- સુપ્રિમ કોર્ટના આજે જ નિવૃત થઇ રહેલા મુખ્ય ન્યાયમૂર્તિ યુ.યુ. લલીતના વડપણ હેઠળની બંધારણીય ખંડપીઠ દ્વારા દૂરગામી અસર કરતો ફેંસલો
- પાંચ જજોની ખંડપીઠ દ્વારા ફેંસલો: 10 ટકા આર્થિક અનામત માટે કરવામાં આવેલો બંધારણીય સુધારો યોગ્ય: અનામત માટે 50 ટકાની મર્યાદા ફ્લેસીબલ
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના પગલે મોદી સરકારે દેશભરમાં જે 10 ટકા આર્થિક અનામતને લાગુ કરી હતી તેને સર્વોચ્ચ અદાલતે બંધારણીય ગણાવી છે. આજે સુપ્રિમ કોર્ટના નિવૃત થઇ રહેલા મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી યુ.યુ. લલીતના વડપણ હેઠળની બંધારણીય ખંડપીઠે અત્યાર સુધીમાં પાંચ જજોમાંથી ત્રણ જજોએ આ 10 ટકા આર્થિક અનામતને યોગ્ય ગણાવી છે.
હવે જસ્ટીસ યુયુ લલીત તેમજ જસ્ટીસ ચંદ્રચૂડ પોતાનો ચૂકાદો આપશે અને સંભવત: તે અનામતની તરફેણમાં હશે તેવું માનવામાં આવે છે. સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીએ આ અનામતથી 50 ટકાથી વધુ અનામત આપી ન શકાય તેવા સુપ્રિમ કોર્ટના અગાઉના ચૂકાદા પર ટિપ્પણી કરતા જણાવ્યું કે 50 ટકાની મર્યાદા ફ્લેસીબલ છે એટલે કે તેમાં ફેરફાર થઇ શકે તેમ છે.
- Advertisement -
જસ્ટીસ બેલા ત્રિવેદીએ બંધારણમાં જે 106મો સુધારો કરવામાં આવ્યો હતો તેને માન્ય રાખ્યો છે અને જણાવ્યું છે કે બંધારણીય સુધારા મારફત આ અનામત લાગુ થઇ છે તે યોગ્ય છે. ગુજરાત હાઈકોર્ટના જ એક સમયના ન્યાયમૂર્તિ જસ્ટીસ જે.બી. પારડીવાલાએ પણ બંધારણ સુધારાને માન્ય રાખ્યો છે અને આ સાથે જ કેન્દ્રમાં મોદી સરકારે જે આર્થિક નબળા પરિવારો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં 10 ટકાની અનામત દાખલ કરી છે તેને સર્વોચ્ચ અદાલતની મંજૂરી મળી ગઇ છે. જેને મોદી સરકારનો એક મોટો રાજકીય અને કાનૂની વિજય પણ ગણી શકાય.