કાયદાઓ એક જ છે, પરંતુ સામાન્ય નાગરિક અને પોલીસ વચ્ચેનાં ત્રાજવા-કાટલાં અલગ છે
થોડાં દિવસ પહેલાં એક લારીવાળાને ત્યાં નાસ્તો કર્યાં પછી 120 રૂપિયાનું બિલ ન ચૂકવવા બદલ ક્રાઈમ બ્રાન્ચનાં કોન્સ્ટેબલ ધમભા ઝાલાએ લારીવાળાને અને તેનાં 12 વર્ષનાં પુત્રને ઢોરમાર માર્યો. સાહેબોએ તેની બદલી જિલ્લા બહાર કરી નાંખી. ધમભાને શો ફરક પડશે, હવે એ પોતાનાં નવા પોસ્ટિંગ દ્વારકામાં કોઈ ઈંડાવાળા-જિંગાવાળાને શોધીને ત્યાં મફતમાં ખાવા જશે. પેલો અવાજ ઉઠાવશે તો ધમભા એને ઢીકાપાટું કરશે. તમામ અપલખ્ખણ ધરાવતાં ક્રાઈમ બ્રાન્ચનાં પી.એસ.આઈ. સાખરાની અમદાવાદ બદલી થઈ. શું કશો જ ફરક આવવાનો? બિલકુલ નહીં. ઉદાહરણો અગણિત છે. સામાન્ય પ્રજા ગુનો કરે તો તેની વિરૂદ્ધ એફ.આઈ.આર. થાય, કોઈ રીઢો ગુનેગાર હોય તો જે-તે વિસ્તારમાં પોલીસ તેનું સરઘસ કાઢે. પોલીસ સ્ટેશનમાં પીળા રંગનાં રબ્બરનાં ધોકા મારે. આ બધું સામાન્ય નાગરિકો માટે છે. તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ન હોય તો પણ પોલીસ તમને ખખડાવી નાંખે. આપણી વિરૂદ્ધ કોઈએ સાવ સામાન્ય બાબતે ફાલતું અરજી કરી હોય તો પણ આપણને પોલીસ સ્ટેશને બોલાવી ખખડાવી નાંખવામાં આવે છે. કાયદાઓ એક જ છે. પરંતુ સામાન્ય નાગરિક અને પોલીસ વચ્ચેનાં ત્રાજવા-કાટલાં અલગ છે. જ્યારે વિજયગિરિ ગોસ્વામીની ઑડિયો ક્લિપ જેવાં સ્પષ્ટ પુરાવાઓ અને સાંયોગિક પુરાવાઓ હોવા છતાં તેમની સામે તપાસનાં આદેશ અપાય છે. તપાસ શાની? વિજયગિરિની વાતચિત છે, અવાજ તેમનો છે, એવું સ્વયં ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રો સ્વીકારે છે. આટલાં મજબૂત પુરાવા હોવા છતાં સીધાં પગલાં શા માટે નહીં?
- Advertisement -
કાગડો કદી કાગડાંનું માંસ ખાતો નથી
પોલીસ કર્મચારી ગમ્મે તેટલી હદે વાંકમાં હોય, તેણે ગુનો આચર્યો હોય તો પણ પોલીસ સ્ટાફ તેને છાવરવાનો જ છે- આ પથ્થરની શિલા પર કોતરાયેલું સત્ય છે
રાજકોટનાં પ્રહલાદ પ્લોટમાં સોની પરિવારવાળા કાંડમાં ઙજઈં સાખરાની ભૂંડી ભૂમિકા એકદમ સ્પષ્ટ હતી. છતાં તે સમયનાં કમિશનર મનોજ અગ્રવાલે સાખરા પર અસીમ કૃપા વરસાવી, સાખરાની બદલી કે સસ્પેન્શનની વાત તો દૂર રહી, તેમણે પોતાનાં આ પપેટ ઙજઈંને ઉની આંચ પણ આવવા દીધી નહીં. આવો અભિગમ જ પોલીસની ગુનાખોરીને ઉત્તેજન આપે છે
- Advertisement -
ક્રાઈમ બ્રાન્ચમાં પોસ્ટિંગને એટલે જ એક બમ્પર લોટરી માનવામાં આવે છે. ખરેખર તો ડિવિઝનના સ્ટાફ કરતાં ક્રાઈમ બ્રાન્ચની જવાબદારી અનેકગણી વધુ હોય છે. પોલીસકર્મી જો ધારે તો ક્રાઈમ બ્રાન્ચમાં ઉત્તમ કામગીરી બજાવી શકે છે, પોતાની ટેલેન્ટ પુરવાર કરી શકે છે, પરંતુ એવું ભાગ્યે જ કોઈ કરે છે. અહીં આવ્યા પછી ચોતરફથી ઉસેડવા સિવાય કોઈ કશું ધ્યાન આપતું નથી
વાસ્તવમાં આ બદલી, સસ્પેન્શન અને તપાસ વગેરે એક છળથી વિશેષ કશું જ નથી. પ્રજાની આંખમાં ધૂળ નાંખવાની આ એક રમત માત્ર છે. વાસ્તવિકતા એ છે કે, કાગડો કદી કાગડાંનું માંસ ખાતો નથી. પોલીસ કર્મચારી ગમ્મે તેટલી હદે વાંકમાં હોય, તેણે ગુનો આચર્યો હોય તો પણ પોલીસ સ્ટાફ તેને છાવરવાનો જ છે- આ પથ્થરની શિલા પર કોતરાયેલું સત્ય છે.
જેમ અસામાજીક તત્ત્વોનો લોકોમાં ડર છે, તેમ ધમભા અને વિજયગિરિ ગોસ્વામી તથા સાખરા જેવા પોલીસવાળાઓનો પણ લોકોમાં ખૌફ છે. આવા માથાભારે પોલીસવાળા જ્યારે સકંજામાં આવે ત્યારે તેમનું પણ જે-તે વિસ્તારમાં દોરડાં બાંધીને સરઘસ કાઢવું જોઈએ. જે-તે પોલીસ સ્ટેશનનાં વિસ્તારોમાં તેમની આ પાલખીયાત્રા ફેરવવી જોઈએ.
છેલ્લે તમે ક્યારે સાંભળ્યું કે, ભ્રષ્ટાચાર-ગેરરીતિ બદલ કોઈ પોલીસકર્મી ડિસમિસ થયો? શા માટે ન થઈ શકે? સજ્જડ પુરાવાઓ, સાક્ષીઓ હોય ત્યારે આવા પોલીસ કર્મચારીને કે અધિકારીને ઘરભેગા કરવાનું કાર્ય હરગીઝ કપરું નથી. હા! દાનત હોવી જોઈએ અને અભાવ એનો જ છે. રાજકોટનાં પ્રહલાદ પ્લોટમાં સોની પરિવારવાળા કાંડમાં પી.એસ.આઈ. સાખરાની ભૂંડી ભૂમિકા એકદમ સ્પષ્ટ હતી. છતાં તે સમયનાં કમિશનર મનોજ અગ્રવાલે સાખરા પર અસીમ કૃપા વરસાવી, સાખરાની બદલી કે સસ્પેન્શનની વાત તો દૂર રહી, તેમણે પોતાનાં આ પપેટ પી.એસ.આઈ.ને ઉની આંચ પણ આવવા દીધી નહીં. આવો અભિગમ જ પોલીસની ગુનાખોરીને ઉત્તેજન આપે છે. પછી રાજકોટમાં બન્યું હતું તેમ ક્રાઈમ બ્રાન્ચ લોકરક્ષકની જેમ નહીં, કોઈ ઓર્ગેનાઈઝ્ડ ગેંગની જેમ કામ કરવા માંડે છે. અતિશયોક્તિ ન કરીએ તો પણ કહી શકાય કે, એ સમયની ક્રાઈમ બ્રાન્ચ પર ગુજસીટોક પણ લાગી શકે, તેવાં તેમનાં કારનામાં હતાં.
ક્રાઈમ બ્રાન્ચમાં પોસ્ટિંગને એટલે જ એક બમ્પર લોટરી માનવામાં આવે છે. ખરેખર તો ડિવિઝનના સ્ટાફ કરતાં ક્રાઈમ બ્રાન્ચની જવાબદારી અનેકગણી વધુ હોય છે. પોલીસકર્મી જો ધારે તો ક્રાઈમ બ્રાન્ચમાં ઉત્તમ કામગીરી બજાવી શકે છે, પોતાની ટેલેન્ટ પુરવાર કરી શકે છે, પરંતુ એવું ભાગ્યે જ કોઈ કરે છે. અહીં આવ્યા પછી ચોતરફથી ઉસેડવા સિવાય કોઈ કશું ધ્યાન આપતું નથી. પછી બધાંને મલાઈદાર મેટરમાં જ રસ પડવા માંડે છે. લોકહિત ભૂલાઈ જાય છે અને સ્વહિત સર્વોપરી બની જાય છે.
વિજયગિરિની ઑડિયો ક્લિપની વિગતો પ્રકાશિત કરવાનો અમારો ઉદ્દેશ્ય બહુ સ્પષ્ટ છે. કોઈ સનસનાટી નથી કરવી.
સિર્ફ હંગામા ખડા કરના
હમારા મકસદ નહીં,
હમારી કોશિષ હૈ કી
યહ સૂરત બદલની ચાહીએ
આવા કૌભાંડો ઢાંકીને બેસી જવું તે સૌથી સલામત, લાભદાયક માર્ગ છે. પણ, અમે કાંટાળી કેડી પસંદ કરી છે. પગ છોલાય છે, જખ્મો થાય છે, થાક લાગે છે અને વગડાની કેડી પર ખૂંખાર જંગલી જનાવરોનો ભેટો પણ થઈ જાય છે. પરંતુ ફિકર નથી, એમની સાથે નિપટતા અમને આવડે છે, જ્યાં સુધી વાંચકોનો પ્રેમ, શ્રદ્ધા અમારી સાથે છે- અમે હરક્યુલીસ જેવાં શક્તિશાળી છીએ. અને વાંચકોનો પ્રેમ એટલે જ મળે છે કે, અમે અલગ કેડી પર ચાલી નીકળ્યા છીએ.