શિકાગોના ઉત્તરી ઉપનગર ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં સ્વતંત્રતા દિવસની પરેડ દરમિયાન ગોળીબારની ઘટના બની છે. સિટી ઓફ હાઇલેન્ડ પાર્ક વેબસાઇટ અનુસાર ગોળીબારમાં છ લોકોના મોત થયા છે. આ દરમિયાન 24 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે પરેડ શરૂ થયાના 10 મિનિટ બાદ જ લોકોએ ફાયરિંગનો અવાજ સાંભળ્યો ત્યારે પાર્કમાં ગભરાટ ફેલાઈ ગયો. અચાનક ત્યાં નાસભાગ મચી ગઈ અને લોકો પોતાનો જીવ બચાવીને અહીં-તહીં દોડતા જોવા મળ્યા.
- Advertisement -
અહેવાલો અનુસાર, ગોળીબાર કરનાર હુમલાખોરને હાઈલેન્ડ પાર્કમાં જોવામાં આવ્યો છે. અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે.
ટ્વિટર પર એક વિડિયો વાઇરલ થયો છે જે એક વ્યક્તિ દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો. ઇલિનોઇસ ચોથી જુલાઈની પરેડમાં ઓછામાં ઓછા 25 ગોળી ચલાવવામાં આવી હતી. એક પત્રકારે પાંચ લોકોને લોહીથી લથપથ જોયા. જેમ જેમ પરેડ જનારાઓ હાઇલેન્ડ પાર્કમાં પરેડના માર્ગ પરથી દોડતા હતા, તેઓ ખુરશીઓ, બેબી સ્ટ્રોલર અને ધાબળા પાછળ છોડી ગયા હતા, ભગદડ મચી ગઇ હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોળીબાર કરનાર વ્યક્તિ એક ઉંચી ઈમારતની ટોચ પરથી ફાયરિંગ કરી રહ્યો હતો. પરેડનો માર્ગ સેન્ટ્રલ એવન્યુ અને સેકન્ડ સ્ટ્રીટ પાસે હતો. સવારે 10 વાગ્યે શરૂ થયેલી પરેડ લગભગ 10 મિનિટ પછી રોકવી પડી હતી. જ્યારે ગોળીઓ ચલાવવામાં આવી ત્યારે સેંકડો લોકો જીવ બચાવીને ભાગતા જોવા મળ્યા હતા.
- Advertisement -
શિકાગોના મીડિયા અનુસાર, ત્રણ લોહીથી લથપથ મૃતદેહો ધાબળાથી ઢંકાયેલા જોવા મળ્યા હતા અને અન્ય પાંચ ઘાયલ અને પરેડ રિવ્યુ સ્ટેન્ડ પાસે લોહી વહેતું હતું. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તેઓએ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે તેણે 20 થી વધુ શોટ ગણ્યા. કેટલાક ઘાયલોને સારવાર માટે હાઈલેન્ડ પાર્ક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગ દરમિયાન પોલીસને એવું કહેતા સાંભળવા મળ્યા કે બધા વિખેરાઈ જાઓ, કૃપા કરીને! અહીં રહેવું સલામત નથી. પોલીસ આ વિસ્તારમાં રાઈફલ સાથે પેટ્રોલિંગ કરી રહી હતી. પરેડમાં પોલીસ અને ફાયર એન્જિનની પણ ભારે હાજરી હતી.