



