• પરખ ભટ્ટ

સતર્કતાનો રાષ્ટ્રજોગ સંદેશ
લૉકડાઉન સમયથી શરૂ કરીને આજ સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત વખત રાષ્ટ્રજોગ સંદેશો પાઠવવા માટે ભારતની ન્યુઝ ચેનલ્સ પર પ્રગટ થયા. આ અઠવાડિયે એમનું રાષ્ટ્રજોગ સંબોધન તહેવારોમાં સતર્કતા દાખવવા બાબતે હતું. રાબેતા મુજબ ન્યુઝ ચેનલ્સ અને નાગરિકોએ અવનવી અટકળો લગાવી. કેટલાકે કહ્યું કે, આજ વખતે સાહેબ અર્થતંત્ર પર વાત કરશે. કેટલાકે વેક્સિનના આગમન બાબતે જાહેરાતની સંભાવના વ્યક્ત કરી. પરંતુ એક પીઢ વડીલની માફક મોદી સાહેબનું કહેવાનું એ જ હતું કે, ‘ભાઇઓ-બહેનોંઓઓ, કોરોના ગયો નથી. બિંદાસ્ત થવાની જરૂર નથી.’ એમના સંબોધન પછી કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે હળવી ટિપ્પણીઓ કરી કે, ‘આમ ને આમ અગર સાહેબ હળવી શૈલીમાં રાષ્ટ્રજોગ સંબોધન આપતા રહ્યા, તો નોટબંધી જેવો ખૌફ જતો રહેશે!’

નવરાત્રિમાં મિશન શક્તિ
ઉત્તરપ્રદેશના હાથરસ કાંડને લીધે યોગી સરકારની પ્રતિષ્ઠાને ભયંકર હાનિ પહોંચી છે. લટકામાં, બિહારની ચૂંટણી માથે છે! યોગી આદિત્યનાથ હવે પગલાં ન ભરે તો રાજકારણ ક્ષેત્રે ધરખમ ભૂકંપો આવે એવી શક્યતા સેવવામાં આવી હતી. આથી નવરાત્રિ દરમિયાન એમણે સ્ત્રી અત્યાચાર ડામવા માટે ‘મિશન શક્તિ’ લૉન્ચ કર્યુ. સોશિયલ મીડિયા પર તે એટલું પ્રચલિત થયું કે લોકોએ આખું અઠવાડિયું યોગી આદિત્યનાથની વાહવાહી કરી. ફક્ત ત્રણ દિવસમાં સ્ત્રી અને બાળકો પર ગુનો આચરનારા ૧૪ આરોપીઓને ફાંસીની સજા, ૨૮ આરોપીઓને ઉંમર-કેદ અને ૩૯ ઇસમોને અમુક વર્ષોની જેલની સજા સંભળાવીને ઉત્તરપ્રદેશ સરકારે સપાટો બોલાવી દીધો. પરંતુ આવું જ કામ ચૂંટણી સિવાયના દિવસોમાં ભારતભરમાં થવું જોઈએ એવું સરકારને ક્યારે સમજાશે?

હમારા ભીમ!
૮ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ રીલિઝ થવા જઈ રહેલી બિગ-બજેટ ફિલ્મ ‘આર.આર.આર.’નો પહેલો લૂક સોશિયલ મીડિયા પર ચાલુ અઠવાડિયે અતિશય વાયરલ થયો. બાહુબલિ બાદ એસ.એસ.રાજામૌલી ફરી વખત ‘આર.આર.આર’ લઈને પ્રેક્ષકો સમક્ષ આવી રહ્યા છે, જેમાં જુનિયર એન.ટી.આર., આલિયા ભટ્ટ, અજય દેવગણ અને રામ ચરણ જેવા સુપરસ્ટાર્સ એકીસાથે બિગ-સ્ક્રીન પર જોવા મળશે. ભારતને સ્વતંત્રતા મળ્યા પહેલાંની આ વાર્તામાં આદિવાસી નેતા કોમારામ ભીમની વીરતા કેન્દ્રસ્થાને છે. બાહુબલિ સમયથી જ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે મળીને કામ કરી રહી છે. તમિલ, મલયાલમ, તેલુગુ, હિન્દી સહિતની ભાષાઓમાં તેને વર્લ્ડ-વાઇડ રીલિઝ કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

શું તમે કૉન્ડોમ ભૂલવા માંગો છો?
સોશિયલ મીડિયા પર છેલ્લા સાત-આઠ દિવસોમાં ભારતની એક અગ્રગણ્ય કૉન્ડોમ બ્રાન્ડ દ્વારા હેશટેગ ‘ફોર્ગેટ કૉન્ડોમ્સ’ (કૉન્ડોમ ભૂલી જાઓ) કેમ્પેઇન ચલાવવામાં આવ્યું, જેમાં રાધિકા આપ્ટે, વિક્રાંત મેસ્સી, બાની જે, કલ્કી કૉચલિન, ડોલી સિંઘ અને વરૂણ સિંઘ જેવા સ્ટાર્સ નજરે ચડ્યા. જેનું નામ સાંભળતાવેંત નાકનું ટિચકું ચડી જાય અને લોકો તેને અનસુના કરીને આગળ વધી જાય એવો ‘કૉન્ડોમ’ શબ્દ આ સપ્તાહમાં ટ્રેન્ડિંગ રહ્યો. કંપનીએ કરેલા રીસર્ચ મુજબ મોટાભાગના ભારતીયો માને છે કે કૉન્ડોમ પહેરવાથી એમને શારીરિક સુખ મળતું નથી. ભારતમાં આને કારણે વસ્તીવધારો તેમજ ગુપ્તરોગની સમસ્યામાં પણ ખાસ્સો વધારો થઈ રહ્યો છે! આથી કંપનીએ અત્યાર સુધીનું સૌથી પાતળું ‘ઇન્વિઝિબલ કૉન્ડોમ’ લૉન્ચ કર્યુ.

ઇરોઝ-નાઉની ગુસ્તાખી!ભારતમાં પ્રખ્યાત થવા કે પછી ટ્રેન્ડમાં રહેવા માટે કંપનીઓ અને ઑર્ગેનાઇઝેશન હવે જાતે જ વિવાદાસ્પદ માર્કેટિંગ કરી રહી છે. ગયા અઠવાડિયે તનિષ્કની એડવર્ટાઇઝમેન્ટ પર હલ્લાબોલ થયા પછી ‘ઇરોઝ નાઉ’ જેવી ચિંદી-ચોર કંપનીને પણ આવી સસ્તી પબ્લિસિટી મેળવવાનું ચાનક ચડ્યું. એમણે નવરાત્રિ સંદર્ભે ત્રણ ગ્રાફિક્સ બનાવીને સોશિયલ મીડિયા પર વહેતા કર્યા, જેમાં નવરાત્રિ જેવા પાવન તહેવારને દ્વિ-અર્થી સંવાદોમાં ઢાળીને બિભત્સ થાળીમાં પીરસવામાં આવ્યા. લોકોએ તેનો ભરપૂર વિરોધ નોંધાવ્યો અને રાબેતા મુજબ, કંપનીએ માફીપત્ર રજૂ કરીને પૉસ્ટ્સ હટાવી લીધી. પરંતુ આ ચક્કરમાં હેશટેગ ‘બોયકોટ્ટ ઇરોઝ નાઉ’ ટ્રેન્ડિંગ લિસ્ટમાં સામેલ થઈ ગયા એનું શું? આવી ફાલતુ કંપનીને મફતની પબ્લિસિટી મળી ગઈ! ખરેખર તો આમના પર કાયદાકીય જોગવાઈઓ લાગુ પાડી દેવી જોઈએ.

લાલો છવાઈ ગયો!
મૂળ ગુજરાતી એવા બોલિવૂડ ડિરેક્ટર હંસલ મહેતાએ ‘સોની લિવ’ પર રીલિઝ થયેલી ‘સ્કેમ ૧૯૯૨’ વેબસીરિઝ ડિરેક્ટ કરી હતી. ઑટીટી વ્યુઅર્સને તે એટલી બધી પસંદ આવી કે ચાલુ અઠવાડિયે તેનો સમાવેશ ભારતના ટોચના ૩૦ ઑટીટી શૉમાં થઈ ગયો. પ્રતિક ગાંધી, હેમંત ખેર, પરેશ ગણાત્રા, સતિશ કૌશિક, શ્રેયા ધન્વંતરી સહિતના કલાકારોથી સુસજ્જ આ શૉ શેરબજારના સૌથી મોટા કૌભાંડી હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે, જે મૂળ સૌરાષ્ટ્રના મોટી પાનેલી ગામના રહેવાસી હતાં. મુંબઈમાં નાનકડી ચાલથી શરૂ કરીને શેરબજારના ખેરખાં બનવા સુધીની સફર અને ત્યારબાદ ૫૦૦૦ કરોડના મસમોટા કૌભાંડના માસ્ટર-માઇન્ડ હર્ષદ મહેતાની આ સ્ટોરી ભારતીય ઑટીટી પ્લેટફોર્મ માટે રિવોલ્યુશનરી સાબિત થઈ રહી છે.