ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
ફરિયાદી મનિષાબેન અમિતભાઈ ગોસ્વામીના પતિ અમિતભાઈના જૂના મિત્ર દીપેનભાઈ મોહનભાઈ ચૌહાણને રકમ રૂા. 15 લાખની જરૂરિયાત હોવાથી ફરિયાદી મનિષાબેને આ દીપેનભાઈને કટકે કટકે હાથવગી સગવડતા મુજબ તથા બેંકમાંથી લોન લઈને દીપેનભાઈને કુલ રકમ રૂા. 15 લાખ આપેલ હતા અને તે પેટે આ દીપેનભાઈએ ફરિયાદી મનિષાબેનને પોતાના ખાતાવાળી બેંકનો રકમ રૂા. 5 લાખનો ચેક આપેલ હતો જે ચેક જમા કરાવતાની સાથે જ ક્લિયર થઈ જશે તેવુ પાકુ વચન, વિશ્ર્વાસ અને ખાત્રી આપેલ હતી.
- Advertisement -
આરોપી દીપેનભાઈએ આપેલ ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા અપૂરતા ભંડોળના કારણે પરત ફરતાં આ દીપેનભાઈને ફરિયાદી મનિષાબેને પોતાના વકીલ ધ્રુવિન એ. છાયા મારફતે લીગલ નોટીસ મોકલેલ જે નોટીસ આ દીપેનભાઈને મળી ગયા હોવા છતાં તે નોટીસનો કોઈ પ્રત્યુત્તર આપેલ નહીં કે ફરિયાદીને તેની લેણી રકમ ન ચૂકવતા ફરિયાદીએ પોતાની કાયદેસરની લેણી રકમ વસુલવા ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881ની જોગવાઈઓ મુજબ તા. 23-11-2021ના રોજ ફરિયાદ દાખલ કરેલ. ફરિયાદમાં આરોપી દીપેનભાઈ ચૌહાણને નોટીસની બજવણી થતાં આરોપી દીપેનભાઈ નામ.અદાલત સમક્ષ હાજર થયેલ.
ત્યારબાદ સમગ્ર કેસ ચાલી જતાં ફરિયાદીના વકીલની રજૂઆતો તથા વડી અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ કોર્ટે આરોપી દીપેનભાઈ મોહનભાઈ ચૌહાણને ક્રીમીનલ પ્રોસીજરની કલમ 255(2) અન્વયે તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદ તથા ફરિયાદીને વળતર પેટે રકમ રૂા. 5,00,000 એક માસની અંદર ચૂકવી આપવા અને જો વળતર પેટેની રકમ આરોપી દ્વારા એક માસમાં ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ માસની સજા ફટકારેલ. આ કામે ફરિયાદી મનિષાબેન અમિતભાઈ ગોસ્વામી વતી એડવોકેટ ધ્રુવીન એ. છાયા, વિનેશ કે. છાયા, સંદીપ એમ. ખેમાણી, કમલેશ એન. સાકરીયા તથા અનિરૂદ્ધભાઈ આર. ધાણેજા રોકાયેલ હતા.