રસ્તા પરથી ગલ્લા હટાવો છો પણ ઇમારતો બહારના પાર્કિંગ કેમ નહીં ?
ઇમારતોમાં વાહનો માટે અંદર પૂરી જગ્યા કેમ નથી? હાઇકોર્ટના રાજ્ય સરકારને ઝાટકતા આકરા સવાલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અલ્પેશ કોગજે અને જસ્ટીસ સમીર દવે દ્વારા ગઇકાલે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા જણાવવામાં આવ્યું હતું કે જનરલ દ્વારા અગાઉ ખાતરી આપવામાં આવી હતી કે પાર્કિંગ અને બીજા ટ્રાફિકની સમસ્યા બાબતે આકરા પગલાં લેવામાં આવશે.
પરંતુ આ આંકરા પગલા માત્ર અધિકારીઓને બચાવવા અને તેમને તરફેણ કરવા માટે લેવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. અદાલતના તિરસ્કારની અરજી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે પરંતુ સ્થિતિ ઠેરની ઠહેર હોવાનું હાઇકોર્ટ અવલોકન કર્યું હતું.
અમદાવાદ સહિત રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યા રખડતા ઢોર અને તૂટેલા રસ્તાઓ બાબતે આપેલા આદેશોનું પાલન કરવામાં નહીં આવતા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી અદાલતના તિરસ્કારની અરજીની સુનાવણી ચાલી રહી હતી.
- Advertisement -
તે દરમિયાન હાઇકોર્ટ દ્વારા ઉપરોક્ત ગંભીર ટિપ્પણી કરવામાં આવી હતી. અમરેલી શહેરમાં તાજેતરમાં બે આંખલાઓ વચ્ચે થયેલી લડાઈના વિડિયો બાબતે પણ હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે આ બુલ ફાઇટ નું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું. હવે તો આવા વિડિયો તેમને પણ મળી રહ્યા છે.
હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, અમદાવાદ શહેરમાં શટલ રિક્ષાઓ ચલાવવામાં નીચલા સ્તરના પોલીસ કર્મચારીઓનું રોકાણ હોય છે આથી આવી શટલ રિક્ષાઓ ચોક્કસ કર્મચારીની હોવા અને કોડવર્ડ હોય છે અને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
અમુક દિવસો પુરતી કાર્યવાહી કરવામાં આવે છે અને ત્યારબાદ સ્થિતિ યથાવત રહે છે. કાલા કુત્તા કે એવા કોડ વર્ડ હોય છે જેના કારણે પછી આવી શટલ રિક્ષાઓ સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવી મિલી ભગત રોકવા માટે કોઈ કાર્યવાહી કરવી જરૂરી છે.
પાર્કિંગની સમસ્યા અને રોડ ઉપર દબાણો બાબતે હાઈકોર્ટે કહ્યું હતું કે રસ્તા પરથી લારી ગલ્લા હટાવીને ચિત્રો બતાવીને ઉજ્જવળ કામગીરી બતાવવામાં આવે છે પરંતુ મોટી ઇમારતો બહાર કાયમી વાહનો પાર્ક કરવામાં આવે છે તેની સામે કાર્યવાહી કરીને સમસ્યાનો કાયમ ઉકેલ લાવવો જોઈએ. કારણકે હાઈ રાઈઝ ઇમારતોની બહાર કાર પાર્કિંગ કરવામાં આવે છે તે કાયમી દબાણ લાગતું નથી.
પરંતુ આ એક પ્રકારનું કાયમી દબાણ છે. જો ઇમારતોમાં પૂરતું પાર્કિંગ આપવામાં આવ્યું નાં હોય તો તેની જવાબદારી અધિકારીઓની બને છે. તેના ઉપર ધ્યાન આપવું જરૂરી છે. પોલીસ અને અમૂકો દ્વારા કામગીરી કરવામાં આવે છે પરંતુ ખૂબ ધીમી ગતિએ કરવામાં આવે છે.