સૌરાષ્ટ્રના દંતકથારૂપ હોનહાર PIનો કલ્પનાતિત નવો અવતાર

પોરબંદરની ગેંગવોર, સલાયાની દાણચોરી, ખંભાળિયાના અસીમ માથાભારે તત્ત્વોની રાડ અને રાજકોટના એસટી તંત્રને ખોટના ખાડામાં નાખનારા ‘છક્કા-રાજ’નો ખાતમો બોલાવવામાં કોઇ એક વ્યક્તિ એપી સેન્ટર જેવી હતી તો તે હસ્તીનું નામ છે સુખદેવસિંહ ઝાલા!

1976 થી 2019 સુધીના સમયગાળામાં સૌરાષ્ટ્રની અપરાધી આલમ માટે તંત્ર પાસે સુખદેવસિંહ ઝાલા નામે બ્રહ્માસ્ત્ર હતું. મૃદુભાષી અને નિર્વ્યસની સુખદેવસિંહની ભીતરી સચ્ચાઇ અને ઇમાનદારીની તાકાત અસીમ હતી

અનિરુદ્ધ નકુમ

બોલિવૂડ ફિલ્મો તો વર્ષે સેંકડો બને પણ પાકીઝા,મધર ઇન્ડિયા કે શોલે જેવી બીજી ન બની. દેશમાં ક્રિકેટર્સનો પણ પાર નથી પણ ગાવસ્કર,તેંડૂલકર કે કોહલી કદાપિ આઉટ ઓફ ડેટ બન્યા ખરા? એમ તો વડાપ્રધાનો પણ અનેક થયા પણ ઇન્દિરા ગાંધી કે નરેન્દ્ર મોદી જેવા કોઈ હતા કે હશે? કંઈક આવા જ એક વ્યક્તિત્વની અનોખી વાત કરવી છે. રાજકોટ – સૌરાષ્ટમાં પોલીસવડાને માંડી પી.આઈ પોલિસ ઇન્સ્પેક્ટર પણ ઘણા આવ્યા ને ગયા પરંતુ લોકમુખે કેટલાક નામો સર્વકાલીન ચીરસ્મરણીય રહ્યાં એવા કેટલા? મહદ્અંશે બે જ! રાજકોટના ડીસીપી રહી ચૂકેલા સતીષ વર્મા અને પી.એસ.આઈ.થી શરૂ કરી પી.આઈ. સુધી સીમિત રહ્યા છતાં અપરાધી આલમમાં જેના નામે ધ્રા ધરા ધ્રૂજતી એવા એકમાત્ર ‘સિંઘમ’ સુખદેવસિંહ ઝાલા!
નવી પેઢીને સુખદેવસિંહ ઝાલાનો અલગ જ અવતાર જોવા મળી રહ્યો છે, સાધુ વેશે ! દીક્ષાર્થી સ્વરૂપે ! પણ એ નવા કલેવર ધર્યા પહેલાના સુખદેવસિંહની ચીરપરિચિત ઓળખ આપવી જરૂરી છે. ’ખાસ ખબર’ વતી અમોએ સુખદેવસિંહના ભગવદ્ સ્વરૂપને ખોળી કાઢ્યું ત્યારે તેઓના આશ્ચર્યનો પણ કોઈ પાર રહ્યો નહોતો! સુખદેવસિંહ ઝાલા એક રીતે પ્રજાના ‘સિપાહી’માં હવે સાધુ બની ચૂક્યા છે. પણ 1976 થી 2011 સુધીની તેઓની ‘પોલીસગીરી’ના ડંકા વાગતા હતા.
એકાદ-બે ઉદાહરણ: સુખદેવસિંહ ઝાલાની ડ્યૂટી ખંભાળિયામાં હતી. પોસ્ટતો માત્ર પી.એસ.આઈ.પોલીસ સબઇન્સ્પેકટરની જ. પણ ધાક ધરા ધ્રૂજાવે તેવી. ખંભાળિયામાં તેમણે એલાન કર્યું કે જેમની પાસે પરવાના વગરનું હથિયાર હોય એ 24 કલાકમાં પોલીસ કચેરીએ જમા કરી જાય. 24 કલાક પછી હું કોઈ આવું હથિયાર કોઈ વ્યક્તિ પાસેથી શોધી કાઢીશ તો પછી..? સુખદેવસિંહ બાપુની કલ્પના બહાર માત્ર 24 કલાકમાં આખા તાલુકામાંથી એક જ દિવસમાં 700 જેટલા હથિયારોનો ઢગલો થઇ પડ્યો..!
બીજું એક ઉદાહરણ: સલાયા મુકામે સુખદેવસિંહ વગેરેને સાથે રાખી એક પી.આઈ.એ દરિયાની બોટમાં રેડ પાડી. બોટમાં તાપાસ વખતે લાફા-લાફી થઇ. પછી બોટના માણસોએ ધમકી આપી કે જીવતા રહેવું હોય તો અહિયાથી ચાલ્યા જાઓ. બે’ક કલાકના અંતરે સલાયાથી 15 માણસો ભરી એક ગાડી ખંભાળિયાના ટાવર ચોકમાં આવેલી પોલીસ ચોકીએ ઊભી રહી. સેંકડો લોકોની હાજરીમાં માથાભારે હસતીએ પોલીસો પર હાથવાળીયો પણ કરી લીધો અને જતાં-જતાં કહેતા ગયા કે ક્યાં છે તારો પીએસઆઇ ઝાલો? તેને પણ કહી દેજે કે સાંજે 7 વાગે અમે પાછા ‘ખબર લેવા’ આવીશું!
એ પછી ચોકમાં હજારો લોકો એકત્ર થઈ ગયા હતા. ઝાલાસાહેબ જામનગરથી આવે તેની રાહ જોવાતી હતી. બરાબર પાંચેક વાગ્યે ઝાલા સાહેબ આવ્યા. બધી વિગત જાણી. પછી બોલ્યા કે ’તેઓ શું આવશે, હું જ એમની સામે ત્યાં તેના ઇલાકામાં જાઉં છું! જામનગરના ડી.એસ.પી.ની પૂર્વ મંજૂરી લઇ માત્ર 2 પોલીસમેન સાથે મરદનું ફાડિયું જેવા ઝાલાસાહેબ સલાયા પહોંચ્યા. ગામના ચોક વચાળે પોલીસોની લાકડીથી જમીન પર કુંડાળું બનાવી એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં માઈક લઇ કરી ગર્જના: જે 15 લોકોએ પોલીસ મથકમાં ધમાલ કરી તેમને હું 15 મિનિટનો સમય આપું છું. અહિયા દોરેલા કુંડાળામાં આવી જાય.સમય પૂરો થયા સુધીમાં નહીં આવે તો હું ગમે તે રીતે વર્તીસ અને તેની જવાબદારી એ લોકોની રહેશે. ઝાલા સાહેબની ગર્જનાથી થથરી ઉઠેલા પંદરેય શખ્શો ચોકમાં દોરેલા કુંડાળામાં હાજર થઇ ગયા. પછી સાથેંના બંને પોલીસને ઝાલા સાહેબે આદેશ કર્યો કે: મારો વળી એવી સરત રાખી કે માર ખાતાં ખાતાં જેનો પગ કુંડાળાની બારે નીકળી જશે તેને હું ગોળી મારી દઇશ! અડધો કલાક સુધી બધા અપરાધીઓએ પેટ ભરીને લાકડીઓ ખાધી. અધમૂવા બનેલા બધાને ગાડીમાં ચડાવી ખંભાળિયા લઇ આવ્યા!
સુખદેવસિંહ ઝાલાના આવા પરાક્રમોનો આખો ગ્રંથ લખી શકાય. પોરબંદરમાં ગેંગવોર ચરમસીમાએ હતી તેને શાંત અને સાફ કરવા સરકારે પોલીસવડા તરીકે સતીશ વર્મા પર પસંદગી ઉતારી હતી એને સતીશ વર્માએ સુખદેવસિંહ ઝાલા પર ! સુખદેવસિંહ ઝાલા કંઈ હટ્ટાકટ્ટા નહોતા. ગાંઘીજીની જેમ એકવાડીયા બાંધાના હતા.પણ તેઓની ફરજપરસ્તી એવી કે ભલભલાના પાટલૂન ભીનાં થઇ જાય. જસદણ સહિતના રાજકોટ જિલ્લામાં ચાલતી છકડો રિક્ષાઓને બંધ કરાવી એસ.ટી.ની આવક વધારી દેવામાં પણ સુખદેવસિંહનો ‘સિંહ’ફાળો છે. જસદણમાં તેઓની પોસ્ટિંગ વખતે કોઈ અપરાધીની મજાલ નહોતી કે મૂછે તાવ દઈ શકે. માનવામાં ન આવે એવી હકીકત એ પણ હતી કે ડ્યૂટી દરમિયાન ઝાલાસાહેબ અપરાધી સાથે પણ કદી તુંકારે વાત કરતા નહોતા. એટલા ખતરનાક કેસોની તપાસ તેઓ પાસે રહેતી કે સાંજે જીવતા ઘરે જાય શકશે કે કેમ તે નક્કી નહોતું. જો કે ઝાલાસાહેબની મર્દાનગીને રક્ષાકવચ હતું તેઓના ધર્માનુરાગી પત્નીનું. તેઓ ભગવતી માં ગાયત્રીના પરમ ઉપાસક. હરદ્વાર સ્થિત રામશર્મા આચાર્ય સ્થાપિત શાંતિકુંજ (ગાયત્રી આશ્રમ) સાથે ઝાલાસાહેબના પત્નીનો લગાવ સતત રહ્યો. વખત જતાં ઝાલાસાહેબ પણ અધ્યાત્મ તરફ વળ્યાં. 2011માં નિવૃત્ત થયા બાદના ઝાલાસાહેબને તો હવે ઓળખવા પણ મુશ્કેલ બને. ગાયત્રી પરિવારનો સિમ્બોલિક પીળા પીતામ્બર અને ઝભ્ભો. ખભે ખાદીનો થેલો. માથે વ્હાઇટ ટોપી અને તન,મન ધન, બધું જ અર્પણમાં ગાયત્રીને ચરણે! રાજકોટમાં ‘અશ્ર્વમેધ’ યજ્ઞ થયો તે પછી ઝાલા-દંપતી હરિદ્વાર ગયા અને કહેવાય છે કે ઝાલા સાહેબના ધર્મ પત્નીએ તમામ ઘરેણાં અર્પણ કરી દીધા. જોકે સુખદેવસિંહજી આ બાબતે અધ્યાત્મક-મૌન પાળે છે. અધ્યાત્મકને સાથોસાથ ઝાલાસાહેબ અંતમુખી અને પર્યાવરણ પ્રેમી પણ બની ગયા છે. હવે સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાબેના જમર ગમે જાઓ તો જોજો, પાદરના તળાવને હજારો વુર્ક્ષોથી તેઓએ આચ્છાદિત કરી દીધું છે. સુપર કોપ રહેલા સુખદેવસિંહ ઝાલાને હવે એક જ હોપ (આશા) છે મોક્ષની! તેઓ શેષજીવન ભક્તિમય વિતાવી રહ્યા છે. ગાયત્રી પરિવારનો ડ્રેસકોડ હવે આ ખાખીધારીનો કાયમીનો યુનિફોર્મ બની ગયો છે. તેઓ પોતાના ‘મહાપ્રયાણ’ પછી પણ શું કરવું તેની લેખિત કેફિયત કરી ચુક્યા છે. આવા સપાહીમાં ‘સાધુ’ બનેલા હોનહાર પોલીસકર્મી સુખદેવસિંહ આજે પણ પોતાના ફરજકાળ વખતના કોર્ટ કેસો વગેરે માટે જે-તે શહેરોની અદાલતોમાં પીળા-યુનિફોર્મમાં જ આવે છે. એસટી બસમાં પીળો ઝભો અને પીતામ્બર પહેરેલો એકવાડિયા બાંધાનો શખ્સ નજરે પડે તો “જય ગાયત્રી” કરી પૂછતાછ કરી લેશો, સંભવ છે મહાપુરુષની મુલાકાત થઇ જાય.

  • સુખદેવસિંહ ઝાલાના કદી વિસરી ન શકાય તેવા પરાક્રમો…
  • સુખદેવસિંહજી ઝાલાની પર્સનાલિટી જ એવી હતી કે અપરાધી તેઓની સામે આવતા જ પોપટ બની જતા.જો કે અપરાધીને પણ સુખદેવસિંજી કદી ગાળ આપતા નહીં, ‘માનભેર’ જ બોલાવતા!
  • રાજકોટ જિલ્લામાં એ વખતે છકડો રિક્ષાવાળાનો બહુ ત્રાસ હતો. એસટી તંત્ર ખુદ ખોટ અનુભવવા લાગ્યું એટલો ત્રાસ. સુખદેવસિંહે ઝુંબેશ આદરી. છકડો રિક્ષાવાળા સુખદેવસિંહને દૂરથી પણ ભાળી જાય તો મુસાફરોને ઉતારી મૂકે પણ ઝાલા સાહેબની સ્ટાઇલ જુદી જ હતી. છકડાવાળાને કહે; રિક્ષા ખાલી પડી છે? કોઈ ઉતારું ભર્યા નહોતાં? છકડાવાળો ‘ના’ પાડે એટલે ઝાલા સાહેબ કહેતા કે, તો સાઇલેન્સરને બક્કી (કિસ) કર. રિક્ષા બંધ હશે તો સાઇલેન્સર ઠંડું જ હશેને? છકડાવાળા પાસે ગુનો કબૂલી લેવા સિવાય કોઈ રસ્તો નહોતો!
  • જામનગર પંથકમાં એ વખતે ‘સાત-નારી’ ગેંગનો ત્રાસ વધી ગયેલો. ઝાલા સાહેબે આખી ગેંગને પકડી અને માથે મુંડન કરાવી ત્રાજવા (આજના ટેટૂ)થી ગેંગના દરેક સાગરીતોના માથે ‘ડબલ સેવન’ ચિતરાવી દીધા હતા! સાત-નારી ગેંગ ખુલ્લા માથે નીકળી ન શકે અને માથે ફાળિયાં બાંધીને નીકળે તો પણ પકડાઈ જાય!
  • ગોંડલના ભાજપ અગ્રણી જેન્તી વાડોદરિયા જેવા હત્યા કેસમાં ભલભલાના ‘છેડા-છૂટકા’ નજરઅંદદાજ કરી અસલી કાતિલોને ખોળી કાઢવામાં સુખદેવસિંહની જાંબાજી ભારે ખપ લાગી હતી.