ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ મિલેટ્સ એટલે કે જાડા ધાન્યોમાં રહેલા પોષકતત્વો યુક્ત ખોરાક. ઉચ્ચ માત્રામાં પ્રોટીન, એન્ટી ઓક્સીડન્ટ, વિટામીન, ફાઈબર તેમજ ખનિજ તત્વોનો ભંડાર હોય એવા પોષક ધાન્યો ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) તરીકે ઓળખાય છે. મિલેટ્સના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુથી કાજલી એપીએમસી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને વેરાવળ તાલુકા કક્ષાનો મિલેટ મહોત્સવ યોજાયો હતો. આ તકે, આંગણવાડીની બહેનો દ્વારા બાજરીના પિત્ઝા, મકાઈની ઈડલી, બાજરીની ખીચડી, બાજરાના ચમચમિયા, બાજરીના વડા, સામાની ખીચડી જેવા પૌષ્ટિક ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) વાનગીઓનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં નાયબ ખેતી નિયામકશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, આત્મા વિભાગનો સ્ટાફ, બિયારણ કંપની તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, ખેતીવાડી શાખા, ખેડૂત ઉત્પાદન સંગઠન, બાગાયત શાખા, ખેડૂત ભાઈ-બહેનો, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યો અને આંગણવાડી કાર્યકર બહેનો પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતાં.