વાયદા, વચનો સાથે મતદારો કોના તરફે: રાજકીય પક્ષોને પરસેવો
બે વોર્ડને બાદ કરતા 13 વોર્ડમાં મતદારો મતદાન કરી મિજાજ બતાવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ મહાનગર પાલિકા ચૂંટણી સાથે જિલ્લાના 6 નગરપાલિકાનું મતદાન આવતીકાલે યોજવાનું છે.ત્યારે આજે કતલની રાતના અંતિમ સમયે ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી વચ્ચે કાલે મતદાન યોજવાનું છે.જેમાં જૂનાગઢ મનપાના વોર્ડ 3 અને 14માં ભાજપના આઠ ઉમેદવારો બિન હરીફ જાહેર થતા 15 વોર્ડ માંથી 13 વોર્ડની ચૂંટણી યોજાશે ત્યારે આજે અંતિમ સમયે વચન અને વાયદા અને જીત બાદ શું કાર્યો કરવાની ગેરેન્ટી સાથે કાલે મતદારો કોના તરફે મતદાન કરશે તેના માટે રાજકીય પક્ષોને પરસેવો પડાવી દીધો છે.ત્યારે 13 વોર્ડના મતદાતાઓ પોતાના અમૂલ્ય વોટ આપીને ગુપ્ત મતદાન કરીને પોતાનો મિજાજ બતાવશે અને તા.18ના રોજ મતગણાના યોજાવાની છે ત્યારે મત પેટીઓમાં શું નીકળશે તેતો પરિણામ બતાવશે.
જૂનાગઢ મનપાનું સુકાન કોના હાથમાં, મતદારોના હાથમાં છે ત્યારે આજે ડોર ટુ ડોર પ્રચાર કરવાનો અંતિમ દિવસ છે.એવા સમયે રાજકીય પક્ષોમાં દોડધામ મચી છે અને ઉમેદવારો મતદારોને પોતાના તરફે મતદાન કરવા તમામ પક્ષો અપીલ કરી રહ્યા છે. ત્યારે વચન અને વાયદા સાથે રસાકસી ચૂંટણી જોવા મળી રહી છે અને મતદારો કોના તરફે મતદાન કરશે તે કળી શકાતું નથી અને નેતાઓને પરસેવો પડાવી રહ્યા છે. ત્યારે તમામ પક્ષો એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે.અને જૂનાગઢના ગઢનું સુકાન મતદારો કોના હાથમાં શોપસે તેવી અનેક અટકળો વચ્ચે કાલે સવારથી મતદાન યોજાશે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.અને મતદાન મથકો પર આજે ઈવીએમ અને ચૂંટણી સાહિત્ય સાથે રવાના થશે.
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીની લડાઈ થશે. ભાજપ દ્વારા વિકાસના મુદ્દે અને કોંગ્રેસ દ્વારા લોકોની સમસ્યા મુદ્દે મત માંગવામાં આવી રહ્યા છે. ભાજપે મનપા કબ્જે કરવા માટે પૂર્વમંત્રી, બહારના સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસ દ્વારા પણ આગેવાનોને પ્રચારમાં સામેલ કરી જોર કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે મતદારો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે જોવું રહ્યું. જૂનાગઢ મહાનગરપાલિકાની 2019માં ચૂંટણી થઇ ત્યારે 60માંથી 54 બેઠક પર ભાજપ, એક કોંગ્રેસ અને ચાર એનસીપીના ઉમેદવારોએ મેળવી હતી. લોકોએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા હતા. વોર્ડ નં.3 અને 14માં ભાજપના કુલ 8 ઉમેદવારોની પેનલ બીનહરીફ થઇ છે હવે તા.16ના બાવન બેઠક પર ચૂંટણી યોજાશે. જૂનાગઢમાં 133970 પુરૂષ, 128085 મહિલાઓ અને 13 અન્ય મળી કુલ 262068 મતદાર હતા. બે વોર્ડ બિનહરીફ થતા 32952 મતદારોનો મતાધિકાર છીનવાઇ ગયો છે, જેથી હવે 229116 મતદાર રહ્યા છે.
- Advertisement -
ભાજપ દ્વારા વિકાસની વાતો કરી મત માંગવામાં આવી રહ્યા છે, તો કોંગ્રેસ દ્વારા ભાજપના વાયદા પોકળ પુરાવાર થયા હોવાના અને પ્રાથમિક પ્રશ્ર્નો ઉકેલવામાં ભાજપ નિષ્ફળ રહ્યાનો પ્રચાર કરી મત માંગવામાં આવી રહ્યા છે. હાલ કુલ 157 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી વોર્ડ નં.4,8,9,12માં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી તેમજ અને વોર્ડ નં.8માં એઆઇએમઆઇએમના ત્રણ ઉમેદવાર પણ છે. વોર્ડ નં.10માં પાંચ અપક્ષ ઉમેદવાર છે, જે મુખ્ય પક્ષના ઉમેદવારોનું હાર જીતનું કારણ બને એવી સંભાવના છે ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી થઇ ત્યારે ભાજપે વન-વે જીત પ્રાપ્ત કરી હતી. આ વખતે એવી સ્થિતિ થાય એવી શકયતા નહીવત છે. ટિકિટ ફાળવણીમાં અન્યાય, અન્ય વોર્ડમાં આયાતી ઉમેદવાર, જે પક્ષના કાર્યકરો હતા તેના બદલે આગેવાનોને સંતાનો અને પરિવારને ટિકિટ આપવા સહિતના મુદ્દાઓના કારણે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી છે. આવા અસંતુષ્ટ કાર્યકરો નિષ્કિય બની ગયા છે અથવા હરીફ પક્ષના ઉમેદવારને મદદ કરી રહ્યા છે. આથી, આ વખતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી રહેવાની સંભાવના છે.