શ્રાવણ મહિનાનું નામ કાને પડે એ સાથે જ સ્મરણમાં ત્રિશૂળ, ડમરું, કેશમાં ચંદ્રમા અને ગંગાની જળધારા ઊપસવા લાગે છે. કર્ણપટલ પર શંખધ્વનિ અથડાવા લાગે છે.
– ડૉ. શરદ ઠાકર
પૃથ્વી પર પથરાયેલાં તમામ વૃક્ષોમાં શિવભક્તોનું ધ્યાન માત્ર અને માત્ર બીલીપત્ર તરફ ખેંચાવા માંડે છે. આ આખો મહિનો શિવજીની ભક્તિમાં પસાર કરવાથી અમાપ પુણ્ય પ્રાપ્ત થાય છે અને સાચા હૃદયથી ભક્તિ કરનારા ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન શિવ આશુરોષ છે અને આશુતોષ પણ છે. બહુ ઝડપથી સંતુષ્ટ થઈ જતા મહાદેવજી પાસે કંઈ માગવાની જરૂર જ રહેતી નથી. તમારા મનમાં ઈચ્છા જન્મે એ સાથે જ મહાદેવ તમારા પર આશીર્વાદ વરસાવીને તમારી ઈચ્છા પૂરી કરી આપે છે.
કાશ્મીરી શૈવિઝમના ઉદ્ગાતા પંડિત અભિનવગુપ્ત શંકર ભગવાન વિશે ખૂબ ગહન અને સાચી વાત નિરૂપી ગયા છે. પ્રકાંડ પંડિત એવા અભિનવગુપ્તના મતાનુસાર શિવજીની અંદર જ શક્તિ સમાયેલી છે. શંકર અને પાર્વતી અભિન્ન ગણાય છે. શિવજીમાં સમાયેલી આ મહાશક્તિ પાંચ અલગ-અલગ સ્વરૂપોમાં બિરાજે છે.
- Advertisement -
ભગવાન શંકરમાં રહેલી પંચશક્તિમાં પ્રથમ છે: ચિત્તશક્તિ, બીજી છે આનંદશક્તિ, ત્રીજી છે ઈચ્છાશક્તિ, ચોથી શક્તિનું નામ છે, જ્ઞાનશક્તિ અને પાંચમી શક્તિનું નામ છે, ક્રિયાશક્તિ.
આ પાંચ શક્તિઓ વડે જ આખું જગત રચાયેલું છે. આ શક્તિઓ વડે જ જગતનું સંચાલન થાય છે અને આ શક્તિઓની બનેલી મહાશક્તિ એ જ મા પાર્વતી છે.
જેવી રીતે સૂરજ અને એનો પ્રકાશ અભિન્ન છે, એ બંનેને અલગ પાડી શકાતાં નથી એ જ રીતે શિવતત્ત્વ અને શક્તિતત્ત્વને અલગ કરી શકતાં નથી. એટલા માટે જ ભગવાન શંકરને અર્ધનારેશ્વર કહેવામાં આવે છે.
મારી અધ્યાત્મની સફરના સાથીદારો, બહેનો તથા ભાઈઓ… આજના પવિત્ર દિવસે હું આપને શુભેચ્છા પાઠવું છું. આવો, આપણે સાથે મળીને આ પવિત્ર મહિનો જગતનાં માતા-પિતા શંકર અને પાર્વતીની ભક્તિ અને આરાધનામાં વિતાવીએ.