જમ્મુ કાશ્મીરના મહામહિમ ઉપરાજ્યપાલ મનોજ સિન્હા મેળાના અંતિમ દિવસે ટ્રસ્ટના મહેમાન બન્યા:, અંતિમ દિવસે કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીરના લોકડાયરામાં સનાતન સંસ્કૃતિના સૂરો રેલાયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.2
- Advertisement -
સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ આયોજિત “કાર્તિકી પૂર્ણિમા મેળો 2025” ભવ્યતા અને દિવ્યતા સાથે સંપન્ન થયો છે. અગાઉ ભારે વરસાદના વિઘ્ન બાદ તારીખ 27/11/2025 થી 01/12/2025 દરમિયાન યોજાયેલા આ મેળામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી આશરે 11 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ ઉમટી પડ્યા હતા આટલી વિશાળ મેદની વચ્ચે પણ એકપણ અનિચ્છનીય બનાવ ન બન્યો હોય જે સફળ આયોજનની સાક્ષી પૂરે છે. મેળાના પાંચેય દિવસ દરમિયાન યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો સેહલાણીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. મેળાના અંતિમ દિવસે જમ્મુ કાશ્મીરના મહામહિમ ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સોમનાથ ટ્રસ્ટના મેહમાન બન્યા હતા અને ટ્રસ્ટના આમંત્રણને સહૃદય સ્વીકારી મેળામાં પધારીને દીપ પ્રગટ્ય કરી મેળાના અંતિમ ચરણનો પ્રારંભ કરાવેલ હતો. મેળાના અંતિમ દિને પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહીર અને લોકગાયક કિર્તીદાન ગઢવીએ ભજન, ભક્તિ અને લોકસાહિત્યની રમઝટ બોલાવી હતી. કલાકારોએ ભારતીય સનાતન સંસ્કૃતિના સંસ્કારો અને જીવનમૂલ્યોને વણી લેતા ઉદ્બોધનો અને સંગીતમય ભજનો દ્વારા શ્ર્રોતાઓને મધ્યરાત્રિ સુધી ડોલાવ્યા હતા.
આ ઉપરાંત, અગાઉના દિવસોમાં સુશ્રી અપેક્ષાબેન પંડ્યા, શ્રી હેમંત જોશી, શ્રી હિતેશ અંટાળા, સુશ્રી રાજલ બારોટ, સુશ્રી સાંત્વની ત્રિવેદી અને શ્રી બહાદુર ગઢવી જેવા ટોચના કલાકારોએ પોતાની કલાથી મેળાની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી. સમગ્ર મેળાને વિવિધ ઝોનમાં વહેંચીને ભીડ નિયંત્રણ કરવામાં આવ્યું હતું. પોલીસ, ફાયર અને આરોગ્ય વિભાગના સંકલન સાથેનો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવાયો હતો. ફાયર ટેન્ડર અને સેન્ટ્રલ એનાઉન્સમેન્ટ સિસ્ટમ યાત્રીઓ માટે મદદરૂપ સાબિત થયેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ અને નગર સેવા સદનના સહકાર સાથે દૃઢ ઈચ્છાશક્તિને કારણે આ મેળો માત્ર મનોરંજન નહીં, પરંતુ વ્યવસ્થા અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો.



