કબૂતરની ચરક અને પીંછાથી અનેક લોકોને સ્વાસ્થ્યને લાગતી સમસ્યા : મનીષા કાયંદેએ અભ્યાસ રજૂ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4
કબૂતર ખાનાની આસપાસ રહેતા લોકોને સ્વાસ્થ્ય સંબંધો, ખાસ કરીને શ્વસનને લગતી સમસ્યાઓ સર્જાતી હોવાથી મુંબઈના બધા જ કબુતરખાના બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
- Advertisement -
આ વિશે ટુંક સમયમાં જ રાજ્ય સરકાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (ઇખઈ)ને જણાવશે તેવું ગઈકાલે રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે કહ્યું હતું. મરીન ડાઇવ, દાદર, અંધેરી અને બોરીવલી એ કબૂતરોને ચણ નાખવાના હોટ સ્પોટ સ્થળ હોવાનું જણાઈ આવ્યું છે. શિવસેનાના વિધાનસભ્ય મનીષા કાયંદેના પ્રશ્નનો જવાબ આપતા ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે ગઈકાલે વિધાનસભામાં કહ્યું હતું કે, ‘મુંબઈમાં 51 કબૂતરખાના છે અને ઇખઈને કહીશું કે એ બધાં જ બંધ કરવામાં આવે.
મનીષા કાયંદેએ કહ્યું હતું કે, દાદરમાં ટ્રાફિક આઈલેન્ડમાં કબુતરખાનું બનાવી દેવાયું છે, એ હટાવી એની જગ્યાએ ફૂલઝાડ રોપવા જોઈએ અથવા એ જગ્યાએ મિયાવાકી જેવો બગીચો પણ ઊભો કરી શકાય. કબૂતરની ચરક અને એમના પીછાંને કારણે અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે એ બાબતે થયેલા અભ્યાસને પણ તેમણે રજૂ કર્યો હતો.
મનીષા કાયંદેની રજૂઆતને સમર્થન આપતાં ભારતીય જનતા પાર્ટીના ચિત્રા વાઘે કહ્યું હતું કે, ’મેં મારા અંધેરીના એક સંબંધીને આ કબૂતરની ચરકને કારણે ગુમાવ્યા છે. આનો અંત લાવવા મક્કમ પગલા લેવા જરૂરી છે.’ ઉદય સામંતે તેમની આ રજૂઆત સંદર્ભે કહ્યું હતું કે, ’અમે આ લોકોને પડતી સમસ્યાઓ સમજીએ છીએ અને એથી એક મહિનો લોકોમાં આ બદલ જનજાગૃતિ આવે એ માટે અભિયાન ચલાવીશું. જે લોકો કબૂતરખાના પાસે રહે છે તેમને એનાથી તકલીફ થાય છે એ અમે કબુતરને ચણ નાખનારાઓને સમજાવીશું.’