દર અઠવાડિયે કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. તો, ‘ખાસ ખબર’ આપના સમક્ષ ટ્વિટર, વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમધોકાર વાયરલ થયેલી પોસ્ટ્સ પ્રસ્તુત..
ગાંગુલી પર ગુગલી!
સૌરવ ગાંગુલીને કાર્ડિયાક અરેસ્ટ આવતાંની સાથે જ એક બાજુ સોશિયલ મીડિયા પર તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાનો દૌર શરૂ થયો, તો બીજી બાજુ મીમ્સનો! ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને માહેર ખેલાડી સૌરવ ગાંગુલી ઘણી બધી કંપનીઓ માટે જાહેરાત કરતા રહે છે. એમાંની જ એક કંપની એટલે: ફોર્ચ્યુન. સોશિયલ મીડિયા પર ગાંગુલીનું એક એડ-કેમ્પેઇન વાયરલ થયું, જેમાં તેઓ હાથમાં ફોર્ચ્યુન કુકિંગ ઑઇલનો ડબ્બો પકડીને સ્વાસ્થ્યવર્ધક તેલ આરોગવાની સલાહ આપે છે. એમના આ ફોટો અને કાર્ડિયાક અરેસ્ટની ઘટનાને સાંકળતાં એટલા બધા મીમ્સ બન્યા કે ફોચ્ર્યુન કંપનીમાં મનમાં બીક ઘૂસી ગઈ. હ્રદયરોગનો દર્દી કુકિંગ ઑઇલની જાહેરાત કરે, તો ગ્રાહકો એના પર ભરોસો કેવી રીતે કરે? આથી ફોચ્ર્યુન રાઇસ બ્રાન્ડ ઑઇલના સર્વેસર્વા અદાણી વિલ્મરએ સૌરવ ગાંગુલીને ચમકાવતી તમામ જાહેરાતો તાત્કાલિક તમામ મીડિયા પ્લેટફોર્મ પરથી ઉતારી લીધી. સૌરવ ગાંગુલી હવે તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પણ આવી ગયા, પરંતુ કાર્ડિયાક અરેસ્ટને લીધે એમને કેટલાક કરોડો રૂપિયાની જાહેરાત ગુમાવવાનો વખત આવ્યો.
દીપિકાબેન, 31મીએ રાતે ફરી ગાંજો ફૂંક્યો હતો?
આ અઠવાડિયે બોલિવૂડની અભિનેત્રી દીપિકા પદુકોણના સોશિયલ મીડિયાની ચર્ચા ચોરે-ચૌટે ચાલી. બન્યું એવું કે દીપિકાબેને 2021ની શરૂ થતાં પહેલાં પોતાનું આખું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ સાફ કરી નાંખ્યું! પાછલા વર્ષોમાં અપલોડ કરેલા તમામ ફોટો અને વીડિયો ડિલીટ કરીને તેણે એક પોડકાસ્ટ (ઑડિયો) અપલોડ કર્યો. તેના કમેન્ટ સેક્શનમાં કેટલાક યુઝર્સે મસ્તી-મજાકમાં કહ્યું કે, ‘દીપિકાએ 31મી રાતે ગાંજો ફૂંકીને બધું ડિલીટ મારી દીધું લાગે છે!’ દીપિકા પદુકોણે અપલોડ કરેલા તેના નવા ઑડિયો મુજબ, વીતેલો સમય ભૂલાવવા માટે અને જિંદગીમાં આગળ વધવા માટે તેણે આ પગલું ઉઠાવ્યું છે.
- Advertisement -
જીયો ધન ધનાધન!
મુકેશ અંબાણી ‘જીયો’ સિવાયની બાકીની તમામ ટેલિકોમ કંપનીઓના પાટિયા પાડીને જ જંપશે એવું દેખાઈ રહ્યું છે. પહેલી જાન્યુઆરીથી ‘જિયો ટુ જિયો’ ઉપરાંત ‘જિયો ટુ અધર’ કંપનીના નંબર પર પણ કોઈ ચાર્જ વગર મફત કોલ કરી શકાશે, એવી જાહેરાતથી વોડાફોન, એરટેલના હ્રદયના ધબકારા બંધ પડી ગયા. એક તો ઑલરેડી એમના દેવાળા ફૂંકાઈ ગયા છે. લોકો વોડાફોનના નેટવર્કથી કંટાળીને ધડાધડ જિયો પોર્ટેબિલિટી કરાવી રહ્યા છે. એવામાં મુકા કાકાનું આ પગલું અન્ય કંપનીઓના ઉઠમણાં ગોઠવશે, એ નક્કી!
પત્ની-પીડિત પુરુષની વ્યથા સોશિયલ મીડિયા પર વાયરલ!
આ કિસ્સો ગુજરાતનો જ છે. બોટાદના હિતેશ યાદવની એક ફેસબૂક પોસ્ટ ગણતરીના કલાકોમાં ગુજરાતના ઘર-ઘર સુધી પહોંચી ગઈ. થોડા વર્ષો પહેલાં હિતેશ યાદવે અમુકતમુક કારણોસર પત્ની પાસેથી છૂટાછેડા લીધા. શાંતિપૂર્ણ જીવન જીવવા માંગતા હિતેશભાઈ ઝાઝી રકઝક કર્યા વગર પૂર્વપત્નીને ભરણ-પોષણ આપવાની પણ હા પાડી. પરંતુ કોરોનાકાળમાં આવી પડેલાં લોકડાઉનમાં એમની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે માથે 96,000 રૂપિયાનું દેવું ચડી ગયું. સગા-સંબંધી-મિત્રો અને એમના માતા-પિતાની મૂડી ખર્ચ્યા બાદ પણ કોઈ નીવેડો ન આવ્યો. આથી એમણે પોતાની હાલત વિશે ફેસબૂક પર એક લાંબી પોસ્ટ લખી. પુરૂષની સંવેદના વર્ણવતી આ પોસ્ટ અતિશય વાયરલ થઈ અને લોકોએ એમના બેન્ક અકાઉન્ટમાં યથાશક્તિ મૂડી પણ મોકલી. ઘણા લોકોએ એમના આ હિંમતભર્યા પગલાં માટે ધન્યવાદ પાઠવ્યા. સ્ત્રીતરફી કાયદાને કારણે પુરૂષોએ ભોગવવી પડતી પરેશાની વિશે આપણે ત્યાં બહુ ઓછું બોલાય છે, એ હકીકત છે. એવામાં હિતેશ યાદવનો કિસ્સો ઘણા પુરૂષોને હિંમત આપવાનું કામ કરશે.
શર્મા શરમમાં!
ભારતીય ક્રિકેટર રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા ભારે પડ્યું! મેલબોર્નની એક રેસ્ટોરાંમાં બપોરનું ભોજન લેવા ગયેલા રોહિત શર્મા સહિતના અન્ય ક્રિકેટર્સએ ગૌમાંસ આરોગ્યું હોવાની વાત ટ્વિટ્ટર પર સામે આવી હતી. ક્રિકેટના એક ચાહકે રોહિત શર્માનું બિલ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યુ, જેમાં ગૌમાંસ (બીફ)નો ઑર્ડર અપાયો હોવાનું જણાય છે. રોહિત શર્મા પર ટ્રોલર્સ અને ચાહકોએ હલ્લાબોલ મચાવ્યો. રોહિત શર્માની સાથોસાથ ઋષભ પંત, શુભમન ગિલ વગેરે ક્રિકેટરો પણ લંચમાં સામેલ હતાં.
- Advertisement -
અમેરિકી સંસદભવનમાં ભડકો!
દુનિયાની સાસુનું બિરૂદ મેળવી ચૂકેલાં અમેરિકાનું સંસદભવન આ અઠવાડિયે આંતરરાષ્ટ્રીય સ્તર પર ગાજ્યું. ત્યાંના તત્કાલીન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. આગામી 20મી જાન્યુઆરીએ બાઇડેન એડમિનિસ્ટ્રેશન અમેરિકાની ધુરા હાથમાં લેશે. પરંતુ જતાં પહેલાં તેઓ પગ વાળીને બેસે એવું લાગતું નથી. ટ્રમ્પના ભડકાવનારા ભાષણથી યુ.એસ.કેપિટલ પર તેના સમર્થકોએ હલ્લાબોલ મચાવી અને ગોળીબારમાં 4 લોકોએ જીવ ગુમાવવા પડ્યા. પાછલા 220 વર્ષોમાં અમેરિકાએ ઘણા રમખાણો જોયા હશે, પરંતુ સંસદભવનમાં થયેલો વિપ્લવ એટલી હદ્દે ખતરનાક સાબિત થયો કે સમગ્ર વોશિંગ્ટન ડી.સી.માં ઇમરજન્સી જાહેર કરી દેવી પડી. ટ્રમ્પના ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, ટ્વિટર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા. અમેરિકન લોકોના મનમાં હવે ભય ઘૂસી ગયો છે કે, ટ્રમ્પ અગર હજુ 15 દિવસ વ્હાઇટ હાઉસમાં રહ્યો તો આખું અમેરિકા ભડકે બાળશે! ઘરે જઈ રહેલો દીવડો બમણી જ્યોત સાથે સળગે, એવું જ કંઈક ટ્રમ્પના કિસ્સામાં જોવા મળી રહ્યું છે. જોવા જેવી વાત એ છે કે, પ્રેસિડન્ટ પદ પરથી હટ્યા બાદ ટ્રમ્પ અમેરિકા છોડીને સ્કોટલેન્ડ જવાના સપના જોઈ રહ્યા છે!


