દોષીઓને કડકમાં કડક સજા કરો : શ્રી ઇન્દ્રભારતી બાપુ
ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રમાં જુના અખાડાના ચાર સંન્યાસીઓ ઉપર થયેલા હુમલાને જૂનાગઢના ગિરનાર મંડળના પ્રમુખ અને પંચદશનામ જુના અખાડાના ઉપાધ્યક્ષ શ્રી ઇન્દ્રભારતી બાપુએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કડક શબ્દોમાં નિંદા કરી હતી અને દોષીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જુના અખાડામાં સંતોની બેઠકને સંબોધિત કરતા મહંત રવિન્દ્રપૂરી મહારાજે કહ્યું કે,મહારાષ્ટ્રના સાંગલી જનપદના લંબાગઢ ગામના જુના અખાડાના ચાર નાગા સંન્યાસીઓ ઉપર સ્થાનિક લોકોએ હુમલો કરીને ખૂબ ખરાબ કૃત્ય કર્યું છે. આવી ઘટનાઓ બિલકુલ સાખી લેવાશે નહીં.પંચદશનામ જુના અખાડાના ઉપાધ્યક્ષ શ્રી ઇન્દ્રભારતી બાપુએ પણ મહારાષ્ટ્રમાં બનેલી આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને ભવિષ્યમાં પણ આ પ્રકારના હુમલા સાધુ ઉપર ન થાય તે માટે દોષિતો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરી છે.
- Advertisement -
નાગા સંન્યાસીઓએ ભારતની સાથે સાથે સનાતન ધર્મની રક્ષા કાજે પોતાના પ્રાણની પણ પરવા કરી ન હતી. આવી રીતે લોકોનો સાધુ ઉપર હુમલો કરવો ખુબ જ નિંદનીય છે. અગાઉથી નક્કી કરેલા ષડયંત્ર સાથે ચોર કહીને સાધુઓ ઉપર લાકડીઓ અને ડંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને લઈને સંત સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.



