વિશ્ર્વની નામાંકિત પ્લાઝમા રિસર્ચ સંસ્થામાં બાળકોની અનોખી સિદ્ધિ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
કેન્દ્ર સરકારના પરમાણુ ઉર્જા વિભાગ દ્વારા પ્લાઝમા રિસર્ચ સંસ્થા કાર્યરત છે. પ્લાઝમા એટલે પદાર્થનું ચોથું સ્વરૂપ. હાલમાં જેમ વિશ્વમાં અને ભારતની વસ્તી સતત વધી રહી છે, તેમ દરેકની ઉર્જાની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પ્લાઝમામાંથી વિદ્યુત મેળવવા માટેનું સંશોધન ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચમાં થાય છે.
- Advertisement -
હાલમાં આ સંશોધન વિશ્વના 7 દેશોમાં શરૂ કરવામાં આવશે. જેમાં ભારત પણ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. આ સંસ્થા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ધોરણ 8 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે છે. જેમાં સમગ્ર ગુજરાતની 50 શાળાઓમાં જૂનાગઢ જિલ્લાની માત્ર બે અને એ પણ સરકારી શાળા મંડલિકપુર અને ભિયાળના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રોજેક્ટસ પસંદ થયેલા હતા. જેમાં મંડલિકપુર શાળાના 7 વિદ્યાર્થીઓમાં રામોલિયા ઓમ, દાફડા જીનેશ, ઉમરેટિયા દક્ષ, રામોલિયા સાનિધ્ય વિજ્ઞાન પ્રોજેક્ટસમાં, ઉમરેટિયા પ્રગતિ, મેર હાર્મીશા વિજ્ઞાન કવીઝમાં, સિંધવ રવિ પોસ્ટર સ્પર્ધામાં પસંદ થયેલા હતા. તેમજ ભિયાળ શાળાના 5 વિદ્યાર્થીઓમાં પરમાર ગોપી, અભંગી ક્રિશ, મકવાણા રોનક અપારનાથી દિવ્યા વિજ્ઞાન પ્રોજેક્ટસમાં અને અભંગી જીનાલી પોસ્ટર સ્પર્ધામાં પસંદગી પામ્યા હતા. જિલ્લામાં સરકારી શાળાના આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વૈજ્ઞાનિકો બની શકે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આ આયોજન મંડલિકપુર શાળાના વિજ્ઞાન શિક્ષક તુષારભાઈ પંડ્યા અને ભિયાળ શાળાના વિજ્ઞાન શિક્ષક હાર્દિકભાઈ કાપડિયાએ કર્યું હતું. આ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનથી લઈને બધી જ તૈયારીઓ કરવામાં આવી હતી.