સવારના ચાર વાગ્યે સોમનાથ મહાદેવના દ્વાર ભક્તો માટે ખુલ્યા
સોમનાથ મહાદેવની પાલખી યાત્રામાં હજારો શ્રઘ્ધાળુઓ જોડાયા
- Advertisement -
ભોળાનાથને વિશેષ શ્રૃંગાર કરાયો, મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
ગિર સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણ રુપી શોવોત્સવનો જાજરમાન પ્રારંભ આજે વેહલી સવારથી થયો હતો જેમાં સવારના 04:00 વાગ્યા સુધીમાં મંદિરના દ્વાર ભાવિક ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવતા શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને સવારે 4 થી 10 વાગ્યા સુધીમાં 6 કલાક દરમિયાન 20,000 જેટલા દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે વહેલી સવારથી જ ભક્તોએ શિવ નામનું રટણ કરતા સોમનાથ મહાદેવના દર્શન પ્રાપ્ત કરવા કતારો જોવા મળી તેમજ સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવની પાલખી યાત્રામાં હજારો શ્રઘ્ધાળુઓ જોડાયા હતા અને સોમનાથ મહાદેવ મંદિર “હરહર મહાદેવ,બમબમ ભોલે”ના નાદથી પ્રભાસ તીર્થ ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું.
દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણનો પ્રથમ દિવસે જ સોમવાર હોય સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. શ્રાવણના પ્રથમ સોમવારે જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો ઉમટતા ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા છે. વેહલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરત પણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો. સવારે 04 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 20,000 જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા છે.
- Advertisement -
શ્રાવણ માસનો પ્રારંભ થતા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે.ડી.પરમારના હસ્તે 30 દિવસે અવિરત મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. તેમજ શ્રાવણની પ્રથમ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર જોડાયો હતો.અને મહાદેવની પાલખી યાત્રામાં સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા.અને ૐ નમ: શિવાયના નાદ સાથે શિવ ભક્તોના નાદ થી સોમનાથ પરિસર ગુંજી ઉઠ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા પવિત્ર શ્રાવણ પર્વે શિવ ભક્તો માટે અનેરું આયોજન
સોમનાથમાં આ વખતે ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસના પહેલા દિવસથી જ રામકથા શરૂ થઇ રહી છે. આજથી તા.13 ઓગસ્ટ સુધી ચાલનારી રામકથામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્ધાન કુણાલ જોષી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. ત્યાર બાદ તા.26 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી શિવકથાનું પારાયણ થશે. જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પુરાણ આચાર્ય ડો.પંકજ રાવલ શિવકથા કરશે બંને કથાનો સમય સાંજે 4 થી 7નો રહેશે. તેમજ સોમનાથ મંદિરને પ્રસાદ પૂજા ભેટ પધરાવી હશે પણ જો રોકડ નહીં હોય તો આ કેશલેસ કાઉન્ટર પર પણ જમા કરાવી શકાશે. આમ આ શ્રાવણે ભાવિકોને સોમનાથ મંદિરે નવી વ્યવસ્થા જોવા મળશે. જયારે સોમનાથ મહાદેવના દર્શન માટે અને દર્શન કરી પરત આવવા માટે અલગ-અલગ માર્ગો બનાવવાનું આયોજન થયુ છે જેના લીધે ભક્તોની ભીડ ઓછી જોવા મળશે.