દર અઠવાડિયે કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. તો, ‘ખાસ ખબર’ આપના સમક્ષ ટ્વિટર, વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમધોકાર વાયરલ થયેલી પોસ્ટ્સ પ્રસ્તુત..
ગુરૂ અને શનિની યુતિ
આમ તો દર વીસ વર્ષે ગુરૂ અને શનિની યુતિની ઘટના આકાર લે છે, પરંતુ આજ વખતેની યુતિ જરાક હટકે હતી. ખગોળશાસ્ત્રીઓની ભાષામાં વાત કરીએ તો, બંને ગ્રહો 392 વર્ષ પછી એકબીજાની આટલા નજીક આવ્યા. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ ઘટના અત્યંત મહત્વની હતી. કેટલાકનું માનવું છે કે, ગુરૂને કૃષ્ણ અને શનિને અર્જુન ધારીએ તો 2021ની સાલ સમૃદ્ધિથી ભરેલી હશે. જ્યારે અન્ય અમુક જૂથનું માનવું છે કે, ગુરૂ અને શનિની યુતિ આવનારા સમયમાં મહાભયાનક પરિણામો લાવે તેવી આશંકા છે. આ બધાંની વચ્ચે ફક્ત અવકાશ-વિજ્ઞાનમાં રસ ધરાવનારા લોકોએ બંને ગ્રહોની યુતિનો લાભ ઘરે બેઠાં લીધો. કેટલાકે ઘરે વસાવેલાં ટેલિસ્કોપ વડે તો બાકીનાઓએ ટીવી પર લાઇવ ટેલિકાસ્ટ જોઈને!
અઢી વર્ષના બાળકે 7 લોકોને નવજીવન આપ્યું!
સુરતનો એક ગમખ્વાર અકસ્માત આ અઠવાડિયે સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થયો. અઢી વર્ષનો જય ઓઝા 9 ડિસેમ્બરના રોજ પાડોશીના ફ્લેટની બાલ્કનીમાંથી પડી ગયો અને સુરતની અમૃતા હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો. ઘણા દિવસો સુધી ટ્રીટમેન્ટ ચાલી હોવા છતાં જયની તબિયતમાં કોઈ સુધાર ન આવ્યો અને અંતે ડોક્ટર્સ દ્વારા તેને બ્રેઇન ડેડ જાહેર કરી દેવામાં આવ્યો. આ સમાચાર સુરતમાં નોન-ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન ચલાવતાં નિલેશ માંડલેવાલાને મળ્યા અને તેઓ પહોંચ્યા હોસ્પિટલ પર! દીકરાના પિતા સંજિવ ઓઝા, કે જેઓ પોતે જર્નલિસ્ટ છે એમને જયના ઑર્ગન ડોનેટ કરવા માટે સમજાવ્યા.
- Advertisement -
આખરે પરિવાર માન્યો અને જયના વિવિધ અંગોનું દાન કરવામાં આવ્યું. તેનું હ્રદય ચાર વર્ષના રશિયન બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ થયું, ફેફસાં યુક્રેનથી સારવાર માટે ભારત આવેલાં ચાર વર્ષના બાળકને મળ્યા, સુરેન્દ્રનગરની 13 વર્ષની બાળકી અને સુરતની 17 વર્ષની કિશોરીને કિડની મળી, બે વર્ષના ભૂલકાંને મળ્યું લિવર અને આંખોના કોર્નિયા સુરત ખાતેની લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકને! આમ અઢી વર્ષના જયએ કુલ 7 લોકોના જીવનને પ્રકાશિત કરવાનું કામ કર્યુ. આખા ભારતમાં જય ઓઝા અને તેના પરિવારના ફોટો ખૂબ વાયરલ થયા. લોકોએ જયને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આવા પ્રકારના કાર્યો વધુ ને વધુ થાય એ માટે સોશિયલ મીડિયા પર અપીલ કરી.
કોરોના કહે મારૂં નામ!
એકાદ મહિના પહેલાં સુધી આપણે સૌ વેક્સિન આવી ગયાની જે ખુશી મનાવતાં હતાં, એના પર એલિયન્સની નજર લાગી ગઈ હોય એવું લાગે છે. સમાચારો આવ્યા કે, બ્રિટનમાં કોરોના વાયરસનું નવો સ્ટ્રેન અર્થાત નવો અવતાર જોવા મળ્યો છે, જે 70 ટકા વધુ ઝડપથી ફેલાય છે. તાત્કાલિક બ્રિટને ભૂતકાળમાં જે લોકડાઉન લાદ્યા હતાં, એના કરતા પણ વધુ કડક લોકડાઉન લાદવાનું કામ કર્યુ. ત્યાંના પ્રેસિડન્ટ બોરિસ જોહ્નસને ભારે હૈયે લોકોને ક્રિસમસ દરમિયાન પોતપોતાના ઘરમાં રહેવાની તાકીદ કરી. બ્રિટનથી આવન-જાવન કરતી તમામ ફ્લાઇટ્સ પર રોક લગાવવામાં આવી. સાઉદી અરેબિયાએ તો તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લાદી દીધો. ભારતે પણ બ્રિટનની ફ્લાઇટ્સ બંધ કરી. એવામાં ફરી એક વધુ ચિંતાજનક સમાચાર આવ્યા કે, બ્રિટનથી પણ વધુ ખતરનાક કોરોના સ્ટ્રેન સાઉથ આફ્રિકામાં મળી આવ્યો છે. આમ ને આમ ચાલતું રહ્યું તો કોરોના આપણને 2021ની સાલ પણ સુખેથી નહીં જીવવા દે!
લોકશાહીના બણગાં ફૂંકનારાઓ, પોતાનું મર્તબાન જોયું છે?
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને અન્ય કેટલાક વગદાર લોકો રાષ્ટ્રપતિ ભવન પહોંચે એ પહેલાં એમની ધરપકડ કરવામાં આવી, અને રાબેતા મુજબ રાહુલ ગાંધી ઉછળકૂદ કરવા માંડ્યા. મીડિયામાં તેમણે એવા નિવેદનો વહેતા કર્યા કે, ભારતને ફક્ત 3-4 લોકો ચલાવી રહ્યા છે. આને લોકશાહી ન કહેવાય.. વગેરે વગેરે. જરાઅમથી વાતે ધરપકડ થવાથી રાહુલ ગાંધી આટલા ઉકળી ઉઠતાં હોય ત્યારે એમણે એ વિચારવું જોઈએ કે 1975ની સાલમાં જ્યારે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી, ત્યારે લોકશાહી ઘાસ ચારવા ગઈ હતી? પોતાની કરતૂતો પર પડદો ઢાંકી દઈને આખા દેશને ભરમાવવાની આવી વ્યર્થ કોશિશોને કારણે ભારતભરમાંથી કોંગ્રેસનું નામું નંખાઈ રહ્યું છે. ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર લોકોએ રાહુલ ગાંધીના આવા બેવડાં ધારાધોરણો પર ખૂબ મીમ્સ બનાવ્યા.